2020માં વ્હાઈટ હાઉસ છોડવું પડયું તે ટ્રમ્પ માટે અસહ્ય હતું : કહ્યું બાયડેન ગોટાળા કરી ચૂંટણી જીત્યા હતા
- 2024ની પ્રમુખપદની ચૂંટણી તીવ્ર રસાકસીભરી બની છે
- લશ્કરી અને રાજકીય રીતે તંગ તેવી વૈશ્વિક પરિસ્થિતિને લીધે અમેરિકાના 47મા પ્રમુખની ચૂંટણી અત્યંત મહત્વની બની છે
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની વિશ્વ સમસ્ત કાગડોળે રાહ જોઈ રહ્યું છે. વિશ્વની સૌથી સમર્થ અને સૌથી સમૃદ્ધ મહાસત્તાના ૪૭મા પ્રમુખ કોણ બનશે તેની સૌ કોઈને ઉત્કંઠા છે.
પ્રમુખપદની ચૂંટણી તો સામાન્ય, સહજ અને પરંપરાગત રહેલી હોય છે. પરંતુ આ વખતની ચૂંટણીનું વૈશ્વિક સ્તરે રાજકીય, લશ્કરી અને કંઈક અંશે આર્થિક પણ મહત્વ હોઈ આ વખતની ચૂંટણી જેટલી મહત્વની છે, તેટલી જ રસાકસીભરી રહી છે.
ઉપપ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસની સામે પૂર્વ પ્રમુખ રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં છે.
આજના મતગણતરીના દિવસે ટ્રમ્પે વીતેલાં વર્ષોની કડવાશભરી વાતો કહેતા કહ્યું હતું કે, વાસ્તવમાં ૨૦૨૦ની ચૂંટણીમાં જો બાયડેન ગોટાળા કરાવી જીત્યા હતા, મારે માટે વ્હાઇટ હાઉસ છોડવાની જરૂર જ ન હતી. (પ્રમુખપદ છોડવાની જરૂર ન હતી) ટ્રમ્પનાં આવા આંચકાજનક વિધાનોથી કેટલાયે વિદ્વાનો તેવી ભીતિ સેવી રહ્યા છે કે, ૨૦૨૦માં પરાજિત જાહેર થયા પછી ટ્રમ્પે જે તોફાનો કરાવ્યાં તેવા તોફાનો જો આ વખતે પણ તેઓ હારી જશે ત્યારે તે સમય જેવા તોફાનો કરાવે તે ભીતિ સૌ કોઈને સતાવી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તે સમયે થયેલાં તોફાનો અંગે કહ્યું હતું કે, 'વાસ્તવમાં હું પરાજિત થયો જ ન હતો. મારે વ્હાઈટ હાઉસ છોડવાની જરૂર જ ન હતી.' પેન્સિલવાનિયાનાં 'લિઝ' ખાતે આપેલા ચૂંટણી પ્રચાર ભાષણમાં વધુમાં કહ્યું હતું કે તે વખતે ચૂંટણીમાં જ દગાખોરી થઈ હતી. તેથી હું પરાજિત થયો હતો.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પનાં આ વિધાનો બરોબર પરિણામો જાહેર થતાં પૂર્વે કરાયા હોવાથી એવી ભીતિ સેવાય છે કે તેઓ પરાજિત થશે તો વળી તોફાનો કરાવશે.
વિશ્વની સૌથી સમર્થ અને સૌથી સમૃદ્ધ સત્તાના એક વખત તો પ્રમુખપદે રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની વર્તમાન રાજકીય, સેનાકીય અને ઘણે અંશે આર્થિક પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જાય છે ત્યારે આવા વિધાનો કરે છે તે આશ્ચર્યજનક નહીં આંચકાજનક છે. ટ્રમ્પે ૨૦૨૦ની ચૂંટણી પરિણામોને પડકારતી અરજી ફેડરલ કોર્ટમાં રજૂ કરી હતી પરંતુ કોર્ટે તે ફગાવી દીધી હતી.