Get The App

મીડિયા સામે ટ્રમ્પ છવાયા, મોદી ઝાંખા પડી ગયા

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
મીડિયા સામે ટ્રમ્પ છવાયા, મોદી ઝાંખા પડી ગયા 1 - image


વોશિંગ્ટન: ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના માલસામાન પર ટેરિફ લાદવાથી માંડીને ખાલિસ્તાનવાદીઓની અમેરિકામાં પ્રવૃત્તિઓ સુધીના સવાલોના જવાબ આપ્યા. આ પ્રેસ કોન્ફરન્સમાં મોદી સાવ વામણા સાબિત થયા હતા જ્યારે ટ્રમ્પ છવાઈ ગયા હતા. 

ટ્રમ્પે ભારત અંગેની પોતાની માન્યતાઓ ડર્યા વિના રજૂ કરી જ્યારે મોદી પાસે કોઈ વાતના મુદ્દાસર જવાબ જ નહોતા. ભારતમાં સ્ક્રીપ્ટેડ ઈન્ટરવ્યૂ કરાવીને વાહવાહી મેળવતા મોદીએ પણ કેટલાક સવાલોના જવાબ આપ્યા પણ એ જવાબોમાં દમ નહોતો. લાઈવ મીડિયાનો સામનો કરવામાં મોદી ગોથાં ખાઈ જતા હતા એ સ્પષ્ટ દેખાતું હતું. 

ટ્રમ્પે રશિયા-યુક્રેન યુધ્ધ સહિતના મુદ્દે લંબાણપૂર્વક વાત કરી. 

ટ્રમ્પ અને મોદીએ ભારતને સ્પર્શતા મુદ્દાઓ અંગે શું કહ્યું તેના પર એક નજર નાંખી લઈએ.  

ટ્રમ્પ શું બોલ્યા ? 

*  ટ્રમ્પે ખાલિસ્તાન મુદ્દે જવાબ ટાળ્યો

અમેરિકાની ધરતી પર ખાલિસ્તાનવાદીઓની ભારત વિરોધી પ્રવૃત્તિઓ વધી ગઈ હોવાના સવાલનો જવાબ આપવાનું ડોનાલ્ડ ટ્રમ્પે ટાળ્યું હતું. ટ્રમ્પે ભારતીય પત્રકારના સવાલના જવાબમાં પહેલાં તો જોરથી બોલવા કહ્યું અને પછી કહ્યું હતું કે, મને તમારો એક પણ શબ્દ સમજાતો નથી. 

* ટ્રમ્પના મતે ભારતમાં બિઝનેસ અશક્ય

મોદી સાથેની પ્રેસ કોન્ફરન્સની પૂર્વભૂમિકા બાંધતાં ટ્રમ્પે ભારતમાં અમેરિકાના માલ પર લદાતા ટેરિફને અનફેર એટલે કે અયોગ્ય ગણાવ્યા હતા. ભારતમાં અમેરિકાના માલ પર ૭૦ ટકા સુધી ટેરિફ લદાય છે એવો ઉલ્લેખ કરીને ટ્રમ્પે કહ્યું કે, ટેરિફના કારણે ભારતમાં બિઝનેસ કરવો લગભગ અશક્ય છે. 

* ખાલિસ્તાનવાદીઓ સાથે વર્તન

બિડેન સરકારના ભારત સાથે સંબંધો બહુ સારા નહોતા તેથી ઓઈલ-ગેસ ના વેચી શક્યા. અમારે સારા સંબંધો છે તેથી અમે તહવ્વુર રાણા જેવા હિંસક માણસને ભારતે સોંપીશું. આ પ્રકારનાં બીજાં પગલાં પણ લેવાશે. ગુનાખોરી મુદ્દે ભારત સાથે અમે સહકાર કરીશું. 

* ઈન્ડિયા બિગ એબયુઝર

ભારતમાં ઉંચા ટેરિફ હોવાથી ભારતમાં માલ વેચવો બહુ અઘરો છે. અમેરિકા હવે રેસિપ્રોકલ નેશન છે તેથી ભારત કે બીજો કોઈ પણ દેશ જેટલો ટેક્સ અમારા માલ પર લાદશે એટલો જ ટેક્સ અમે તેમના માલ પર પણ લાદીશું. કોરોના વખતે માનવતાના ધોરણે અમે ટેરિફ નહોતા લાદ્યા કેમ કે બધા દેશો માટે ખરાબ સમય હતો. 

