ટ્રમ્પે ડિબેટને જુઠાણું ગણાવી, હેરિસને અગાઉથી પ્રશ્નો આપી દેવાયા હોવાનો આરોપ
યુએસમાં બંને ઉમેદવારોની લાઇવ ચર્ચા 6.70 કરોડ જોઇ હતી
કમલા હેરિસ સાથે હવે ડીબેટ કરવા માટે ખાસ ઇચ્છુક નથી
ન્યૂયોર્ક,12 સપ્ટેમ્બર,2024,ગુરુવાર
પ્રેસિડેન્શિયલ ચુંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે ડિબેટ યોજાઇ હતી. આ ડિબેટમાં કમલા હેરિસનું પરફોર્મન્સ વધારે સારુ રહયું હતું. વિવિધ મુદ્વાઓ પર ધારદાર દલીલો કરીને હેરિસ પ્રભાવ પાડયો હતો. હવે ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર ડીબેટને ગોટાળો અને જુઠી ગણાવી છે. ટ્રમ્પે ડિબેટનું આયોજન કરનારી એબીસી ન્યૂઝ સંસ્થા પર અગાઉથી જ હેરિસને સવાલો આપી દેવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. હવે પછી તેઓ કમલા હેરિસ સાથેડિબેટકરવા માટે ખાસ ઇચ્છુક ન હોવાનું પણ જણાવ્યું હતું.
બંને ઉમેદવારોની લાઇવ ચર્ચા 6.70 કરોડ અમેરિકનોએ જોઇ હતી આ સંખ્યા જૂનમાં ટ્રમ્પ અને બાયડન વચ્ચે યોજાયેલી ડિબેટ કરતા ખૂબ વધારે હતી. ન્યૂયોર્ક ટાઇમ્સમાં જણાવ્યા અનુસાર ખૂદ ટ્રમ્પના સલાહકારોએ અંગત રીતે સ્વીકાર્યુ હતું કે હેરિસની સામે ટ્રમ્પનું પ્રદર્શન સારું રહયું ન હતું. એક અધિકારીએ ફોકસ ન્યૂઝ પર સ્વીકાર્યુ હતું કે હેરિસ સ્પષ્ટ રીતે જીતી ગઇ છે. આમ જોવા જઇએ તો કમલા હેરિસ એવી કોઇ જ વાત ન હતી કરી કે જેનાથી એવું લાગે કે રાષ્ટ્રપતિની સત્તાનો વિસ્તાર કરશે. ટ્રમ્પ એનાથી વિપરિત વ્હાઇટ હાઉસને વધારે શકિત આપવા ઇચ્છે છે.
આ તેમના તાનાશાહી આવેગ જેવી જાહેરાત લાગે છે. મંગળવારની ચર્ચામાં હંગેરીના વડાપ્રધાન વિકટર ઓર્બનની ટ્રમ્પ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. જેમણે તેમના દેશમાં લોકશાહીનો નાશ કર્યો છે. આથી આવી વ્યકિત આદરણીય કે મજબૂત માણસ ગણી શકાશે નહી. પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયા કંપનીના શેરોમાં ડિબેટ પછી પડતી આવી હતી. ડીબેટ પછી ટેલર સ્વિફટ દ્વારા હેરિસનું સમર્થન યુવા મતદાતાઓને આકર્ષી શકે છે.