ખરાખરીનો જંગ જામે તેવા એંધાણ! 'અમેરિકા ફર્સ્ટ'થી ટ્રમ્પ મજબૂત, કમલા માટે કપરાં ચઢાણ
US Presidential Election 2024 News | અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પલ્લું ભારે થઈ રહ્યું હોવાના અને ભારતીય મૂળનાં કમલા હેરિસ માટે કપરાં ચઢાણ હોવાના અહેવાલ છે. સીએનએનના છેલ્લા સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસને સરખા 48-48 ટકા મત મળવાની આગાહી કરાઈ હતી પણ વોલ સ્ટ્રીટ જર્નલના નવા પ્રિપોલ સર્વે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પને 47 ટકા જ્યારે કમલા હેરિસને 45 ટકા મત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ટ્રમ્પ ડેમોક્રેટિક ઉમેદવાર અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ કરતાં 2 પોઇન્ટ આગળ હોવાનું તારણ આ સર્વેમાં કઢાયું છે. રાજકીય વિશ્લેષકોના મતે, ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિના કારણે મતદારો તેમના તરફ ઢળી રહ્યા છે. ટ્રમ્પે બીજા બધા મુદ્દાને બાજુ પર મૂકીને અમેરિકામાં અમેરિકનોને જ પ્રાધાન્ય મળે અને બહારનાં દેશોના લોકોનો પ્રવેશ પર આકરાં નિયંત્રણો લદાય તેના પર ધ્યાન કેન્દ્રિય કર્યું છે. ટ્રમ્પ સતત એક વાત કહે છે કે ગમે તે ભોગે અમેરિકાનાં અને અમેરિકનોનાં હિતો તો જળવાવાં જ જોઇએ. વિશ્વની સૌથી શક્તિશાળી મહાસત્તા એટલે કે સુપર પાવર તરીકે અમેરિકાનો પ્રભાવ વિશ્વ ઉપર રહેવો જ જોઇએ. આ વાત અમેરિકનોને પસંદ પડી રહી છે. બહારનાં લોકોને અમેરિકામાં સરળતાથી નહીં આવવા દેવાની ડોનાલ્ડ ટ્રમ્પની વાતને લોકો સ્વીકારી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, બ્રાઝિલ, મેક્સિકો, ફિલિપાઈન્સ અને અલ સેલ્વેડોર એમ વિશ્વનાં છ રાષ્ટ્રોમાંથી આવતા વસાહતીઓ અમેરિકામાં આવી અમેરિકાનું ખાઈને અમેરિકાને જ અસામાન્ય નુકસાન કરે છે એવી ટ્રમ્પની દલીલ મોટા ભાગના અમેરિકન્સ સ્વીકારી રહ્યા છે. ટ્રમ્પનાં મુખ્ય હરીફ કમલા હેરિસ ભારતીય મૂળનાં છે. હેરિસ પોતે જ ઇમિગ્રન્ટ માતા-પિતાનાં સંતાન હોઈ બહારથી આવનારાં લોકો સામે આકરું વલણ નહીં અપનાવી શકે તેથી ટ્રમ્પ બહુ મહેનત વિના આ દલીલ લોકોને ગળે ઉતારવામાં સફળ રહ્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે, કમલાની પ્રારંભિક લીડનું સૌથી મોટું કારણ બાઈડન મેદાનમાંથી ખસી ગયા તેના કારણે પેદા થયેલો સામાન્ય લોકોમાં ઉત્સાહ હતો પણ હવે એ ઉત્સાહ ઓસરી ગયો છે. ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકરો તેમજ મતદારો પણ માનતા હતા કે હવે ચૂંટણીમાં તાજગી જોવા મળશે. તેના કારણે કમલા હેરિસને જબરદસ્ત ભંડોળ મળ્યું. કમલા હેરિસ પોલ સર્વેમાં પણ ટ્રમ્પથી આગળ નિકળ ગયાં પણ ટ્રમ્પનું અમેરિકા ફર્સ્ટ કાર્ડ બાજી પલટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.