* ભારત જેટલા જ ટેરિફ અમે લગાવીશું

ભારત જેટલો ટેરિફ લગાવીશું છેલ્લાં ૪૫ વર્ષથી અમેરિકાનો દુરૂપયોગ કરાઈ રહ્યો છે. ભારત સૌથી વધારે ટેરિફ લગાવે છે. યુરોપીયન યુનિયન અને ચીન પણ અમેરિકાના માલ પર બહુ ટેરિફ લગાવે છે, અમારી કંપનીઓ પર આક્રમણ કરે છે. હવે ભારત કેટલો ટેરિફ લગાવે છે એ મહત્વનું નથી કેમ કે ભારત જેટલો ટેરિફ અમે લગાવીશું. 

* ચીનનો મુકાબલો કઈ રીતે કરશો 

ચીન સાથે અમારે સારા સંબંધો છે અને ચીનના પ્રમુખ જિનપિંગ સાથેના સંબંધો મજબૂત છે. હું માત્ર ચીન જ નહીં પણ રશિયા, ભારત સહિતના તમામ દેશો સાથેના સંબધો મજબૂત કરીને સૌને સાથે લઈને આગળ વધવા માગું છું. વિશ્વમાં શસ્ત્રો અને પરમાણુ શસ્ત્રોનું વધતું પ્રમાણ એક મુદ્દો છે ને તેનું નિરાકરણ લાવવા માગું છું. 

મોદી શું બોલ્યા ? 

* ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને ભારત પાછા લેશે

મોદીએ આ સવાલનો જવાબ આપ્યો હતો કે, આ મુદ્દો માત્ર અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોનો નથી પણ સમગ્ર વિશ્વનો છે. અમારો સ્પષ્ટ મત છે કે, ગેરકાયદેસર રીતે કોઈ પણ દેશમાં રહેનારને એ દેશમાં રહેવાનો અધિકાર નથી. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પાછા લેવા માટે અમે તૈયાર છીએ. સામાન્ય પરિવારનાં લોકો હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ બને છે. અમેરિકા અને ભારત આ હ્યુમન ટ્રાફિકિંગનો અંત લાવવા પ્રતિબધ્ધ છીએ. યુવાનોને ફસાવતી ગેંગ્સનો સફાયો કરવા અમેરિકા સાથ મળીને કામ કરીશું. 

* ટ્રમ્પને મોદી શું કહે છે તે જ ખબર ના પડી

હું વડાપ્રધાન નહોતો ત્યારથી મસ્કને ઓળખું છું. હું મુખ્યમંત્રી તરીકે મસ્કને મળ્યો હતો. મસ્ક પોતાના પરિવાર સાથે મળવા આવ્યા હતા. અમારી સારી ચર્ચા થઈ પણ જ્યાં સુધી ઈવી અંગે ડીલનો સવાલ છે તો ઈવી એક જ વ્યક્તિન કોપીરાઈટ છે અને એ વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. 

* મોદીનો જવાબ સાંભળીને ટ્રમ્પને મોદી શું કહેવા માગે છે એ જ ખબર નહોતી પડી. 

* યુક્રેન-રશિયા યુધ્ધ સમાપ્તિમાં ભારતની ભૂમિકા

હું સતત રશિયા અને યુક્રેનના સંપર્કમાં છું. આ યુધ્ધમાં અમે એક પક્ષ લીધો છે અને એ પક્ષ શાંતિનો છે.  પ્રેસિડેન્ટ પુતિનની હાજરીમાં મીડિયાને મેં કહેલું કે, આ યુગ યુધ્ધનો નથી પણ શાંતિનો છે. આજે પણ મારું માનવું છે કે, યુધ્ધના ઉકેલ યુધ્ધના મેદાનમાં નથી આવતો.


Google NewsGoogle News