ટ્રમ્પ બદલાની ભાવનાથી પીડાતા અસ્થિર માણસ: કમલા હેરિસ
- કમલા હેરિસે મતદારોને જીવનનિર્વાહ ખર્ચ અને કરવેરા ઘટાડવાના વચન આપ્યા
- જો ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં જશે તો તેઓ દુશ્મનોની યાદી લઇને જશે અને જો હું ચૂટાઇશ તો કરવાના મહત્વના કામોની યાદી લઇને જઇશ
ફિલાડેલ્ફિયા : અમેરિકાના પ્રમુખપદેની ચૂંટણી માટે મતદાન આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ડેમોક્રેટ પક્ષના ઉમેદવાર કમલા હેરિસે તેમના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમની ટીકાનો મારો વધારે તેજ કરતાં જણાવ્યું હતું કે તે દિવસે દિવસે વધારે અસ્થિર બનતાં જાય છે અને તે બદલાની ભાવનાથી પીડાય છે. તેઓ નિરંકુશ સત્તા હાંસલ કરવા માંગે છે. લાસ વેગાસની ચૂંટણીરેલીમાં કમલા હેરિસની સાથેં ગાયિકા જેનિફર લોપેઝ પણ જોડાઇ હતી.
કમલા હેરિસે ચૂંટણીસભામાં જણાવ્યું હતું કે જો ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં જશે તો તેઓ દુશ્મનોની યાદી તૈયાર કરીને જશે અને જો હું ચૂંટાઇશ તો મારે કરવાના મહત્વના કામોની યાદી લઇને જઇશ. આપણે બધાં ડોનાલ્ડ ટ્રમ્પ કોણ છે તે જાણીએ છીએ. તે તમારા જીવનને બહેતર બનાવવા વિચારતાં નથી. તે એક એવી વ્યક્તિ છે જે દિવસે દિવસે વધારે અસ્થિર, બદલો લેવાની ભાવનાથી પીડાતી અને ફરિયાદ કર્યા કરતી વ્યક્તિ છે.
હેરિસે જણાવ્યું હતું કે હું દેશને મારા પક્ષ કરતાં વધારે આગળ મુકુ છું અને હું દરેક અમેરિકનની પ્રમુખ બનીશ. ડોનાલ્ડ ટ્રમ્પથી ઉલટું મારી સાથે અસંમત થતાં લોકોને હું મારા દુશ્મન માનતી નથી. તે તેમની સાથે સંમત ન થનારાને જેલમાં પુરવા માંગે છે. હું મારી સાથે અસંમત થનારાને ટેબલપર બેસાડી મારી વાત સમજાવીશ. ખરી નેતાગીરી તો આવી હોય.
હેરિસે જણાવ્યું હતું કે જો તે વ્હાઇટ હાઉસમાં ચૂંટાઇ આવશે તો તે વધારે મકાનો બાંધી તેને પરવડે તેવા બનાવશે. નાના બિઝનેસ માટે કરવેરા ઘટાડશે અને આરોગ્ય ખર્ચ ઘટાડવા માટે પ્રયાસો કરશે. તેમણે ઉમેર્યુ હતું કે અહીં દરેક જણમાં મને ઉજ્જવળ અમેરિકા દેખાય છે. મહિલાઓને ગમે કે ન ગમે હું તેમનું રક્ષણ કરીશ એવું નિવેદન કરવા બદલ ટ્રમ્પની ટીકા કરતાં કમલા હેરિસે જણાવ્યું હતું કે તેમને મહિલાઓના અધિકારો વિશે કશી સમજ નથી પણ તે તેમના જીવન વિશે અને તેમના શરીર વિશે નિર્ણય લેવા માંગે છે.