ફેબુ્આરીના મધ્યમાં ટેરિફ દર વધારવા ટ્રમ્પનો સંકેત, ચીન અને યુરોપિયન યુનિયન માટે નારાજગી
સેમી કંડકટર અને ફાર્માસ્યૂટિકલ ક્ષેત્રને પણ બક્ષવામાં આવશે નહી.
આ ટેરિફ અમેરિકાને મજબૂત અને સમૃધ્ધ બનાવવા માટે છે
ન્યૂયોર્ક,૧ ફેબુ્આરી,૨૦૨૫,શનિવાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનું શાસન ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં સ્ટીલ, ક્રુડ તેલ ઉપરાંત ઘરેલું ઉધોગો સંબંધિત ક્ષેત્રો પર વધારાનું આયાત ટેરિફ લાગુ પાડે તેવી શકયતા છે. શુક્રવારે વ્હાઇટ હાઉસમાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતા ટ્રમ્પે ૧૮ ફેબુ્રઆરીની આસપાસ તેલ અને નેચરલ ગેસ પર ટેરિફ લગાવવા જઇ રહયા હોવાનો સંકત આપ્યો હતો. એટલું જ નહી ભવિષ્યમાં સેમી કંડકટર અને ફાર્માસ્યૂટિકલ ક્ષેત્રને પણ બક્ષવામાં આવશે નહી. ટ્રમ્પે ઉમેર્યુ હતું કે આ ટેરિફ અમેરિકાને મજબૂત અને સમૃધ્ધ બનાવવા માટે છે.
જુના કાર્યકાળને યાદ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે એ સમયે ભાર શૂલ્ક અમલમાં મુકીને દેશના સ્ટીલ ઉધોગને બચાવી શકાયો હતો. આ સાથે જ ઇસ્પાત ઉપરાંત એલ્યુમિનિયમ આયાત ઉપર પણ વધારાનું ટેરિફ લગાવવા પર ભાર મુકયો હતો. જો કે ટેરિફ કયા દેશો પર લગાવવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. ચુંટણી અભિયાન દરમિયાન ટ્રમ્પે ચીન અને બીજા કેટલાક દેશો સ્ટીલ ઉત્પાદનો અમેરિકી બજારમાં ઠાલવતા જાય છે એવો ઉલ્લેખ કર્યો હતો.
ટ્રમ્પ અગાઉ પણ અનેક વાર વધારાનું ટેરિફ લગાવવાની વાત કરી ચુકયા છે. શું અમેરિકા યુરોપિય યુનિયન પર પણ વધારાનું ટેરિફ લગાવવા ઇચ્છે છે ? આ સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન સાથેના વ્યહવારોમાં પણ અમેરિકા ખૂબ મોટું નુકસાન ઉઠાવી રહયું છે. સંઘે પણ અમારી સાથે ઘણું જ ખોટું કર્યુ છે.