ટ્રમ્પની પ્રમુખપદે શપથ બાદ ચીન અને ભારતનો પ્રવાસ કરવાની તૈયારી
- ભારત-ચીનને ટેરિફ વધારાની ધમકી બાદ હવે ટ્રમ્પે મિત્રતાનો હાથ લંબાવ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં એપ્રિલમાં ક્વાડ બેઠક સમયે હાજર રહેવાની સંભાવના : ચીન સાથે પણ સંબંધો સુધારવાની ઈચ્છા
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદના શપથ સમારંભ માટે શનિવારે પત્ની મેલાનિયા ટ્રમ્પ અને પુત્ર બેરોન ટ્રમ્પ સાથે ડલાસ એરપોર્ટ પર પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સલાહકારોને કહ્યું છે કે તેઓ પ્રમુખપદના શપથ લીધા બાદ પહેલા વિદેશ પ્રવાસ માટે ચીન જવા માગે છે.
અમેરિકન પ્રમુખપદના ચૂંટણી અભિયાન સમયે ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં ચીન પર જંગી ટેરિફ લાદીને ટ્રેડ વોરને વધુ ઉગ્ર બનાવવાની ધમકી આપી હતી. તેમની આ ધમકીના પગલે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે અમેરિકાના સંબંધો વધુ કથળ્યા છે. જોકે, હવે ટ્રમ્પ ચીન સાથે સંબંધો સારા બનાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.
મીડિયા અહેવાલો મુજબ ટ્રમ્પે સલાહકારો સાથે ભારત પ્રવાસની સંભાવનાઓ અંગે પણ વાત કરી હતી. આ વાતચીત સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર ગયા મહિને ક્રિસમસ આજુબાજુ વોશિંગ્ટન ડીસીની મુલાકાતે આવ્યા ત્યારે ટ્રમ્પની ભારત મુલાકાત અંગે પ્રાથમિક સ્તરે વાતચીત થઈ હતી.
ભારત આ વર્ષે ઑસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાને સમાવતી ક્વાડ સમિટનું આયોજન કરવા તૈયાર છે. આ સમિટ વહેલામાં વહેલા એપ્રિલમાં અથવા વર્ષના અંતમાં યોજાઈ શકે છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ શિયાળામાં બેઠક માટે વ્હાઈટ હાઉસમાં આમંત્રણ આપે તેવી પણ સંભાવના છે. જિનપિંગ તેમના શપથ સમારંભમાં હાજર નહીં રહે. તેમના બદલે ઉપપ્રમુખ હાન ઝેંગ હાજર રહેશે. સૂત્રો મુજબ જિનપિંગ ક્યારેય કોઈપણ વિદેશી નેતાના શપથ સમારંભમાં હાજરી આપતા નથી. વિદેશ મંત્રી એસ. જયશંકર ટ્રમ્પના શપથ સમારંભમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.