ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ
- ભારત પર 26 ટકાનો ટેરિફ પણ આજથી લાગુ
- ટ્રેડ વોર તીવ્ર બનવાના એંધાણ : ચીને લાદેલો 34 ટકા ટેરિફ પરત ન ખેંચતા અમેરિકાએ તેના પર ટેરિફ નાખ્યો
- અમેરિકાના આર્થિક પ્રભુત્વ સામે કોઈપણ રીતે નમતું ન જોખી ટ્રેડ વોરમાં છેક સુધી લડી લેવાનો ચીનનો હુંકારં
વોશિંગ્ટન : અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વધુને વધુ તીવ્ર બની રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીના એક દિવસ પછી વ્હાઇટ હાઉસે ચીન પર વધુ ૫૦ ટકા સાથે કુલ ૧૦૪ ટકા ટેરિફ લગાવવાની વાતને સમર્થન આપ્યું છે. ચીન પર વધારવામાં આવેલો ટેરિફ ૯મી એપ્રિલથી લાગુ પડશે. ટ્રમ્પે બીજી એપ્રિલની જાહેરાતમાંચીન સહિત ૧૮૦ દેશો પર ટેરિફ લગાવ્યો હતો.
ટ્રમ્પના ટેરિફના જવાબમાં ચીને વળતો ૩૪ ટકા ટેરિફ અમેરિકા પર લગાવ્યો હતો. ટ્રમ્પે ચીનને ચેતવણી આપી હતી કે જો તે અમેરિકા પર લગાવવામાં આવેલો ટેરિફ નહીં હટાવે તો બીજો ૫૦ ટકા ટેરિફ પણ લગાવશે. ફક્ત એટલું જ નહીં ચીન તરફથી પ્રસ્તાવિત કોઈપણ બેઠક તાત્કાલિક અસરથી ખતમ કરી દેવાશે. આમ અગાઉના ૫૪ અને આ વખતના ૫૦ એમ કુલ ૧૦૪ ટકા ટેરિફ ચીન પર લગાવાયો છે.
ચીને પણ અમેરિકન ધમકીનો જવાબ આપતા જણાવ્યું હતું કે અમેરિકાના દબાણની સામે અમે જરા પણ ઝૂકીશું નહીં. અમે ટ્રેડ વોરનો સામનો કરવા માટે પૂર્ણપણે તૈયાર છીએ. ચીને અમેરિકા પર ટેરિફ દ્વારા આર્થિક પ્રભુત્વનો આરોપ લગાવ્યો હતો.
ચીનની આયાતો પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધારાના પચાસ ટકા ટેરિફ લાદવાની આપેલી ધમકીના પ્રતિસાદમાં બેઈજિંગે છેલ્લે સુધી લડી લેવાની પ્રતિજ્ઞાા લેતા અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ વધુ તીવ્ર બન્યો છે. પ્રસ્તાવિત વધારાથી અમેરિકામાં આવતા ચીની ઉત્પાદનો પરની કુલ ટેરિફ ૧૦૪ ટકા થઈ જશે. ચીને અમેરિકાના પગલાને બ્લેકમેલ તરીકે તેમજ ભૂલ પર વધારાની ભૂલ તરીકે ગણાવીને પોતાની સાર્વભૌમત્વ તેમજ આર્થિક હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ચીનના વિદેશ અને વેપાર મંત્રાલય બંનેએ વોશિંગ્ટનની આક્રમક ટેરિફ નીતિની ટીકા કરી છે. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ટ્રેડ વોરમાં કોઈ વિજેતા નથી હોતું અને રક્ષણાત્મકતા કોઈ વ્યવહારુ ઉકેલ નથી. તેમણે સ્પષ્ટતા કરી કે ચીન સંઘર્ષ નથી ઈચ્છતું પણ તેનાથી દૂર પણ નહિ ભાગે. એક જોરદાર પ્રતિસાદ આપતા તેમણે જાહેરાત કરી કે ચીન સાથે ધમકી અથવા દબાણથી વ્યવહાર નહિ થઈ શકે અને અમેરિકા વિવાદ ઉગ્ર બનાવશે તો ચીન તેનો મક્કમતાથી જવાબ આપશે.
ચીન અમેરિકાની વસ્તુઓ પર તેની વધારાની ૩૪ ટકા વળતી ટેરિફ પાછી નહિ ખેંચે તો તેના પ્રતિસાદમાં અમેરિકા પચાસ ટકાનો વધારો કરશે તેવી ટ્રમ્પની ચેતવણી પછી આ તણાવ વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકાની ચીન સાથે વેપાર ખાધ ગયા વર્ષે ૨૯૫.૪ અબજ ડોલર રહી હતી જે ટ્રમ્પની વ્યૂહરચનામાં મુખ્ય દબાણનો મુદ્દો છે. જો કે આર્થિક નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે લાંબી ટ્રેડ લડાઈ ચીનના અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે અને તેની જીડીપીમાંથી બેથી અઢી ટકાનો ઘસારો કરી શકે છે.
બીજી તરફ ચીને પોતાના વળતા પગલાનો અમેરિકી ઉશ્કેરણીના વ્યવહારુ પ્રતિસાદ તરીકે તેમજ રાષ્ટ્રીય હિત જાળવવા અને ન્યાયી વૈશ્વિક વેપાર પ્રણાલી જાળવી રાખવાનો હોવાનું કહીને બચાવ કર્યો હતો. ચીની સરકારે આદર અને સમાનતાના આધારે વાટાઘાટમાં સામેલ થવાની પોતાની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો હતો. ચીને ચેતવણી આપી કે અમેરિકા તેનો એકહથ્થુ અભિગમ ચાલુ રાખશે તો તે છેલ્લી ઘડી સુધી ટ્રેડ વોર લડી લેવા તૈયાર છે.