Get The App

રેસિપ્રોકલ ટેરિફ શું છે? જાણો ભારત પર કેવી ઈફેક્ટ થશે, કયા ઉદ્યોગો માટે ચિંતાનો વિષય?

Updated: Feb 14th, 2025


Google News
Google News
રેસિપ્રોકલ ટેરિફ શું છે? જાણો  ભારત પર કેવી ઈફેક્ટ થશે, કયા ઉદ્યોગો માટે ચિંતાનો વિષય? 1 - image


What is a Reciprocal Tarriff | અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે મુલાકાતના થોડા કલાકો પહેલા જ ભારત સહિત વેપારમાં ભાગીદાર તમામ દેશો પર ટેરિફ લાદવાની યોજના પર હસ્તાક્ષર કર્યા હતા, જેનાથી વિશ્વભરમાં આર્થિક તણાવ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. અહેવાલ મુજબ, ટ્રમ્પે કહ્યું હતું કે, 'વેપાર મામલે, મેં નિષ્પક્ષતાથી નિર્ણય લીધો છે કે અમે પરસ્પરના ટેરિફ (રેસિપ્રોકલ ટેરિફ) લાદીશું, જેનો અર્થ એ છે કે જે પણ દેશો અમેરિકા પાસેથી ટેરિફ વસૂલશે, અમે તેમની પાસેથી સમાન ટેરિફ વસૂલીશું. જે ન તો વધારે હશે અને ન તો ઓછું. 

ટ્રમ્પે શું કહ્યું હતું? 

ટ્રમ્પે કહ્યું, 'તેઓ અમારી પાસેથી ટેક્સ અને ટેરિફ બંને વસૂલ કરે છે અને હવે અમે પણ તેમના પર આવા જ ટેક્સ અને ટેરિફ લાદીશું.' નિષ્ણાતો માને છે કે આ પગલાંથી અમેરિકા અને તેના વેપાર ભાગીદારો વચ્ચે તણાવ વધી શકે છે, જે વૈશ્વિક વેપાર અને અર્થતંત્રને અસર કરી શકે છે.

રમતનું મેદાન બધા માટે સમાન જરૂરી 

વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આ પગલું અમેરિકાના મિત્રો અને વિરોધીઓ બંને સામે વેપાર વ્યૂહરચનાનો એક ભાગ છે જે આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે. જોકે, ટ્રમ્પે વેટને પણ એક પ્રકારનો ટેરિફ ગણાવ્યો હતો. વ્હાઇટ હાઉસ ખાતે એક નિવેદન આપતા ટ્રમ્પે કહ્યું, રમતનું મેદાન બધા માટે સમાન હોવું જોઈએ. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રમ્પની પારસ્પરિક ટેરિફ નીતિનો હેતુ વિવિધ દેશો દ્વારા લાદવામાં આવતા ઊંચા ડ્યુટી દરોનો સામનો કરવાનો છે.

રેસિપ્રોકલ ટેરિફ શું છે?

ટેરિફ એ એક દેશ દ્વારા બીજા દેશમાંથી આયાત કરાયેલા માલ પર લાદવામાં આવતો ટેક્સ છે. જ્યારે રેસિપ્રોકલ ટેરિફનો અર્થ એ છે કે, કોઈ દેશ અમેરિકન માલ-સામાન પર ગમે તેટલો ટેરિફ લાદે, અમેરિકા પણ તે દેશના માલ પર એટલો જ ટેરિફ લાદશે. ચૂંટણી પ્રચાર દરમિયાન, ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફનો ઉલ્લેખ કર્યો હતો.  'ટિટ ફોર ટેટ, એક ટેરિફ સામે બીજો ટેરિફ, એટલી જ એમાઉન્ટ. ઉદાહરણ તરીકે, જો કોઈ દેશ અમેરિકન ઉત્પાદનો પર 10 ટકા આયાત ડ્યુટી લાદે છે, તો અમેરિકા પણ તે દેશમાંથી આવતા માલ પર 10 ટકા ટેરિફ લાદશે.

ભારત પર શું અસર પડશે?

વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ટેરિફ વિશે કહ્યું હતું કે , 'પરંપરાગત રીતે અમેરિકા પર ટેરિફ લાદનારા દેશોની યાદીમાં ભારત ટોચ પર છે. કેટલાક નાના દેશો એવા છે જે ખરેખર ઊંચા ટેરિફ વસૂલ કરે છે પરંતુ ભારત ભારે ટેરિફ વસૂલ કરે છે. હાર્લિ ડેવિડસનનું ઉદાહરણ આપતા ટ્રમ્પે કહ્યું, 'ભારતમાં કર અને ટેરિફ એટલા ઊંચા હતા કે હાર્લિ ડેવિડસન તેની બાઈક પણ વેચી ન શકી.' તેનાથી બચવા માટે, કંપનીએ ભારતમાં એક ફેક્ટરી સ્થાપવી પડી. 

ભારતના કયા ઉદ્યોગોને અસર થશે

પીએમ મોદી અને ઈલોન મસ્ક વચ્ચેની મુલાકાત અંગે ટ્રમ્પે કહ્યું, 'મને લાગે છે કે મસ્ક ભારતમાં વેપાર કરવા માંગે છે, પરંતુ ભારતમાં વેપાર કરવો ખૂબ મુશ્કેલ છે કારણ કે ત્યાં ટેરિફ ખૂબ ઊંચા છે.' ટ્રમ્પે સંકેત આપ્યો કે ઈલોન મસ્ક ભારતમાં તેમના વ્યાપારિક હિતોને આગળ વધારવા માટે પીએમ મોદીને મળ્યા હશે. ટ્રમ્પના પારસ્પરિક ટેરિફની અસર ભારત પર પણ જોવા મળશે. ભારતના સ્થાનિક ઉદ્યોગ માટે આનો સામનો કરવો ખૂબ જ પડકારજનક રહેશે. ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં ટેરિફ દર ખૂબ ઊંચા છે અને તેથી તે પારસ્પરિક ટેરિફ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. અમેરિકાની નવી કર નીતિ ભારતના ઓટોમોબાઈલ, કાપડ અને અન્ય ઉદ્યોગોને અસર કરી શકે છે. જો ભારત ટેરિફ દર ઘટાડશે, તો તેની સીધી અસર તેની આવક પર પડશે, જે ભારતના સ્થાનિક ઉદ્યોગ માટે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિ હશે.  


રેસિપ્રોકલ ટેરિફ શું છે? જાણો  ભારત પર કેવી ઈફેક્ટ થશે, કયા ઉદ્યોગો માટે ચિંતાનો વિષય? 2 - image



Tags :
Donald-trumpreciprocal-tariffsindiaUSA-News

Google News
Google News