ટ્રમ્પના વફાદાર, અનેક જાસૂસી મિશન પાર પાડ્યા, FBIના ડાયરેક્ટર કાશ પટેલ વિશે જાણવા જેવી વાતો
Big Responsibility to Gujarati Kash Patel: અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહ્યા છે. તાજેતરમાં જ તેણે એટર્ની જનરલ માટે મેટ ગેટ્ઝ, સેક્રેટરી ઓફ ડિફેન્સ માટે પીટ હેગસેટ અને નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર માટે તુલસી ગબાર્ડને નોમિનેટ કર્યા છે. એવામાં હવે તેમણે ભારતીય મૂળના ગુજરાતી કાશ પટેલને મોટી જવાબદારી આપી દીધી છે, જેના કારણે અમેરિકન ગુપ્તચર વિભાગમાં હલચલ મચી ગઈ છે.
ટ્રમ્પ વિશ્વાસુ લોકોને સોપી રહ્યા છે મોટી જવાબદારી
ટ્રમ્પ તેમના આ કાર્યકાળ દરમિયાન પોતાના વિશ્વાસુ લોકોને ટોચના હોદ્દા પર નિયુક્ત કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે પ્રથમ કાર્યકાળ દરમિયાન ઘણા કિસ્સાઓમાં ટ્રમ્પે તેમના સાથીદારોના પ્રેશરનો સામનો કર્યો હતો.
ગુજરાતી મૂળના કાશ પટેલને સોંપાયું FBIમાં ટોચનું પદ
તેથી આ વખતે તેમણે ગુજરાતી મૂળના કાશ પટેલને મોટી જવાબદારી આપવા માટે પસંદ કર્યા છે. અગાઉથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે કાશ પટેલને FBIમાં ટોચનું પદ આપવામાં આવી શકે છે. જો કે આ પહેલા તેમને સીઆઈએ ચીફ બનાવવાની પણ ચર્ચા હતી. પરંતુ, ટ્રમ્પે તેમના નજીકના સહયોગી જોન રેટક્લિફને તે પદ માટે નામાંકિત કર્યા. એટલા માટે હવે એફબીઆઈના ડાયરેક્ટર તરીકે ગુજરાતી મૂળના કાશ પટેલની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે.
જાણો કોણ છે કાશ પટેલ
44 વર્ષના કાશ પટેલનો જન્મ 25 ફેબ્રુઆરી, 1980ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના મૂળિયાં ગુજરાતના વડોદરા શહેરમાં છે. તેમના માતા-પિતા ગુજરાતથી પૂર્વ આફ્રિકા ગયા હતા, અને પછી ત્યાંથી કેનેડાના રસ્તે થઈને અમેરિકામાં વસી ગયા હતા.
વકીલાતનો અભ્યાસ અને કામનો મજબૂત અનુભવ
કાશ પટેલે ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીની લૉ સ્કૂલમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે. એમના કાર્યક્ષેત્ર પર નજર નાંખીએ તો...
- વર્ષ 2005 માં સ્નાતક થતા બાદ તેઓ પબ્લિક ડિફેન્ડર (સરકારી વકીલ) બની ગયા હતા. માયામીના ન્યાયાલયોમાં તેમણે લગભગ 9 વર્ષ કામ કર્યું હતું. એ સમયગાળામાં તેમણે હત્યા, નશીલા પદાર્થોની ફેરાફેરી અને નાણાકીય ગુનાઓ સહિતના જટિલ કેસો ઉકેલ્યા હતા.
- 2014 માં તેમને ‘ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ’માં ટ્રાયલ એટર્ની તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અલ-કાયદા અને ISIS જેવા આતંકવાદી જૂથો સાથે સંકળાયેલ વ્યક્તિઓની તપાસ કરવાનું કામ કર્યું હતું.
- 2017 માં તેમને ‘હાઉસ ઇન્ટેલિજન્સ કમિટિ’ ખાતે આતંકવાદ વિરોધી વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- 2019 માં તેમને રાષ્ટ્રપતિ ટ્રમ્પની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (NSC)ના કર્મચારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ જ વર્ષે તેમને કાઉન્ટરટેરરિઝમ ડિરેક્ટોરેટના વરિષ્ઠ નિયામક પણ બનાવવામાં આવ્યા હતા.
- ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા રાષ્ટ્રપતિ-કાર્યકાળ દરમિયાન કાશ પટેલે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ટ્રમ્પના આતંકવાદ વિરોધી સલાહકાર તરીકે તથા સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલરના ચીફ ઓફ સ્ટાફ તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો.
આમ કાયદા, સંરક્ષણ અને ઈન્ટેલિજન્સ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી કાશ પટેલને CIA ના ચીફ પદે નિયુક્ત કરવામાં આવે એવી શક્યતા હતા પણ તેમને એફબીઆઈના ડાયરેક્ટર બનાવાયા.
કાશ પટેલની કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ
2016ની પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પ રશિયન હસ્તક્ષેપ દ્વારા જીત્યા હતા, એવી વાત ચગી હતી, જેની તપાસ માટે જે સમિતિની નિમણૂક કરવામાં આવી હતી એનું નેતૃત્વ કાશ પટેલને સોંપાયું હતું. ભારે જવાબદારીપૂર્વકના એ કામમાં પટેલે સરસ રિપોર્ટ તૈયાર કર્યો હતો. ત્યારથી ટ્રમ્પ પટેલની ક્ષમતાથી પ્રભાવિત થઈ ગયા હતા.
જાસૂસી મિશન પણ પાર પાડ્યું છે
2020માં સીરિયાની રાજધાની દમાસ્કસમાં અમેરિકા દ્વારા એક ગુપ્ત મિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ કાશ પટેલે કર્યું હતું. સીરિયા દ્વારા ધરપકડ પામેલા સાયકોથેરેપિસ્ટ મજદ કમલમાઝ અને પત્રકાર ઓસ્ટિન ટાઈસની મુક્તિ માટે એ મિશન યોજવામાં આવ્યું હતું.
ટ્રમ્પ પ્રત્યેની વફાદારી અને લેખન
2021 માં ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ કાશ પટેલ ટ્રમ્પના એજન્ડાને પ્રોત્સાહન આપતા રહ્યા છે. તેમણે ‘ગવર્મેન્ટ ગેંગસ્ટર્સ: ધ ડીપ સ્ટેટ, ધ ટ્રુથ એન્ડ ધ બેટલ ફોર અવર ડેમોક્રેસી’ નામનું સંસ્મણાત્મક પુસ્તક લખ્યું છે. ઉપરાંત તેમણે બાળકો માટે ચિત્રવાર્તાઓનું પુસ્તક ‘ધ પ્લોટ અગેઇન્સ્ટ ધ કિંગ’ લખ્યું છે, જેમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કરાયેલા રાજકીય કાવતરાંની વાસ્તવિક લાગે એવી કાલ્પનિક વાર્તા આલેખી છે.
ટ્રમ્પે ‘ગવર્મેન્ટ ગેંગસ્ટર્સ: ધ ડીપ સ્ટેટ, ધ ટ્રુથ એન્ડ ધ બેટલ ફોર અવર ડેમોક્રેસી’ નામના પુસ્તક વિષે કહ્યું કે પટેલનું પુસ્તક તેમના આગામી કાર્યકાળ માટે બ્લુ પ્રિન્ટ હશે. તેમણે કહ્યું કે આ દરેક ભ્રષ્ટ વ્યક્તિને ખુલ્લા પાડવાનો એક શાનદાર રોડમેપ છે, જે અમારી એજન્સીઓ અને વિભાગોને કામ કરવા માટે ઉપયોગી બનશે.