ઘુસણખોરો અંગે ભારત યોગ્ય વલણ જ લેશે : ટ્રમ્પને વિશ્વાસ
- ટ્રમ્પ સાથે મોદીને 20 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ હતી, વડાપ્રધાન મોદીને ફેબ્રુઆરીઆરીમાં યુએસ આવવા ટ્રમ્પનું આમંત્રણ
વોશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પે પદગ્રહણ કર્યા પછી સોમવારે (ગઇકાલે) તેઓ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ૨૦ મિનિટ સુધી ટેલીફોન પર વાતચીત થઈ હતી. દરમિયાન પ્રમુખ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને ફેબ્રુઆરીઆરીમાં અમેરિકા આવવા આમંત્રણ પણ આપ્યું હતું.
આ પૂર્વે જ રાજદ્વારી વર્તુળોમાં ચર્ચા ચાલી રહી હતી કે, બંને નેતાઓ વચ્ચે વહેલામાં વહેલી તકે મીટીંગ યોજવામાં જ આવશે. તે નિશ્ચિત છે.
કેટલાક વિશ્લેષકો જણાવે છે કે, વાસ્તવમાં ૧૮૦૦૦ જેટલા ગેરકાયદે ઘૂસી આવેલા ભારતીઓને કશા પણ વિરોધ કે વિવાદ સિવાય સ્વીકારવાનો ભારતે લીધેલો નિર્ણય ટ્રમ્પને ખુશ કરવા જ લેવામાં આવ્યો હશે.
નરેન્દ્ર મોદી ગત વર્ષના સપ્ટેમ્બરમાં અમેરિકા ગયા હતા તે સમયે પ્રમુખ જો બાયડેને ક્વૉડ દેશોની મીટીંગ વોશિંગ્ટનમાં યોજી હતી. તે સમયે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્ટની અલ્બાનીઝ તે સમયના જાપાનના વડાપ્રધાન ફુનિયો કીશીદા પણ નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત હતા.
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ન્યૂયોર્કમાં યોજાયેલી સમિટ ઓફ ધી ફયુચરને પણ સંબોધન કર્યું હતું. યુનોની મહાસભામાં પણ તે અંગે સંબોધન કર્યું હતું.
ટ્રમ્પના શપથ વિધિ સમયે ભારતના વિદેશ મંત્રી સુબ્રમન્યમ જયશંકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તે પણ આ સાથે ઉલ્લેખનીય છે.
ભારતના વડાપ્રધાન મોદી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ૨૦ મિનિટ સુધી ટેલીફોન પરની ચર્ચામાં બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક, કવૉડ તેમજ પારસ્પારિક સહકાર વધારવા ઉપર પણ ચર્ચા થઈ હતી. દરમિયાન ભારતે અમેરિકા પાસેથી ખરીદવામાં આવનારા ૩૧ પ્રીડેટસ એમ.કયુ. ૯-બી આર્મ્ડ ડ્રોન્સ વિષે પણ ચર્ચા થઈ હતી. આ ૩૧ ડ્રોન્સની કુલ કિંમત ચાર બિલિયન અમેરિકી ડોલર્સ છે.
વડાપ્રધાન મોદી ફ્રાંસમાં યોજાનારી એઆઈ સમિટમાં હાજરી આપવા ફેબ્રુઆરી. ૧૦ થી ૧૨ પેરિસ જવાના છે. ત્યારે ટ્રમ્પ પણ ઉપસ્થિત હશે. ત્યારે પણ તેઓ બધા મહત્વના પ્રશ્નોની ચર્ચા યોજાશે તે નિશ્ચિત લાગે છે.