ગર્ભપાત પર પ્રતિબંધ : બાઈબલ બેલ્ટ ટ્રમ્પને પડખે
અમેરિકાની ચૂંટણીમાં ગર્ભપાત બહુ મોટો મુદ્દો છે. કમલા હેરિસ ગર્ભપાત પર પ્રતિબંધ નહીં મૂકવાની તરફેણમાં છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ગર્ભપાત પર પ્રતિબંધની તરફેણ કરી રહ્યા છે. આ વલણના કારણે અમેરિકાના રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં છે. અમેરિકામાં રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓના પ્રભાવ ધરાવતા વિસ્તારોને બાઈબલ બેલ્ટ કહેવામાં આવે છે. સાઉથમાં આવેલાં મોટા ભાગનાં સ્ટેટ બાઈબલ બેલ્ટમાં આવે છે. ટેક્સાસ અને ઓકલાહોમા તેમાં મુખ્ય છે. આ સિવાય કેન્ટુકી અને ટેનેસી પણ બાઈબલ બેલ્ટમાં આવે છે. વેસ્ટ મિશિગન અને શિકાગો સબર્બના વિસ્તારો પણ બાઈબલ બેલ્ટમાં આવે છે. રિપબ્લિકન પાર્ટીના સૌથી વધુ રૂઢિચુસ્ત નેતા બાઇબલ બૅલ્ટમાંથી આવે છે તેથી રીપબ્લિકન પાર્ટી ત્યાં સૌથી વધુ શક્તિશાળી છે. બાઈબલ બેલ્ટના પાદરીઓ ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ ઈચ્છે છે. ટ્રમ્પ સત્તામાં પાછા ફરે તો એવું શક્ય બની શકે તેવું તેમને લાગે છે તેથી બાઈબલ બેલ્ટમાં ટ્રમ્પ જોરમાં છે.
બે વાર થયેલા હુમલાએ પણ ટ્રમ્પને ફાયદો કરાવ્યો
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના બે વાર પ્રયાસ થયા તેનો પણ ટ્રમ્પને ફાયદો મળી રહ્યો છે. ટ્રમ્પનો જીવ લેવાના પ્રયાસ થયા ત્યારે ટ્રમ્પ ડરીને ભાગવાના બદલે સ્ટેજ પર જ ઉભા રહ્યા અને હુમલાખોરને પડકાર્યો તેની પણ અમેરિકાના મતદારો પર સારી અસર પડી છે. અમેરિકાના મતદારો ડોનાલ્ડ ટ્રમ્પને બહાદુર નેતા માની રહ્યા છે. વિશ્વની સૌથી જૂની લોકશાહી કહેવાતા અમેરિકામાં ચૂંટણી હિંસા સામાન્ય છે અને આ ચૂંટણીમાં પણ બે વખત પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસો થયા છે. આ હિંસાને ડામવા માટે ટ્રમ્પ જેવા મરદ માણસની જરૂ હોવાનું ઘણા અમેરિકનો માને છે. એક સર્વે પ્રમાણે, ૭૫ ટકા અમેરિકન મતદારો સંભવિત હિંસાથી ડરે છે.
ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં પાદરીઓને વ્હાઈટહાઉસમાં આવકાર્યા હતા
પાદરીઓ સાથે મતભેદો હોવા છતાં પણ ટ્રમ્પે તેમની સરકાર દરમિયાન જાણીતા રૂઢિચુસ્ત પ્રોટેસ્ટન્ટ નેતાઓ માટે વ્હાઇટ હાઉસના દરવાજા ખોલ્યા હતા . તેમણે મોટા પ્રમાણમાં ખ્રિસ્તી પાદરીઓના કાર્યક્રમોમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું હોવાથી પાદરીઓ ટ્રમ્પનો પ્રચાર કરે છે અને ધાર્મિક મૂલ્યો વિનાના ઉદારવાદી નેતા ગણે છે. ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે તેમણે સુપ્રીમ કોર્ર્ટના ન્યાયાધીશ તરીકે ત્રણ રૂઢિચુસ્ત જજની નિમણૂક કરી હતી. આ નિમણૂકને કારણે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં રૂઢિચુસ્તોની બહુમતી થઈ છે. રૂઢિચુસ્તોની બહુમતીને કારણે જ સુપ્રીમ કોર્ટે ૨૦૨૨માં અમેરિકામાં લગભગ છેલ્લી અડધી સદીથી ગર્ભપાતના અધિકારની ખાતરી આપતા કાયદાને રદ કર્યો હતો.
