Get The App

ટેરિફના ટેન્શન વચ્ચે ટ્રમ્પને સ્નાનની ચિંતા, વાળ બરાબર ધોઈ શકાતા ન હોવાની ફરિયાદ કરી નિયમ બદલ્યો

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
ટેરિફના ટેન્શન વચ્ચે ટ્રમ્પને સ્નાનની ચિંતા, વાળ બરાબર ધોઈ શકાતા ન હોવાની ફરિયાદ કરી નિયમ બદલ્યો 1 - image


Trump Water Pressure Executive Order: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે શું કરશે, એ કોઈ કહી શકે એમ નથી. ટેરિફ અને યુદ્ધ જેવા ગંભીર મુદ્દાઓ બાબતે આકરું વલણ અખત્યાર કરનારા ટ્રમ્પ શાવર જેવા સામાન્ય મુદ્દાને પણ વૈશ્વિક સ્તરે ગજાવી શકે છે. તાજેતરમાં એવું જ કંઈક બન્યું છે. ટ્રમ્પનો લેટેસ્ટ આદેશ અમેરિકામાં 'શાવર હેડ'માંથી આવતાં પાણીના દબાણને લગતો છે. બુધવારે તેમણે આ બાબતે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કરીને બરાક ઓબામા અને જો બાઇડનના કાર્યકાળમાં લાગુ કરાયેલા નિયમો બદલી નાંખ્યા હતા. 

ધીમા શાવર ટ્રમ્પનો સમય બગાડે છે

ડોનાલ્ડ ટ્રમ્પની ફરિયાદ હતી કે અમેરિકામાં શાવર અને ટોઇલેટમાં પાણીનું દબાણ ઓછું છે, જેના કારણે સ્નાન કરવા અને વાળ ધોવા જેવા કાર્યો મુશ્કેલ બને છે. ઑર્ડર પર સહી કરતી વખતે તેમણે મજાકમાં કહ્યું કે, ‘મારા સુંદર વાળની સારી સંભાળ રાખવા માટે મને સારા સ્નાનની જરૂર છે. પણ મારા વાળ બરાબર ભીના થાય તે માટે મારે 15 મિનિટ શાવર નીચે ઊભા રહેવું પડે છે, કેમ કે શાવરમાંથી પાણી સાવ ધીમેધીમે ટપકે છે. આ કેટલું હાસ્યાસ્પદ કહેવાય!’

શાવર બાબતે ટ્રમ્પ અગાઉ પણ ટીકા કરી ચૂક્યા છે

પોતાના વાળ પ્રત્યે ટ્રમ્પની સભાનતા નવી નથી. 2020માં તેમણે કહ્યું હતું કે, ‘તમારું તો મને ખબર નથી, પણ મારા વાળ પરફેક્ટ હોવા જોઈએ.’ ગત વર્ષના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓ એવું બોલ્યા હતા કે, ‘શાવર ધીમા હોવાથી હું મારા વાળ ઝડપથી ધોઈ શકતો નથી.’

આ પણ વાંચોઃ ચીનનો ટ્રમ્પને તેમની જ ભાષામાં જવાબ, અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કરવાની જાહેરાત

અમેરિકન્સના લાભાર્થે લેવાયો નિર્ણય

વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય લઈને ટ્રમ્પ ઓબામા-બાઈડન યુગ દરમિયાન બનાવેલા કડક નિયમોને દૂર કરીને સામાન્ય અમેરિકન્સને રાહત આપી રહ્યા છે. આ આદેશ શૌચાલય અને સિંક જેવી ઘણી વસ્તુઓ પર પણ લાગુ કરાશે.


ભૂતપૂર્વ પ્રમુખોએ લાગુ કરેલા નિયમો

2020માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનના નેતૃત્વ હેઠળના ઉર્જા વિભાગે એક નિયમ લાગુ કર્યો હતો જેમાં એક મિનિટમાં 2.5 ગેલન (9.5 લિટર) પાણી છોડતાં આખા શાવર હેડને બદલે ફક્ત નાનું શાવર નોઝલ જ વાપરવાની મંજૂરી આપવામાં આવી હતી. એના અગાઉ ઓબામા વહીવટીતંત્રે બહુવિધ નોઝલ ધરાવતા શાવર ફિક્સર પર રોક લગાવતાં એવો નિયમ લાગુ કર્યો હતો કે જો શાવરમાં ચાર નોઝલ આપેલા હોય તો ચારેયમાંથી કુલ 2.5 ગેલનથી વધુ બહાર ન આવવું જોઈએ.

નિયમથી પાણી, ઊર્જા અને નાણાંની બચત

પાણીનો બગાડ ન થાય, ઊર્જા ઓછી વપરાય અને એનું બિલ પણ ઓછું આવે, એવી ગણતરીઓ સાથે આ નિયમો લાગુ કરાયા હતા. એક અંદાજ મુજબ આ નિયમથી પ્રત્યેક ઘરમાં દર વર્ષે લગભગ 38 ડૉલરની બચત થઈ હતી. 

શાવર મુદ્દે ટ્રમ્પની ટીકા 

અમેરિકન રાજનીતિના નિષ્ણાતો કહે છે કે સ્નાન અને શૌચાલય જેવા મુદ્દાઓ રાષ્ટ્રપતિની પ્રાથમિકતાઓમાં હોય એ હાસ્યાસ્પદ લાગે છે. ટ્રમ્પે અગાઉ બલ્બ અને ડિશવોશર જેવા ઉપકરણો પરના કડક નિયમો પણ ઢીલા કર્યા હતા, જેને પાછળથી જો બાઈડેન વહીવટીતંત્ર દ્વારા બદલવામાં આવ્યા હતા. હવે ટ્રમ્પ ફરી જૂની સરકારના નિયમો બદલીને જાણે કે સાટું વાળી રહ્યા છે. અમેરિકા તો શાનદાર (ગ્રેટ) બનતા બનશે, પણ અમેરિકાના શાવર ટૂંક સમયમાં ચોક્કસપણે શાનદાર બની જવાના.

ટેરિફના ટેન્શન વચ્ચે ટ્રમ્પને સ્નાનની ચિંતા, વાળ બરાબર ધોઈ શકાતા ન હોવાની ફરિયાદ કરી નિયમ બદલ્યો 2 - image

Tags :