Get The App

મોદીને સારા મિત્ર ગણાવ્યા પણ ટ્રમ્પે ટેરિફ મુદ્દે બાંધછોડ ના કરી : અમેરિકી મીડિયા

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
મોદીને સારા મિત્ર ગણાવ્યા પણ ટ્રમ્પે ટેરિફ મુદ્દે બાંધછોડ ના કરી : અમેરિકી મીડિયા 1 - image


- યુદ્ધ વિમાનોનો પ્રસ્તાવ યુએસ-ભારત વચ્ચે વિશ્વાસના સંકેત : વોશિંગ્ટન પોસ્ટ

- ગેરકાયદે ભારતીયોને હાથ-પગ બાંધી મોકલવા મુદ્દે મોદીનો જવાબ ટ્રમ્પને સંતોષ આપનારો : ન્યૂયોર્ક ટાઇમ્સ

વોશિંગ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે, તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી જેની ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી. અમેરિકી મીડિયાએ મિશ્ર પ્રતિભાવ આવ્યો હતો. અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સે એક લેખમાં કહ્યું હતું કે બન્ને દેશોના વડાઓ વચ્ચે મિત્રતાપૂર્વક મુલાકાત છતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અને વેપાર સંબંધો વચ્ચે ખેંચતાણ યથાવત છે. ભારત સાથે વેપારમાં અમેરિકાને ૧૦૦ અબજ ડોલરનું નુકસાન છે તેમ કહીને ટ્રમ્પે ટેરિફનો મુદ્દો છેડીને ભારતને ઝાટકો આપ્યો તેમ આ અખબારે લેખમાં છાપ્યું હતું. 

ન્યૂયોર્ક ટાઇમ્સના આ લેખમાં વધુમાં લખવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી એવા રાષ્ટ્ર પ્રમુખ બની ગયા છે જેમણે ટ્રમ્પની માગણીઓને અનુકુળ આગળ વધવા પર ભાર મુકીને ટ્રમ્પને સંતુષ્ટ કરી દીધા. વ્હાઇટ હાઉસમાં પણ મોદીએ ટ્રમ્પના ખુબ વખાણ કર્યા, મોદીએ ટ્રમ્પના મેક અમેરિકા ગ્રેટ અગેન ઉદ્દેશ્યને ભારતીય વર્ઝન મેક ઇન્ડિયા ગ્રેટ અગેન સાથે જોડયું હતું. ટ્રમ્પે પ્રેસ કોન્ફરંસમાં કહ્યું કે જેટલો ટેરિફ તમે (ભારત) લગાવશો એટલો ટેરિફ અમે લગાવીશું. ટ્રમ્પનું આ વલણ છતા મોદીએ પોતાના નિવેદનમાં બન્ને દેશોના દ્વીપક્ષીય વેપાર અને સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને આગળ વધારવાની વાત કરી હતી. લેખમાં જણાવાયું છે કે અમેરિકાએ જે રીતે ભારતીયોના હાથ પગ બાંધીને સેનાના વિમાનમાં ભારત મોકલ્યા તે મુદ્દે મોદીએ કહ્યું હતું કે અન્ય દેશોમાં ગેરકાયદે ઘુસણખોરી કરતા હોય છે તેમને એ દેશમાં રહેવાનો કોઇ અધિકાર નથી. મોદીએ આ મુદ્દે પણ ટ્રમ્પને ખુશ કર્યા. 

અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટના લેખમાં લખાયું છે કે બન્ને દેશોના વડાઓ વેપાર સંબંધો સુધારવાની વાત કરી રહ્યા હોવા છતા પણ બન્ને વચ્ચે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ, વીઝા નિયમો, વ્યાપાર નુકસાન જેવા મુદ્દાઓ વિવાદોમાં છે. ટ્રમ્પે ભારત સાથે દોસ્તી પર ભાર મુક્યો પરંતુ તે પહેલા જ ટ્રમ્પે ભારત પર ટેરિફનું એલાન કરી દીધુ હતું જે ભારત માટે કોઇ આંચકાથી ઓછુ નથી. અમેરિકાએ ભારતને પોતાના યુદ્ધ વિમાનો ખરીદવાની ઓફર કરી તે એકબીજા પર વિશ્વાસના સંકેતો છે. વોઇસ ઓફ અમેરિકાની વેબસાઇટ પર જણાવાયું છે કે તમામ સહમતિ રેસિપ્રોકલ ટેરિફ નાખવાની ટ્રમ્પની જાહેરાતો સામે ફીકી પડી ગઇ. બન્ને દેશના વડાઓએ મુલાકાતમાં ભારે ખુશી તો દેખાડી પરંતુ રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની ટ્રમ્પે જાહેરાત કરીને ભારતને ઝટકો આપ્યો. સમાચાર એજન્સી અસોસિએટેડ પ્રેસે લખ્યું હતું કે ટ્રમ્પે વિશ્વ સમક્ષ ભારત સાથેની દોસ્તી દેખાડીને ટેરિફ લગાવવાની પણ જાહેરાત કરી દીધી.


Google NewsGoogle News