ટ્રમ્પની છેલ્લી રેલીમાં સેલિબ્રિટીની ભીડ, ટ્રમ્પે પત્ની સાથે ડાન્સ કર્યો
અમેરિકાની ચૂંટણી પહેલાંની છેલ્લી રેલીને સ્ટાર સ્ટડેડ બનાવીને ડોનાલ્ડ ટ્રમ્પ છવાઈ ગયા છે. ટ્રમ્પે રવિવારે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં તેમની છેલ્લી રેલી યોજી તેમાં ટ્રમ્પનાં પત્ની મેલાનિયા પણ હાજર રહેતાં મેલાનિયા અને ટ્રમ્પ છૂટાં પડી ગયાં હોવાની વાતો પણ ખોટી સાબિત થઈ હતી. આ રેલીમાં ટ્રમ્પે પત્ની સાથે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો. ્રટ્રમ્પની હરકતો પર મેલાનિયા ખુશ થઈ ગયાં તેનો વીડિયો પણ જોરદાર વાયરલ થયો છે. આ રેલીમાં દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક તેમના સૌથી નાના પુત્ર સાથે હાજર રહ્યા હતા. ટ્રમ્પે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં તેમના પ્રચારનું સમાપન કર્યું ત્યારે લગભગ ૨૦ હજાર લોકો હાજર હતા. ટ્રમ્પે મેડિસન સ્ક્વેરમાં લગભગ ૮૦ મિનિટ સુધી ભાષણ આપ્યું હતું અને તેમાં ગર્ભપાતથી માંડીને ઈમિગ્રન્ટ્સ સુધીના મુદ્દે કમલા હેરિસની ઝાટકણી કાઢી હતી. ઇલોન મસ્ક ઉપરાંત ભૂતપૂર્વ ડેમોક્રેટ નેતા તુલસી ગબાર્ડ, પ્રખ્યાત ટીવી એન્કર ટકર કાર્લસન અને ભૂતપૂર્વ ડબલ્યુડબલ્યુઈ ફાઇટર હલ્ક હોગન પણ ટ્રમ્પની રેલીમાં હાજર રહ્યા હતા. ટ્રમ્પની છેલ્લી રેલીમાં તેમનાં પત્ની મેલાનિયા આકર્ષણનુંં કેન્દ્ર હતાં. ટ્રમ્પે મેલાનિયાને છેલ્લી રેલીમાં હાજર રાખીને ્રટ્રમ્પ કાર્ડ ખેલ્યું હોવાની ટીપ્પણી થઈ રહી છે. મેલાનિયાનું સ્ટેજ પર ઈલોન મસ્ક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મેલાનિયાએ લોકોને ટ્રમ્પને મત આપવાની અપીલ કરતાં ટ્રમ્પને 'મેજિક ઓફ અમેરિકા' ગણાવ્યા હતા. ટ્રમ્પે તેમના પુત્ર બેરોનને 'કિંગ ઓફ ઈન્ટરનેટ' ગણાવ્યો હતો.
મસ્કની મતદારોને દરરોજ 8 કરોડ આપવાની જાહેરાત સામે કેસ
ઈલોન મસ્કે આ ચૂંટણીમાં વધારે મતદાન થાય એ માટે મેગા લકી ડ્રોની જાહેરાત કરીને વિવાદ ઉભો કર્યો છે. મસ્કે જાહેરાત કરી હતી કે, ૫ નવેમ્બરે ચૂંટણી સુધી દરરોજ ૭ સ્વિંગ રાજ્યોના કોઈપણ એક નોંધાયેલા મતદારને ૧૦ લાખ યુએસ ડોલર એટલે કે લગભગ ૮ કરોડ રૂપિયા આપશે. સ્વિંગ સ્ટેટમાં મહત્તમ મતદાન થાય તેથી ટ્રમ્પને ફાયદો કરાવવા માટે મસ્કે આ દાવ ખેલ્યો છે. જો કે ફિલાડેલ્ફિયાના ચીફ પ્રોસિક્યુટર સહિત ઘણાં રાજ્યોમાં અબજોપતિ એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ તરફી રાજકીય એક્શન કમિટિ સામે કેસ ઠોકી દેતાં મસ્કે સ્વિંગ સ્ટેટમાં નોંધાયેલા યુએસ મતદારોને ૧૦ લાખ ડોલરની ગિફ્ટ પર પ્રતિબંધ આવી ગયો છે. મસ્કે ટ્રમ્પની છેલ્લી રેલીમાં રવિવારે જાહેરાત કર્યા પછી વિવાદ ઉભો થયો હતો. ટ્રમ્પ અને મસ્ક લોકોને નાણાંની લાલચ આપીને ફેડરલ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાના આક્ષેપ થયા હતા. અમેરિકાના કાયદા પ્રમાણે, લોકોને મત આપવા માટે નોંધણી કરવા માટે નાણાંની ચૂકવણી પર પ્રતિબંધ છે. મસ્કે અગાઉ બરાક ઓબામાને ટેકો આપ્યો હતો. જો કે મસ્ક તાજેતરના વર્ર્ષોમાં વધુ ને વધુ રૂઢિચુસ્ત બની ગયા છે, મસ્કે તેમના ૨૦ કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટ્વિટર પર પણ ટ્રમ્પનો ભરપૂર પ્રચાર કર્યો છે.
