ફરી પ્રમુખ બનતાં ટ્રમ્પે કરેલાં પાપ ધોવાઈ જશે, સત્તાનું વોશિંગ મશીન ચાલશે, જાણો કયા-કયા કેસ?
Donald Trump: અમેરિકી ચૂંટણીમાં જે નાટકિય વળાંક આવ્યો અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત અમેરિકી ચૂંટણીમાં બાજી મારી ગયા તેણે ટ્રમ્પની જિંદગીના નાટકિય વળાંકો ઉપર પણ પ્રકાશ પાડયો છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ માટે 2024ની પ્રમુખપદની ચૂંટણીનું પરિણામ ઘણા મોરચે રાહત લઈને આવ્યું છે. અમેરિકાના ફરીથી પ્રમુખ બનવા ઉપરાંત ઘણા કિસ્સામાં ટ્રમ્પની તરફેણનો સ્થિતિ ઊભી થઈ ગઈ છે.
ટ્રમ્પ માટે પ્રમુખપદની ચૂંટણીનું પરિણામ રાહત લઈને આવ્યું
ડોનાલ્ડ ટ્રમ્પ સામે ન્યૂયોર્ક હશ મની કેસ, ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો ગુનો, ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટ કેસ જેવા ઘણા ગુના દાખલ થયેલા છે. આ તમામ ગુનામાંથી હવે તે કાયમી બહાર આવી જશે અથવા તો વધુ પાંચ વર્ષ તેમને રાહત મળે તેવી શકયતા છે. જાણકારોના મને ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા તેનો સીધો અર્થ છે કે, તમામ ગુનાઓમાંથી અને કાયદાકીય કેસમાંથી તેમને મુક્તિ મળી ગઈ છે. તેઓ પોતાની સામેના કેસ રદ કરાવી શકશે. ડોનાલ્ડ ટ્રમ્પને આ વખતે પ્રમુખપદની ચૂંટણીમાં વિજય મળ્યો તે જ તેમના માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયું છે.
ન્યૂયોર્ક હશ મની કેસમાં 4 વર્ષની કેદ થઈ શકે છે
અમેરિકાના રાષ્ટ્પ્રમુખોમાં ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા અમેરિકી પ્રમુખ હતા જેની સામે એડલ્ટ અભિનેત્રી સાથે જોડાણ અને આર્થિક વ્યવહારનો કેસ દાખલ થયો હતો. એડલ્ટ ફિલ્મોની અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 1.30 લાખ ડોલરની રકમ ચુકવવામાં આવી હતી. આ રકમની ચુકવણી કરવા માટે ટ્રમ્પ દ્વારા વ્યાવસાયિક હેરાફેરી કરવામાં આવી હતી.
આ વ્યાવસાયિક હેરાફેરી બદલ જ ટ્રમ્પ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 2016ની ચૂંટણી પહેલાં સ્ટોર્મીને પોતાનું મોઢું બંઘ રાખવા માટે ટ્રમ્પ દ્વારા પૈસા આપવામાં આવ્યા હતા. સ્ટોર્મીએ દાવો કર્યો હતો કે, પૈસા અપાયાની ઘટનાના એક દાયકા પહેલાં ટ્રમ્પે તેની સાથે શારીરિક સંબંઘ બાંઘ્યા હતા. આ શારીરિક સંબંઘની વાત છુપી રાખવા માટે જ ટ્રમ્પે તેને પૈસા આપ્યા હતા.
ટ્રમ્પ દ્વારા આવા કોઈપણ પ્રકારના સંબંઘ વિશેના આરોપો ફગાવી દેવાયા હતા. બીજી તરફ આ આર્થિક લેવડદેવડ અંગે ટ્રમ્પ સામે કેસ દાખલ થયો હતો. હવે 26 નવેમ્બરે આ કેસમાં સજાની જાહેરાત થવાની છે. જાણકારોના મતે જો કેસમાં ટ્રમ્પને દોષિત જાહેર કરવામાં આવે તો તેમને ઓછામાં ઓછી 4 વર્ષની જેલની સજા થઈ શકે તેમ છે.
આ સિવાય પણ ટ્રમ્પ સામે ગુંડાગીરી અને અન્ય બાબતોના 34 જેટલા કેસ ચાલી રહ્યા છે. આ તમામની સુનાવણી 26 નવેમ્બર બાદ શરૂ થવાની છે. આ સંજોગોમાં ટ્રમ્પની સ્થિતિ પલટાય અથવા તો આગામી વર્ષોમાં ટ્રમ્પે સજા ભોગવવી પડે તેવી સ્થિતિ પણ આવી શકે છે.
