મને આજે પણ યાદ છે હાર્લે ડેવિડસન ભારતમાં બાઇક વેચી નહોતું શક્યું : જાણો ટ્રમ્પે કેમ સંભળાવ્યું
Trump Sign Reciprocal Tariff Order: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત પહેલાં જ ટેરિફ બોમ્બ ફોડ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથેની મુલાકાત પહેલાં જ રેસિપ્રોકલ ટેરિફ પર હસ્તાક્ષર કર્યા છે. જેનાથી વૈશ્વિક સ્તરે આર્થિક પડકારો વધવાની સંભાવના વધી છે. આ આદેશ પર હસ્તાક્ષર બાદ ટ્રમ્પે આપેલા નિવેદન પરથી આ ટેરિફ બોમ્બની અસર ભારતને પણ થવાની શક્યતા નિશ્ચિત બની છે.
ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદનારો દેશ
રાષ્ટ્રપ્રમુખે રેસિપ્રોકલ ટેરિફ પર હસ્તાક્ષર કર્યા બાદ નિવેદન આપ્યું કે, 'ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદનારા દેશો પૈકી એક છે.' ટ્રમ્પના આ નિવેદનથી તેનો ટેરિફ બોમ્બ ભારત પર પણ પડશે તેની ખાતરી થઈ છે. તેમણે હાર્લે ડેવિડસનનો પણ ઉલ્લેખ કરી ભારતની ટેરિફ અને ટેક્સ નીતિની નિંદા કરી હતી.
હાર્લે ડેવિડસન ભારતમાં બાઇક વેચી શક્યું નહીં
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'ભારત એ વિશ્વના સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશો પૈકી એક છે. ભારત સૌથી વધુ ટેરિફ વસૂલે છે. મને યાદ છે, જ્યારે હાર્લે ડેવિડસન ભારતમાં પોતાની બાઇક વેચી શક્યુ ન હતું. જેની પાછળનું કારણ ભારતનો ઊંચો ટેક્સ હતો, ટેરિફ પણ વધુ હોવાથી હાર્લે ડેવિડસન ભારતમાં જ નિર્માણ કરવા મજબૂર થઈ હતી.'
હાર્લે ડેવિડસને ટેરિફથી બચવા પ્લાન્ટ સ્થાપિત કર્યો
ટ્રમ્પે જણાવ્યું કે, 'મને લાગે છે કે, હાર્લે ડેવિડસને ઊંચા ટેરિફની ચૂકવણીમાંથી બચવા માટે ભારતમાં પ્લાન્ટ સ્થાપ્યો હતો. હવે આ નવી ટેરિફ નીતિ પર હસ્તાક્ષરથી ભારતના લોકોને પણ ટેક્સ બચાવવા માટે અમેરિકામાં ફેક્ટરી, પ્લાન્ટ કે બિઝનેસ સ્થાપિત કરવો પડશે.'
શું છે રેસિપ્રોકલ ટેરિફ?
રેસિપ્રોકલ ટેરિફ એ જૈસે કો તૈસા જેવી નીતિ છે. જેમાં એક દેશ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફને ધ્યાનમાં રાખતાં બીજો દેશ તેટલો જ ટેરિફ તે દેશ પર લાગુ કરે છે. જેમાં બંને દેશોને એકબીજા પર ટેરિફ લાદવાની છૂટ મળે છે.