ટ્રમ્પ આવશે તો વાન્સ અને હેરિસ આવશે તો વોલ્સ અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ થશે
અમેરિકામાં પ્રમુખપદની સાથે સાથે ઉપપ્રમુખપદની પણ ચૂંટણી છે પણ મોટા ભાગનાં લોકોને તેની ખબર જ નથી. તેનું કારણ એ કે અમેરિકામાં વાઈસ પ્રેસિડેન્ટ જેવા નંબર ટુ અને મહત્વના કહેવાય તેવા હોદ્દા માટે કોઈ ચૂંટણી જ થતી નથી. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો પોતાના રનિંગ મેટ એટલે કે વાઈસ પ્રેસિડેન્ટના ઉમેદવાર નક્કી કરે છે. આ રનિંગ મેટનું ભાવિ ચમકશે કે નહીં તેનો બધો આધાર પ્રમુખપદના ઉમેદવાર પર હોય છે. પ્રમુખ ચૂંટાય એટલે આપોઆપ વાઈસ પ્રેસિડેન્ટ પણ ચૂંટાઈ જાય છે. કમલા હેરિસના રનિંગ મેટ તરીકે ટીમ વાલ્ઝ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના રનિંગ મેટ જે.ડી.વાન્સ છે. આ બંનેના ભાવિનો ફેંસલો પણ મતપેટીઓમાં બંધ થઈ ગયો છે.
અમેરિકાની ચૂંટણી અંગેના સૌથી સફળ આગાહીકારની આગાહી, કમલા હેરિસ જીતશે
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના સર્વે ડોનાલ્ડ ટ્રમ્પની તરફદારી કરી રહ્યા છે ત્યારે પ્રખ્યાત ઈતિહાસકાર એલન લિચમેને કમલા હેરિસની જીતનો દાવો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સમાં તેમણે મહિના પહેલાં આગાહી કરી હતી કે, આ ચૂંટણીમાં કમલા હેરિસ જીતશે અને અમેરિકાનાં પહેલાં મહિલા પ્રમુખ બનશે. હવે મતદાનનો સમય નજીક છે ત્યારે તેમની આગાહી ફરી વાયરલ થઈ છે. છેલ્લા ૪૦ વર્ષમાં તેમની ૧૦માંથી ૯ આગાહીઓ સાચી સાબિત થઈ છે એવા દાવા સાથે આ વખતે પણ લિચમેન સાચા પડશે એવો દાવો કરાઈ રહ્યો છે. લિચમેન માત્ર ૨૦૦૦માં ખોટા પડયા હતા જ્યારે તેમણે અલ ગોરેની જીતની આગાહી કરી હતી પણ જ્યોર્જ બુશ જીતી ગયા હતા. ૨૦૧૬માં ટ્રમ્પની જીતની આગાહી કરનારા ગણતરીનાં લોકોમાં લિચમેન પણ એક હતા. લિચમેન 'કી ટુ ધ વ્હાઇટ હાઉસ મોડલ'ના આધારે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં કોણ જીતશે તેની આગાહી કરે છે. તેમણે ૧૯૮૧માં તેના મિત્ર વ્લાદિમીર કેઇલિસ-બોરોક સાથે આ મોડલ વિકસિત કર્યુ હતું. આ મોડલ છેલ્લા ૧૨૦ વર્ષમાં યોજાયેલી અમેરિકાના તમામ રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. આ મોડલના આધારે લિચમેન ૧૯૮૪થી અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીની આગાહી કરી રહ્યા છે. આ મોડલ હેઠળ નક્કી કરાયેલા ૧૩ માપદંડોના આધારે ઉમેદવારોની જીતની શક્યતાનું મૂલ્યાંકન કરે છે.
