ટ્રમ્પની જાહેરાત બાદ એક ઝાટકે ઓઇલની કિંમતોમાં ઘટાડો, ભારત પર કેવી અસર થશે?
Drop in Crude Oil Price: રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલું યુદ્ધ હવે પૂરું થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી ઈચ્છે છે અને આ માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું છે કે, 'હું આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળીશ.' આ મુલાકાત સાઉદી અરબમાં થશે. એવામાં હવે રશિયા અને યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ સમજૂતીના કારણે ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી રહી છે. ટ્રમ્પના ટેરિફની અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર પણ પડી રહી છે.
વૈશ્વિક ક્રૂડ ટ્રેડમાર્ક બ્રેન્ટ સતત ઘટી રહ્યો છે
સોમવારે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 20 સેન્ટ્સ અથવા 0.2% ઘટીને 74.59 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટી અધિકારીઓએ યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા સાથે વાતચીત શરૂ કરી ત્યારથી બ્રેન્ટ ક્રૂડના ભાવ ચાર સત્રોમાં 3.1% ઘટ્યા છે.
તેમજ અમેરિકાનું વેસ્ટ ટેક્સાસ ક્રૂડ (WTI) સોમવારે 23 સેન્ટ અથવા 0.3% ઘટીને $70.51 પ્રતિ બેરલ પર હતું. WTI છેલ્લા ચાર સત્રોમાં 3.8% ઘટ્યું છે અને સોમવારે ઘટીને $70.12 પ્રતિ બેરલ થઈ ગયું છે. 30 ડિસેમ્બર પછી WTIમાં આ સૌથી મોટો ઘટાડો છે.
જાણો ક્રૂડ ઓઈલના ઘટતા ભાવ વિશે નિષ્ણાતોએ શું કહ્યું
રોઇટર્સ અનુસાર, નિસાન સિક્યોરિટીઝના એકમ એનએસ ટ્રેડિંગના પ્રમુખ હિરોયુકી કિકુકાવાએ જણાવ્યું હતું કે, 'રશિયા-યુક્રેન યુદ્ધવિરામ અને રશિયા પરના પ્રતિબંધો હળવા થવાની સંભાવના પર બજારો મંદી છે. ટ્રમ્પ જે ટેરિફ લાદી રહ્યા છે તેના કારણે મંદીની પણ સંભાવનાઓ છે. જેની અસર ક્રૂડ ઓઈલનાં ભાવ પર થઇ રહી છે.'
નિષ્ણાતોનું કહેવું છે કે, 'WTI થોડા સમય માટે પ્રતિ બેરલ 66-76 ડોલરની વચ્ચે રહેશે કારણ કે ઓઈલના ભાવમાં વધુ ઘટાડો અમેરિકન ઓઈલના ઉત્પાદનને રોકી શકે છે.'
24 ફેબ્રુઆરી, 2022ના રોજ, યુએસ અને યુરોપીય સંઘએ યુક્રેન સાથે યુદ્ધ શરૂ કરવા બદલ રશિયા પર સખત પ્રતિબંધો લાદ્યા હતા, જેમાં તેની ઓઈલની નિકાસને પણ અસર થઈ હતી. રશિયન ઓઈલ પરના પ્રતિબંધને કારણે, રશિયાના સમુદ્ર દ્વારા ઓઈલની સપ્લાય ઘણી ઓછી થઇ ગઈ હતી.
જાણો રશિયા અને યુક્રેનની શાંતિ સમજૂતીથી ભારતને શું ફાયદો થશે
ભારત વિશ્વમાં ક્રૂડ ઓઈલનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે અને તેની 85%થી વધુ જરૂરિયાતો પૂરી કરવા માટે આયાત પર નિર્ભર છે. આથી રશિયા ભારતનું ટોચનું ક્રૂડ ઓઈલ સપ્લાયર હોવાથી રશિયા અને યુક્રેન વચ્ચેના શાંતિ કરારથી ભારતને ઘણો ફાયદો થવાનો છે.
એનર્જી કાર્ગો ટ્રેકિંગ ફર્મ વોર્ટેક્સા અનુસાર, ડિસેમ્બર 2024માં ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયન ઓઈલનો હિસ્સો 31% હતો, જ્યારે નવેમ્બર 2024માં તે 36% હતો. રશિયાના ઓઈલ પર અમેરિકી પ્રતિબંધોને કારણે ભારત રશિયા સાથે ઓઈલના વેપારમાં સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ખરીદેલ ઓઈલના પેમેન્ટની પણ સમસ્યા થતી. પરંતુ જો રશિયા પર લાગેલા પ્રતિબંધો હટાવવામાં આવશે તો ભારતને ફાયદો થશે.
તેમજ ભારતની વિકાસશીલ અર્થવ્યવસ્થા ક્રૂડ ઓઈલ આધારિત છે, જે ઓઈલના ભાવમાં ઘટાડા અને વધારાથી ભારે અસરગ્રસ્ત છે. ઓઈલના ભાવ વધે તો ભારતમાં ફુગાવો વધે છે અને જો ઘટે તો ફુગાવો પણ ઓછો થાય છે.
જ્યારે ઓઈલ સસ્તું થાય છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થાય છે, જે માલનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટાડે છે. જેના કારણે માલના ભાવમાં ઘટાડો થાય છે.