ટ્રમ્પ જો જીતશે તો, ઇલોન મસ્કને કેબિનેટમાં લેશે અથવા તો તેમના સલાહકાર તરીકે લેશે

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ જો જીતશે તો, ઇલોન મસ્કને કેબિનેટમાં લેશે અથવા તો તેમના સલાહકાર તરીકે લેશે 1 - image


- મસ્ક માટે ટ્રમ્પે કહ્યું : તેઓ એક અસામાન્ય મેઘાવી વ્યક્તિ છે, ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદી માટે ૭,૫૦૦ ડોલરની ક્રેડીટ દૂર કરવા કહ્યું

વૉશિંગ્ટન : રીપબ્લિકન પાર્ટીના પ્રમુખ પદ માટેના ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે જો તેઓ પ્રમુખ તરીકે ચૂંટાશે તો ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કને તેઓની કેબિનેટમાં લેશે અથવા તો, તેમના સલાહકાર પદ લેશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપરની ટેક્ષ ક્રેડિટ તેઓ દૂર કરશે. ટેક્ષ ક્રેડીટ કે ટેક્ષ ઇન્સેન્ટિવીઝ તે સારી વાત નથી.

પેન્સીલવાનિયાનાં યોર્કેમાં પત્રકારોને આપેલી મુલાકાતમાં તેઓે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપરની ટેક્ષ ક્રેડીટ કે ટેક્ષ ઇન્સેન્ટીવ્સ દૂર કરવાનું કહ્યું ત્યારે પત્રકારોએ તેઓને મસ્ક વિષે પૂછતાં તેમણે કહ્યું : 'તેઓ એક અસામાન્ય મેઘાવી વ્યક્તિ છે, તેજસ્વી વ્યક્તિ છે. જો તેઓ કેબિનેટમાં જોડાવા તૈયાર થશે તો હું તેઓને જરૂર લઈશ જ, અથવા તો તેઓને સલાહકાર તરીકે લઈશ.'

ઉલ્લેખનીય છે કે ગયા મહીને મસ્કે ખુલ્લાં મને જાહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પને તેઓનું સમર્થન આપ્યું હતું. જો કે ટેસ્લા તરફથી તે વિષે કશું જ કહેવામાં આવ્યું ન હતું. ટ્રમ્પે કહ્યું હતું કે ઓટોમોબાઈલ કંપનીઓને ડોલર ૭,૫૦૦ની ક્રેડિટ આપવા અંગેના નિયમને તેઓ દૂર કરશે અથવા તો કોંગ્રેસને તે દૂર કરવા ખરડો લાવવા અનુરોધ કરશે. વાસ્તવમાં પ્રમુખ ને બાયડેને ૨૦૨૨માં આ ક્રેડિટ આપવાનો ધારો ઘડયો હતો.

આ સાથે ટ્રમ્પે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે તે ક્રેડિટ દૂર કરવા અંગે હું હજી આખરી નિર્ણય ઉપર આવ્યો નથી. તેઓએ કહ્યું 'હું ઇલેક્ટ્રિક વાહનોનો પ્રશંસક છું, તેની તરફદારી પણ કરૂં છું તેમ છતાં અત્યારે તો પેટ્રોલથી ચાલતી મોટરો કે સંકીર્ણ મોટરો (ઇલેક્ટ્રિક એન પેટ્રોલ બંનેથી ચાલતી) મોટરોથી ચલાવવું જ પડે તેમ છે. જે કૈં બનશે તે ભવિષ્યમાં આપણે જોશું.'


Google NewsGoogle News