13માંથી 8 માપદંડમાં કમલા આગળ હોવાનો તર્ક
ટૂંકા ગાળાની આર્થિક નીતિ, લાંબા ગાળાની આર્થિક નીતિ, નીતિમાં ફેરફાર, વ્હાઇટ હાઉસ કૌભાંડ, વિદેશ નીતિમાં નિષ્ફળતા, વિદેશ નીતિમાં સફળતા, વિપક્ષ ઉમેદવારના કરિશ્મા જેવાં ૧૩ માપદંડ તેમણે નક્કી કર્યા છે. કમલા હેરિસ ૧૩માંથી ૮ માપદંડમાં ટ્રમ્પથી આગળ હોવાથી તેમની જીતવાની તકો વધુ છે એવો તેમનો દાવો છે. લિચમેન છેલ્લા ૪૦ વર્ષથી લગભગ દરેક અમેરિકન ચૂંટણીની સચોટ આગાહી કરી રહ્યા છે. ૨૦૦૦ની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર અલ ગોરની જીત અંગેની તેમની આગાહી સાચી નહોતી પડી પણ ટેકનિકલી તેમની આગાહીઓ પણ સાચી હતી. ગોરેને કુલ મત વધારે મળ્યા હતા પણ બુશ ઈલેક્ટોરલ કોલેજના આધારે જીત્યા હતા. આ ચૂંટણીનું પરિણામ યુએસ સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયું હતું.
ટિમ વાલ્ઝ
ટિમોથી જેમ્સ વાલ્ઝ ઉર્ફે ટિમ વાલ્ઝ પીઢ નેતા છે. ૬ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે ૨૦૨૪ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં તેના રનિંગ સાથી તરીકે વોલ્ઝની જાહેરાત કરી. ૬ એપ્રિલ, ૧૯૬૪ના રોજ જન્મેલા ટિન અમેરિકન રાજકારણી, ભૂતપૂર્વ શિક્ષક અને નિવૃત્ત યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી નોન-કમિશન્ડ ઓફિસર છે. ૨૦૧૯થી મિનેસોટાના ૪૧મા ગવર્નર તરીકે સેવા આપી રહેલા ટિમ ૨૦૦૭ થી ૨૦૧૯ સુધી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય હતા. ટિમ ૨૦૧૭ થી ૨૦૧૯ સુધી હાઉસ વેટરન્સ અફેર્સ કમિટીના રેન્કિંગ સભ્ય હતા. વાલ્ઝનો જન્મ નેબ્રાસ્કાના વેસ્ટ પોઇન્ટમાં થયો હતો. આર્મી નેશનલ ગાર્ડમાં રહી ચૂકેલા ટિમ હાઈસ્કૂલમાં સોશિયલ સ્ટડીના શિક્ષક અને ફૂટબોલ કોચ રહી ચૂક્યા છે. ૨૦૦૬માં મિનેસોટાનામાંથી સાંસદ તરીકે એટલે કે યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાયા હતા. છ ટર્મથી સાંસદ ગિલ ગુટકનેક્ટને હરાવીને ટિમે સનસનાટી મચાવી હતી. ૨૦૧૮માં મિનેસોટાના ગવર્નર તરીકે ચૂંટાયા તે પહેલાં ટિમ વોલ્ઝ પાંચ વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા.
જે.ડી. વાન્સ
જેમ્સ ડેવિડ વેન્સ રાજકારણી, લેખક અને મરીન સર્વિસીસમાં સેવા આપી ચૂકેલા ભૂતપૂર્વ સૈનિક છે. ઓગસ્ટ 2, 1984ના રોજ જન્મેલા જેમ્સ 2023થી ઓહિયોથી સેનેટર છે. જેમ્સ હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી યુએસ મરીન કોર્પ્સમાં જોડાયા હતા. તેમણે 2003થી 2007 દરમિયાન લશ્કરમાં સેવા આપી હતી. ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી અને યેલ લો સ્કૂલમાંથી સ્નાતક જેમ્સે વેન્ચર કેપિટલિસ્ટ તરીકે ટેક ઉદ્યોગમાં કારકિર્દી શરૂ કરતા પહેલાં કોર્પોરેટ વકીલ તરીકે થોડા સમય માટે પ્રેક્ટિસ કરી હતી. તેમની આત્મકથા હિલબિલી એલિગી 2016માં પબ્લિશ થઈ હતી કે જેના પરથી 2020માં ફિલ્મ બની હતી. વાન્સે ઓહિયોમાં 2022ની યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટની ચૂંટણી જીતી હતી. વાન્સે 2016ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારીનો વિરોધ કર્યા પછી ટ્રમ્પને ટેકો આપેલો. એ પછી વાન્સે એક મજબૂત ટ્રમ્પ સમર્થક તરીકે ઉભર્યા છે. જુલાઈ 2024માં ટ્રમ્પે રિપબ્લિકન નેશનલ કન્વેન્શન પહેલાં વેન્સને રનિંગ મેટ તરીકે પસંદ કર્યા હતા. વાન્સ જમણેરી વિચારધારા ધરાવતા નેતા છે અને કેથોલિક માન્યતાઓમાં વિશ્વાસ ધરાવે છે.