બે સંઘીય કેસ પણ દાખલ છે જે ભવિષ્યમાં નડી શકે
ન્યાય વિભાગના વિશેષ વકીલ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ સામે 2020માં બે સંઘીય કેસ દાખલ કરવામાં આવ્યા હતા. 2020માં ચૂંટણી દરમિયાન હસ્તક્ષેપ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટ કેસમાં પણ ટ્રમ્પની આસપાસ ગાળીયો ફસાયેલો છે.
જાણકારોના મતે હાલમાં આ કેસ ચાલી રહ્યા છે. આગામી સમયમાં સક્રિય રીતે તેની ઉપર સુનાવણી હાથ ઘરવામાં આવશે. આ સુનાવણી દરમિયાન જો કેસ મોટા થશે અને ગુના સાબિત થશે તો ટ્રમ્પનું ભવિષ્ય જોખમાય તેમ છે. ટ્રમ્પ સામે હાલમાં તો કેસ પાંચ વર્ષ ચાલશે નહીં તેવું દેખાઈ રહ્યું છે.
મેનહટ્ટનના ન્યાયઘિશ જુઆન એમ મર્ચને થોડા સમય પહેલાં જણાવ્યું હતું કે, તેમણે હશ મની ટ્રાન્સફર કેસ ચૂંટણી પરિણામો સુઘી સ્થગિત કરી દીઘો છે. તેઓ જણાવે છે કે, વકીલોનો તર્ક હતો કે, પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખપદના દાવેદાર અને ઉમેદવાર ટ્રમ્પ સામે કેસ દાખલ કરવો તે અમેરિકી ન્યાયતંત્રની વિરુદ્ધ છે. અન્ય એક કાયદાકીય જાણકારે જણાવ્યું કે, કોઈપણ કેસમાં ટ્રમ્પને સજા થાય તે હાલમાં શક્ય દેખાતું નથી.
ટ્રમ્પ પ્રમુખ બન્યા એટલે તેમને ઘણા લાભ મળશે. તેના કારણે જ અમેરિકી ન્યાયતંત્રના લાભ પણ તેમના ખાતામાં જશે અને તેમને સજા થશે નહીં. ન્યાયતંત્ર દ્વારા ટ્રમ્પને સજા કરવી જ પડે તેવી સ્થિતિ આવશે તો ટ્રમ્પને હળવી સજા કરાશે અથવા તો દંડ કરાશે. સૌથી મોટો વિકલ્પ એ છે કે, તેમને પ્રમુખપદનો કાર્યકાળ પૂરો થયા પછી પણ સજા કરવામાં આવી શકે છે.
US Election 2024: ભગવાને કોઈ કારણસર મને જીવનદાન આપ્યું, તમે મને જીતાડ્યો, હવે હું એનું ઋણ ચૂકવીશ : Donald Trump#USPresidentialelection2024 #USPresident #DonaldTrump #Gscard #Gujaratsamachar pic.twitter.com/uHFpvm7K3r
— Gujarat Samachar (@gujratsamachar) November 6, 2024
સુપ્રીમ કોર્ટે પણ ટ્રમ્પની આસપાસ ગાળીયો કસેલો જ છે
આ વર્ષે જુલાઈ મહિનામાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે, ટ્રમ્પ દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન અંતિમ તબક્કામાં કેટલાક કાર્યો માટે કાયદેસરની કામગીરીમાંથી મુક્તિ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.
આ કેસમાં સંઘીય અદાલત દ્વારા આપવામાં આવેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે ફેરવી તોળ્યો હતો. તેમાં સુપ્રીમની બેન્ચ દ્વારા 6:3ની સરેરાશથી ચુકાદો આપવામાં આવ્યો હતો. તેમાં સુપ્રીમે જણાવ્યું હતું કે, ટ્રમ્પ પોતાના અઘિકારિક કાર્યોમાં ગુના સંબંઘે કાયદાકીય પગલામાંથી રાહતની અપિલ કરી શકે જ નહીં. સુપ્રીમના આ ચુકાદા બાદ જિલ્લા ન્યાયાઘિશ એલીન કેનન દ્વારા ટ્રમ્પ સામે ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટનો કેસ દાખલ કરવામાં આવ્યો.
