'હું તમાશો નથી જોવાનો, ડૉલરને ઈગ્નોર ના કરતાં..' ભારત સહિત BRICS દેશોને ટ્રમ્પની ખુલ્લી ધમકી
Donald Trump Threat to BRICS Countries | અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ BRICS દેશોથી ભારે નારાજ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી એવા અહેવાલ હતા કે બ્રિક્સ દેશો પોતાની કરન્સી લાવશે. પણ હવે ટ્રમ્પે આ મામલે બ્રિક્સ દેશોને ખુલ્લી ધમકી આપી દીધી છે.
ટ્રમ્પે આપી ધમકી...
ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઈચ્છે છે કે બ્રિક્સ દેશો સમજી લે કે તે અમેરિકન ડૉલરનું સ્થાન નહીં લઈ શકે. જો એવું થશે તો બ્રિક્સ દેશો 100% ટેરિફ ચૂકવવા તૈયારી કરી લે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કહ્યું કે બ્રિક્સ દેશો અમેરિકન ડૉલરના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અમે તમાશો જોઇ રહ્યા છીએ પણ હવે આવું નહીં ચાલે. હું તમાશો નથી જોવાનો.
તો અમેરિકાના દરવાજા બંધ થશે...
ટ્રમ્પે કહ્યું કે આ હોસ્ટાઈલ દેશો અમેરિકન ડૉલરના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ ન કરે અને ન તો બ્રિક્સ દેશોની કોઈ કરન્સી લાવે અથવા તેને સપોર્ટ કરે. જો કોઈએ આવું કર્યું તો બ્રિક્સ દેશો પર 100% ટેરિફ લગાવાશે. ટ્રમ્પે કહ્યું કે જો મારી વાત ન માની તો અમેરિકન બજારના દરવાજા આવા દેશો માટે કાયમ માટે બંધ કરી દઈશ. તેમણે કોઈ અન્ય બજારો શોધવા પડશે. ટ્રમ્પે કહ્યું કે તેની કોઈ સંભાવના જ નથી કે બ્રિક્સ દેશ ઈન્ટરનેશનલ બજારમાં અમેરિકન ડૉલરનું સ્થાન કોઈ અન્ય કરન્સીને આપે.