કેવો રહેશે ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ, ભારત સાથે કેવા રહેશે સંબંધ? જાણો જ્યોતિષની આગાહી
Donald Trump: તા. 20/01/2025 સોમવારે બપોરે અમેરિકાના સમય પ્રમાણે 12:01 વાગ્યે અમેરિકન પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર શપથ લીધા. હવે અમેરિકામાં ચાર વર્ષ માટે ટ્રમ્પનો કાર્યકાળ કેવો રહેશે તે અંગે જ્યોતિષાચાર્ય ડૉ . હેમીલ પી. લાઠીયાએ આગાહી કરી છે કે, ટ્રમ્પની શપથ કુંડળીમાં વૃષભ લગ્ન મીન નવમાંશ ચિત્રા નક્ષત્ર ઉદિત થાય છે.
જુસ્સા સાથેનો રહેશે કાર્યકાળ
કુંડળીમાં ધ્યાન પડે તેવી બાબત એ છે કે, ચિત્રા નક્ષત્રનો માલિક મંગળ વર્ગોત્તમી છે. લગ્ન કુંડળીમાં પ્રથમ સ્થાનમાં ગુરુ છે, જેની દ્રષ્ટિ ભાગ્ય સ્થાન પર છે. આ ઉપરાંત ભાગ્યેશ શનિ સ્વગૃહી થઈ લગ્નેશ શુક્ર સાથે દશમાં સ્થાન કુંભમાં યુતિ કરે છે, જે મજબૂત અને જુસ્સાભર્યો કાર્યકાળ દર્શાવે છે, પરંતુ કુંડળીમાં ચંદ્ર કેતુ સાથે અને નવમાંશમાં રાહુ સાથે યુતિ કરે છે.
વિદેશનીતિમાં ધાર્યું કરશે, કડક નિર્ણયો લેશે
ચંદ્ર પ્રજાની ચાહના બતાવે છે. જે પ્રમાણે અમેરિકાના લોકો તરફથી ધીરે ધીરે તેમની લોકપ્રિયતા ઘટી જાય તેવું બની શકે છે. મંગળ નીચનો અને વર્ગોત્તમી અને નક્ષત્ર માલિક છે, જે આપખુદ નિર્ણય કડક નિર્ણય વધુ લે તે બનવા જોગ છે. શપથ કુંડળીમાં બારમા સ્થાનનો માલિક પણ છે. તે બાબત વિદેશનીતિને લાગુ પડે છે અને તે દર્શાવે છે કે, ટ્રમ્પ વિદેશ નીતિમાં પોતાનું ધાર્યું કરશે. એટલું જ નહીં, વિદેશો સાથેના સંબંધમાં પણ પોતાની યોજના પ્રમાણે વધુ ગણતરી કરે તેવું બની શકે છે.
કાયદાકીય બાબતોમાં મુશ્કેલીનો સામનો
આ વખતે ટ્રમ્પ કોઈ યુદ્ધ વિષયક બાબતોમાં પણ ધાર્યું કરે તેવું જણાઈ રહ્યું છે. અમેરિકન સરકાર વર્ષ 2025-26માં કપરા ચઢાણ જેવી જેવી સ્થિતિમાંથી પસાર થઈ શકે છે. આ દરમિયાન ટ્રમ્પને કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ભારત સાથે કેવો રહેશે સંબંધ?
ભારત દેશનું વૃષભ લગ્ન છે. એ રીતે જોઈએ તો ભારત સાથે સંબંધમાં કોઈ મોટી અપ્રિય બાબત જણાતી નથી. આ કારણસર બંને દેશના સંબંધ એકંદરે સામાન્ય રહે તેવું જણાય છે.