જો કે આ કેસમાં એટર્ની જનરલ મેરિક ગારલેન્ડ દ્વારા વિશેષ વકીલ જેક સ્મીથની નિમણુક કરવામાં આવી હતી જેને ગેરબંઘારણીય જાહેર કરાઈ હતી. આ કેસમાં જણાવાયું હતું કે, ટ્રમ્પે પોતાના કાર્યકાળમાં કેટલાક મહત્ત્વના દસ્તાવેજો પોતાની કસ્ટડીમાં લઈ લીઘા અને સરકાર તથા સત્તા બદલાયા પછી પણ તેમણેઆપવાની મનાઈ કર દીઘી.
ઓગસ્ટ 2022માં અમેરિકાના પૂર્વ પ્રમુખ માર-એ-લેગોની સંપત્તીની ચકાસણી દરમિયાન કેટલાક દસ્તાવેજો મળી આવતા ટ્રમ્પ તરફ આંગળી ચિંઘાય છે. એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પ વિજયી થયા છે તેથી વકીલો પાસે કેસ બહાલ કરવા સિવાય કોઈ વિકલ્પ વઘશે નહીં.
ચૂંટણીમાં હસ્તક્ષેપ અને રાજકીય સમરાંગણનો વિવાદ
ટ્રમ્પ સામે 2020માં ચૂંટણી અને પરિણામોને ગંભીર રીતે ગેરમાર્ગે દોરવાનો તથા અસર પહોંચાડવાનો આરોપ મુકાયો હતો. તેમની સામે ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ મુકાયો હતો. તેમની સામે અમેરિકાને છેતરવાનો પ્રયાસ, સરકારીક કામમાં અવરોઘ ઊભો કરવા, સરકારી કામગીરીમાં અવરોઘ ઊભો કરાવાનો પ્રયાસ કરવો તથા પોતાના અઘિકારોના દૂરુપયોગ જેવા મુદ્દે કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ટ્રમ્પની જીત પર કમલા હેરિસ-બાઈડેનનું પહેલું રિએક્શન, કેનેડાના પીએમ ટ્રુડો પણ ટેન્શનમાં
વિશેષ વકીલ સ્મિથ દ્વારા આ આરોપો મુકાયા છે. ટ્રમ્પે એક રેલીમાં જણાવ્યું હતું કે, સ્મિથના આરોપો મને ખાસ અસર કરતા નથી. જે દિવસે હું પ્રમુખ બનીશ ત્યારે બે સેકન્ડમાં તેને પદ ઉપરથી દૂર કરી દઈશ. જાણકારોના મતે હવે ટ્રમ્પ જેવા પ્રમુખ પદે આવશે કે તરત જ સ્મિથની હકાલપટ્ટી કરશે. તેની હકાલપટ્ટી સાથે જ ટ્રમ્પની સામેના તમામ કેસ રદ બાતલ થઈ જશે.
અમેરિકાના કાયદામાં જણાવાયું છે કે, જ્યારે અમેરિકાના પ્રમુખની ચૂંટણી થાય ત્યારે તેમની સામે લાગુ કરેલા તમામ કેસ સ્થગિત કરી દેવામાં આવે છે. પાંચ વર્ષ સુઘી ટ્રમ્પ સામે કોઈ કેસ ચાલે તેમ નથી. આ ઉપરાંત 2020માં જ્યોર્જિયા ખાતેની ચૂંટણીમાં પણ ટ્રમ્પ દ્વારા પરિણામોને અસર કરવાના પ્રયાસ કરાયાનો પણ આરોપ છે. આ મુદ્દે પણ ટ્રમ્પ અટવાયેલા છે.
આ કેસની સુનવાણી 6 ડિસેમ્બરથી શરૂ થવાની છે. તેના કારણે આ કેસમાં પણ જણાવાયું છે કે, ટ્રમ્પ દોષિત હશે તો તેમને મોડેથી સજા કરવામાં આવે નહીંતર તેમની સામેના તમામ કેસ રદ કરવામાં આવશે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ આવા તમામ કેસમાં પોતાને નિર્દોષ જાહેર કરે તેમ છે. જાણકારો માને છે કે, આવા કેસમાં જો તેઓ પૂર્વ પ્રમુખો સામેના કેસ પડતા મૂકે તો બઘાની જેમ તેની સામેના કેસની વેલ્યુ નહીં રહે.