Get The App

નેતન્યાહુની ધરપકડનો આદેશ આપનાર આઈસીસી પર ટ્રમ્પે નિયંત્રણો મુક્યા

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
નેતન્યાહુની ધરપકડનો આદેશ આપનાર આઈસીસી પર ટ્રમ્પે નિયંત્રણો મુક્યા 1 - image


- ટ્રમ્પના પ્રતિબંધો છતાં આઇસીસીનો કામ જારી રાખવાનો નિર્ધાર

- જર્મની-નેધરલેન્ડે ટ્રમ્પના આઇસીસી પર નિયંત્રણ મુકવાના નિર્ણયને વખોડયો જ્યારે હંગેરીએ વખાણ્યો

હેગ : યુએસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક આદેશ જારી કરી અમેરિકા અને તેના ગાઢ સાથી ઇઝરાયેલ સામે ગેરકાયદે અને પાયાવિહોણાં પગલાં ભરવાના પ્રતિભાવમાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર નિયંત્રણો મુક્યા હતા. જેને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ-આઇસીસી-એ વખોડી કાઢી પોતાનું કામ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 

ટ્રમ્પનું આ પગલું  આઇસીસીની સ્વતંત્રતા અને તેના તટસ્થ ન્યાય આપવાના કાર્યને હાનિ કરવાનો પ્રયાસ છે તેમ આઇસીસીએ જણાવી તેના ૧૨૫ સભ્ય દેશોને શુક્રવારે આ નિયંત્રણો સામે વિરોધ વ્યક્ત કરવાની હાકલ કરી હતી. જેને પગલે યુરોપના ઘણાં દેશોએ ટ્રમ્પના આ પગલાંને વખોડી કાઢ્યું હતું. ટ્રમ્પે તેમની પહેલી મુદત દરમ્યાન પણ અફઘાનિસ્તાનમાં આચરવામાં આવેલાં ગુનાની તપાસ કરનાર આઇસીસીના ભૂતપૂર્વ પ્રોસિક્યુટર  ફાટો બેનસોદા અને તેમના સહાયક પર નિયંત્રણો મુક્યા હતા, જેને ૨૦૨૧માં જો બાઇડને સત્તા સંભાળતાં જ ઉઠાવી લીધાં હતા. 

  ટ્રમ્પે તેમના આદેશમાં જણાવ્યું હતું કે આઇસીસી દ્વારા હદ વટાવવામાં આવી તેના માટે જવાબદાર લોકો સામે યુએસ નક્કર અને મહત્વના પગલાં ભરશે. જેમાં તેમની સંપત્તિ બ્લોક કરવાના અને આઇસીસીના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના સગાંઓને યુએસમાં પ્રવેશવા નહીં દેવાનો સમાવેશ થાય છે. યુએસના નાણાં અને વિદેશ વિભાગ દ્વારા કયા લોકો અને સંગઠનો પર પ્રતિબંધ મુકવા તેનો નિર્ણય લેવામાં આવશે. 

નવેમ્બરમાં પ્રિ ટ્રાયલ પેનલ ઓફ જજ દ્વારા ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ, તેમના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને હમાસના લશ્કરી વડા સામે યુદ્ધ ગુના  અને ગાઝામાં યુદ્ધ દરમ્યાન માનવતા વિરોધી ગુના આચરવા બદલ ધરપકડના વોરંટ બહાર પાડયા ત્યારે જ યુએસે તેનો રોષ વ્યક્ત કર્યો હતો. ધરપકડના વોરન્ટમાં જણાવાયું હતું કે નેતાન્યાહુ અને તેમના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોલ ગેલન્ટે ગાઝામાં માનવતાવાદી સહાય અટકાવી દઇ ઇરાદાપૂર્વક ભૂખમરાનો યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. ઇઝરાયેલે આ આરોપ નકારી કાઢ્યો હતો. 

નેધરલેન્ડના પાટનગર હેગમાં આવેલી આઇસીસી દ્વારા નિવેદન બહાર પાડી જણાવવામાં આવ્યું હતું કે તેઓ ટ્રમ્પના નિર્ણયને વખોડે છે અને તેના કર્મચારીઓ પ્રતિ પ્રતિબદ્ધ છે. અમે દુનિયાભરમાં હિંસાના ભોગ બની રહેલાં લાખો નિર્દોષ લોકોને ન્યાય આપવાનું કામ ચાલુ રાખીશું. અમે અમારા ૧૨૫ સભ્ય દેશો અને સિવિલ સોસાયટી તથા દુનિયાના તમામ દેશોને  ન્યાય અને મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરવા એકત્રિત થવાની હાકલ કરીએ છીએ. જેના પગલે ઘણાં દેશોએ ટ્રમ્પના આદેશની ટીકા કરી હતી. જર્મનીએ જણાવ્યું હતું કે અમે આઇસીસીને ટેકો આપીએ છીએ અને આપતાં રહીશું. શુક્રવારે માનવઅધિકાર જૂથોએ પણ ટ્રમ્પના આદેશની ટીકા કરી હતી.આઇસીસીના યજમાન નેધરલેન્ડે આઇસીસી પર નિયંત્રણો મુકવાના યુએસના આદેશ બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો અને કોર્ટનું રક્ષણ કરવા સહાય કરશે તેમ જણાવ્યું હતું. એકમાત્ર હંગેરીએ ટ્રમ્પની તરફેણ કરતાં જણાવ્યું હતું કે આઇસીસી તાજેતરમાં પૂર્વગ્રહિત રાજકીય સાધન બની રહી છે અને તેણે સમગ્ર ઇન્ટરનેશનલ કોર્ટ સિસ્ટમની આબરૂ ખરડી છે. ઇઝરાયેલના વિદેશ પ્રધાન જીડીઓન સારે જણાવ્યું હતું કે આઇસીસીના પગલાં અનૈતિક છે અને તેને કોઇ કાનુની આધાર નથી. 


Google NewsGoogle News