અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ સાથે આતંકીઓ જેવા વર્તનનો ટ્રમ્પનો આદેશ
- આતંકીઓને રાખવાની જેલમાં હવે ગેરકાયદે વસાહતીઓને રખાશે
- આતંકીઓ-રીઢા ગુનેગારોને રખાતી સૌથી કુખ્યાત જેલ ગ્વાંતાનામો બેમાં 30000 લોકોને રાખવા વ્યવસ્થા કરવા નિર્દેશ
વોશિંગ્ટન ડીસી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળવાની સાથે ચૂંટણી પ્રચારમાં આપેલા વચનો મુજબ ગેરકાયદે વસાહતીઓ પર આકરું વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. સેંકડો ગેરકાયદે વસાહતીઓને તેમના વતન તગેડી દેવાની સાથે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે અમેરિકામાં આતંકીઓ અને રીઢા ગુનેગારોને રાખવામાં આવતી દુનિયાની સૌથી કુખ્યાત જેલ ગ્વાંતાનામો બેમાં ગેરકાયદે વસાહતીઓને રાખવાની વ્યવસ્થા કરવા તથા તેમની સાથે આતંકીઓ જેવું વર્તન કરવાનો આદેશ આપ્યો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્વાંતાનામો બે જેલમાં ડિટેન્શન સેન્ટરના વિસ્તરણનો આદેશ આપ્યો છે. આ સેન્ટરમાં અમેરિકામાંથી પકડાયેલા ગેરકાયદે વસાહતીઓને રાખવામાં આવશે, જેમની સંખ્યા લાખોમાં હોઈ શકે છે. ટ્રમ્પના આ આદેશથી ગેરકાયદે વસાહતીઓમાં ગભરાટ ફેલાયો છે. ટ્રમ્પે ૩૦,૦૦૦ ગેરકાયદે વસાહતીઓને રાખળા માટે ગ્વાંતાનામો બેના વિસ્તરણના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.
ટ્રમ્પે આ આદેશ પર હસ્તાક્ષર કરવાની સાથે સંરક્ષણ અને હોમલેન્ડ સિક્યોરિટીને જેલને ગેરકાયદે વસાહતીઓ માટે તૈયાર રાખવા નિર્દેશ આપ્યા છે. મેમોરેન્ડમ મુજબ ટ્રમ્પે હાઈ પ્રાયોરિટી ક્રિમિનલ એલિયન્સને સમાવવા માટે નેવલ સ્ટેશન ગ્વાંતાનામો બેમાં માઈગ્રન્ટ ઓપરેશન સેન્ટરના વિસ્તરણના આદેશ આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, મોટાભાગના લોકો આ અંગે જાણતા પણ નથી. અમેરિન લોકો માટે જોખમી સૌથી ખરાબ ગુનેગારો એવા ૩૦,૦૦૦થી વધુ ગેરકાયદે વસાહતીઓને ગ્વાંતાનામોમાં સમાવવાની વ્યવસ્થા છે.
ટ્રમ્પે કહ્યું કે, કેટલાક ગેરકાયદે વસાહતીઓ એટલા ખરાબ છે કે અમે તેમના ગૃહ દેશ પર પણ વિશ્વાસ કરી શકીએ તેમ નથી. અમે નથી ઈચ્છતા કે તેઓ ક્યારેય પાછા ફરે તેથી અમે તેમને ગ્વાંતાનામો બે મોકલી દઈશું.
જોકે, ટ્રમ્પના આ આદેશથી ભારે હોબાળો મચી શકે છે. તેને માનવાધિકારોનો ભંગ માનવામાં આવી શકે છે. આ મુદ્દે સેન્ટર ફોર કોન્સ્ટિટયુશનલ રાઈટ્સના નિર્દેશક વિન્સ વોરેને સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ગ્વાંતાનામો બે જેલ આખી દુનિયામાં ગેરકાયદે શાસન, અત્યાચાર અને રંગભેદની ઓળખ બની ગઈ છે. અહીં ગેરકાયદે વસાહતીઓને રાખવા ભયાનક છે. અમેરિકાના પ્રમુખોના ઈતિહાસમાં આ અત્યંત શરમજનક છે. ટ્રમ્પનો આદેશ સીધો માનવાધિકારો પર હુમલો છે. આ પહેલાં જ્યોર્જ બુશ સરકારમાં અંદાજે ૮૦૦ મુસ્લિમોને અહીં રખાયા હતા. ગ્વાંતાનામો બે જેલ ૯-૧૧ના હુમલા બાદ આતંકીઓને રાખવા માટે તૈયાર કરાઈ હતી. આ જેલમાં અત્યાર સુધી આતંકીઓને રાખવામાં આવે છે.