અમેરિકામાં ગેરકાયદે રહેનારાઓ પર તવાઈ, 50 દિવસમાં 32000 લોકોની ધરપકડ, 1.10 કરોડ લોકો પર હજુ સંકટ
US Immigration : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે સત્તા સંભાળ્યા બાદ દેશમાં ગેરકાયદેસર રહેનારા લોકો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અહેવાલો મુજબ ટ્રમ્પ તંત્રે ગેરકાયદે લોકો વિરુદ્ધ દેશનિકાલનું અભિયાન શરૂ કર્યા બાદ 50 દિવસમાં 32000 લોકોની ધરપકડ કરી છે. જ્યારે જાન્યુઆરી 2025 સુધીમાં અંદાજ મુજબ આશરે 1 કરોડ 10 લાખ લોકો દસ્તાવેજ વગરના ઈમિગ્રન્ટ્સ હોવાનો ખુલાસો થયો છે.
21 જાન્યુઆરી બાદ 50 દિવસમાં 32,000થી વધુ ઈમિગ્રન્ટની ધરપકડ
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ICE)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના શપથ ગ્રહણના એક દિવસ બાદ એટલે કે 21 જાન્યુઆરીથી ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે દેશમાં ગેરકાયદે રહેતા 32,000થી વધુ ઈમિગ્રન્ટની ધરપકડ કરી છે. આઈસીઈ દ્વારા કરવામાં આવેલી મોટા પાયે ધરપકડો ‘ક્રિમિનલ એલિયન પ્રોગ્રામ’ અને ‘287g’ નામના કાર્યક્રમ હેઠળ કરાઈ છે. ઈમિગ્રેશન અધિકારીઓએ 50 દિવસમાં 14000થી વધુ દોષિત ગુનેગારો, 9800 સ્થળાંતર કરનારાઓ (ગુનાહિત આરોપો બાકી), 1155 શંકાસ્પદ ગેંગ સભ્યો, 44 વિદેશી ભાગેડુઓની ધરપકડ કરી છે.
હજુ 1.10 કરોડ લોકો પર સંકટ
પીઈડબલ્યુ રિસર્ચ સેન્ટર અને માઈગ્રેશન પોલિસી વેબસાઈટના ડેટા મુજબ, જાન્યુઆરી 2025 સુધીમાં અમેરિકામાં દસ્તાવેજ વગરના અંદાજે 11 મિલિયન (1 કરોડ 10 લાખ) ઈમિગ્રન્ટ્સ હોવાનો ખુલાસો થયો છે. ગેરકાયદે રહેનારા લોકોની સંખ્યાનો અંદાજ કુલ વસ્તીના આશરે 3.2% - 3.6% છે, જે સંખ્યા બદલાતી રહી છે, જોકે આ આંકડાને કુલ વસ્તીનો નોંધપાત્ર ભાગ કહી શકાય છે. PEW રિસર્ચ સેન્ટર અનુસાર, 2022માં યુનાઇટેડ સ્ટેટ્સમાં અનધિકૃત ઈમિગ્રન્ટ વસ્તી વધીને 1.10 કરોડ પર પહોંચી ગઈ હતી. 2007માં ગેરકાયદે રહેનારાઓની સંખ્યા 12.2 મિલિયને પહોંચી ગઈ હતી.
2009થી 2024ની વચ્ચે આશરે 16,000 ભારતીયોનો દેશનિકાલ
બીજીતરફ ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમેરિકાએ 2009થી 2024ની વચ્ચે આશરે 16,000 ભારતીયોનો દેશનિકાલ કર્યો હતો. યુએસના પૂર્વ પ્રમુખ ઓબાના કાર્યકાળમાં 750 ભારતીયોનો, ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં 1550 લોકોનો જ્યારે બાઈડે સરકારના કાર્યકાળમાં 900 લોકોનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો.