ટ્રમ્પની ટેરિફ નીતિનો ગાંડો-ઘેલો નિર્ણય, પેન્ગ્વિનની વસ્તી ધરાવતા ટાપુ પર લગાવ્યો 10 ટકા ટેરિફ
Trump imposes 10% trade tariff on remote Australian Islands: ડોનાલ્ડ ટ્રમ્પના ગાંડા-ઘેલા નિવેદનો અને નિર્ણયોથી દુનિયા આખી પરિચિત છે. હવે તો માહોલ એવો થઈ ગયો છે કે ટ્રમ્પ કશું અળવીતરું ન કરે તો નવાઈ લાગે. તાજેતરમાં તેમણે જગતભરના દેશો સામે ટેરિફ યુદ્ધ છેડ્યું. એમ કરવાથી એમના હિસાબે અમેરિકા ફરી ગ્રેટ બનવાનું હોય તો ઠીક છે, પણ હદ તો ત્યારે થાય છે કે જ્યારે ટ્રમ્પ એવા ટાપુ પર પણ ટેરિફ લાદે જ્યાં માણસોની વસ્તી જ નથી અને જેની સાથે અમેરિકા કોઈ વેપાર કરતું જ નથી.
કયા ટાપુ પર ટેરિફ લાદ્યો?
વાત છે હિન્દ મહાસાગરમાં આવેલા ‘હર્ડ અને મેકડોનાલ્ડ આઇલૅન્ડ્સ’. એન્ટાર્કટિકા ખંડથી 1,630 કિલોમીટરના અંતરે આવેલા આ ટાપુનો વહીવટ ઓસ્ટ્રેલિયા ચલાવે છે. અલબત્ત, અહીં વહીવટ ચલાવવા જેવું કંઈ છે જ નહીં, કેમ કે કોઈ માનવવસ્તી નથી. વસ્તી છે તો ફક્ત પેન્ગ્વિન, સીલ અને સમુદ્રી પક્ષીઓ જેવા અબોલ જીવોની.
પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના ફ્રીમેન્ટલથી 4,085 કિલીમીટર દૂરના આ ટાપુ પર પહોંચવા માટે જહાજ દ્વારા ઓછામાં ઓછા 10 દિવસનો સમય લાગે છે, એ પણ હવામાન સાફ હોય તો. છેલ્લા એક દાયકામાં કોઈ માનવીએ આ ટાપુ પર પગ નથી મૂક્યો. આવા આ વેરાન વગડા સમાન ટાપુ પર ટ્રમ્પે 10 ટકા ટેરિફ લાદી લીધો છે.
એક જ દેશમાં બે અલગ-અલગ ટેરિફ!
જેની સાથે કોઈ વેપાર જ નથી એવા ‘હર્ડ અને મેકડોનાલ્ડ આઇલૅન્ડ્સ’ પર ટેરિફ લાદવા ઉપરાંત ટ્રમ્પે બીજો પણ એક એવો નિર્ણય લીધો છે, જે કોઈની સમજમાં ન આવે. ઓસ્ટ્રેલિયા પર 10 ટકા ટેરિફ લાદ્યા બાદ ટ્રમ્પે ઓસ્ટ્રેલિયાના એક અન્ય ટાપુ ‘નોર્ફોક આઇલૅન્ડ’ પર 29 ટકા ટેરિફ ઝીંકી દીધો છે! એક જ દેશમાં બે અલગ-અલગ ટેરિફનું લોજિક કોઈના મગજમાં ઉતરે એમ નથી. નોર્ફોક આઈલૅન્ડ ઓસ્ટ્રેલિયાથી 1,600 કિલોમીટર દૂર પેસિફિક સમુદ્રમાં આવેલો છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ટેરિફને તર્કહીન ગણાવ્યા
નિર્જન ટાપુ પર ટેરિફ લાદવાના ટ્રમ્પના પગલાંથી અચરજ પામેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું હતું કે, ‘પૃથ્વી પર ક્યાંય સલામતી નથી રહી. ટ્રમ્પના વહીવટીતંત્રે આ જે ટેરિફ લાદ્યો છે એમાં કોઈ તર્ક નથી.’
નોર્ફોક આઈલૅન્ડ બાબતે તેમણે એવું કહ્યું હતું કે, ‘નોર્ફોકમાંથી તો અમેરિકા એવી કોઈ મોટી પ્રોડક્ટ એક્સપોર્ટ પણ નથી થતી, તો પછી એના પર અલગ ટેરિફ લાદવાનું શું કારણ? એક જ દેશમાં બે અલગ ટેરિફ!’
ટ્રમ્પના પગલાંને બિનમૈત્રીપૂર્ણ ગણાવ્યું
ઓસ્ટ્રેલિયા પર ટ્રમ્પે 10 ટકા ટેરિફ લાદ્યો એ બાબતે નિરાશાનો સૂર વ્યક્ત કરતાં અલ્બેનિસે કહ્યું હતું કે, ‘ટેરિફનો આ નિર્ણય અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે પ્રકારની ભાગીદારી અત્યાર સુધી ચાલતી આવી છે, એનાથી વિરુદ્ધ જાય છે. આ કોઈ મૈત્રીપૂર્ણ પગલું નથી.’
રેસિપ્રોકલ ટેરિફ લાદવાનો ઇન્કાર કર્યો
ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને કહ્યું હતું કે, ‘અમેરિકાએ ભલે ટેરિફ વોર શરુ કરી હોય, ઓસ્ટ્રેલિયા અમેરિકા પર રેસિપ્રોકલ ટેરિફ લાદશે નહીં. ઊંચા ભાવ અને ધીમી વૃદ્ધિ તરફ દોરી જાય એવી રેસમાં અમે નહીં જોડાઈશું.’
180 જેટલા દેશો પર ટેરિફ લગાવ્યો
તાજેતરમાં ટ્રમ્પ વહીવટીતંત્રે દુનિયાના 180 દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. અમુક દેશોને તેમણે 'પારસ્પરિક' ટેરિફમાં છૂટ આપી છે, જેમાં ભારતનો સમાવેશ થાય છે. ટ્રમ્પે ઉલ્લેખ કર્યો હતો કે ભારત અમેરિકાના માલ પર 52 ટકા ટેરિફ વસૂલ કરે છે, પણ અમેરિકા ભારત પર 26 ટકાના દરે ‘ડિસ્કાઉન્ટેડ પારસ્પરિક ટેરિફ’ લાગુ કરશે.