Get The App

કમલાથી પરાજિત થવાનો તેને ભય છે બારાક ઓબામા ટ્રમ્પના લીરા ઉડાડે છે

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
કમલાથી પરાજિત થવાનો તેને ભય છે બારાક ઓબામા ટ્રમ્પના લીરા ઉડાડે છે 1 - image


૨૦૦૮માં મેં કહ્યું હતું : 'યસ, વી કેન' આજે કમલા માટે કહું છું 'યસ શી કેન' : મીશેલ ઓબામા પણ કમલાની પડખે ઉભા

શિકાગો, નવી દિલ્હી: શીકાગોમાં મળી રહેલાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ પ્રથમ મહિલા મીશેલ ઓબામાએ ખુલ્લે આમ ડેમોક્રેટિક પાર્ટીમાં પ્રમુખપદનાં ઉમેદવાર કમલા હેરીસની પડખે આવી ઉભા હતા. આ અધિવેશનમાં ઓબામાએ ડોનાલ્ડ ટ્રમ્પના લીરે-લીરા ઉડાડી દીધા હતા, અને કહ્યું હતું કે, વાસ્તવમાં કમલાથી પરાજિત થવાનો ભય ટ્રમ્પને સતાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા જેવી વિશ્વની સૌથી સબળ મહાસત્તાના પ્રમુખપદની સ્પર્ધામાં કોઈ પણ પક્ષનું પ્રમુખપદની સ્પર્ધામાં નામાંકન મેળવનારા કમલા હેરિસ સૌથી પ્રબળ અશ્વેત, સૌથી પ્રથમ દક્ષિણ એશિયાઈ અને સૌથી પ્રથમ મહિલા છે.

આ અધિવેશનમાં ઓબામા બોલવા માટે મંચ પર તેઓના પત્ની મીશેલ ઓબામા સાથે આવ્યા ત્યારે ઉપસ્થિત ડેમોક્રેટર્સે તે બંનેનું તાળીઓના ગગડાટ અને હર્ષનાદોથી સ્વાગત કર્યું હતું.

ઓબામાએ તેઓના પ્રવચનના પ્રારંભે જ કહ્યું હતું. શીકાંગો સહ ઘર વાપસી રોમાંચક બની રહી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે હું તમારા વિષે તો નથી જાણતો પરંતુ હું તો મને અગ્નિ લાગ્યો હોય તેવું લાગે છે. યા હોમ કરીને પડો તેવી આગ અંતરમાં સળગે છે. આ અધિવેશન બાળકો માટે તો આનંદમય બની રહ્યું છે, તેઓ પણ માને છે કે, શક્ય તેટલું બધું જ કરી શકશે.

૧૬ વર્ષ પૂર્વે ડેમોક્રેટિક પાર્ટીનું નામાંકન મેળવ્યા પછી તેઓએ તેઓના રનિંગ મેઈટ તરીકે કરેલી જો બાયડેનની પસંદગીને તદ્દન યોગ્ય જ કહી હતી.

અમારા બંનેમાં સમાન આયરિશ રક્ત વહી રહ્યું છે. પરંતુ અમે બે જુદી જુદી દુનિયામાંથી આવ્યા છતાં અમે બાંધવો બની રહ્યાં.

આ પછી ઓબામાએ જો બાયડેનની ભારોભાર પ્રશંસા કર્યા પછી તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર આક્રમણ શરૂ કરી દીધું. તેઓએ કહ્યું એ ૭૮ વર્ષના અબજોપતિ 'સુવર્ણ સિંહાસન' ઉપરથી ૯ વર્ષ પહેલાં ઉતર્યા ત્યારથી તેઓ તેઓના પ્રશ્નોનો કકળાટ જ કર્યા કરે છે, ફરિયાદો કર્યા કરે છે, અને હવે કમલા હેરિસ સામે પરાજિત થવાનો ભય દેખાતાં તેઓનો કકળાટ વધી ગયો છે. તેઓ સતત તેમની સામે થઈ રહેલાં ષડયંત્રોની ફરિયાદ કરી રહ્યાં છે. તે ફરિયાદ પરાજયનો ભય દેખાતાં વધી ગઈ છે.

બરાક ઓબામા પછી મીશેલ ઓબામા સંબોધન કરવા ઉભા થયાં તેઓએ કહ્યું વર્ષો સુધી ડોનાલ્ડ ટ્રમ્પે આપણને ભય જ દેખાડયા કર્યો છે. તેઓની દ્રષ્ટિ જ અતિ મર્યાદિત છે. તેઓ શ્યામવર્ણી બે વ્યક્તિઓથી ભયભીત રહ્યાં છે. તેટલું જ નહીં પરંતુ તેઓ તો મહિલાઓના જ વિરોધી હોય તેવું લાગે છે. અને તેથી જ કમલા ઉપર બેફામ આક્ષેપો કરી રહ્યાં છે. તેઓ સુવિચારોને બદલે ધિક્કારની જ ભાવના ફેલાવે છે. હું સતત કમલાની સાથે જ છું અને રહીશ પણ ખરી.


Google NewsGoogle News