ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા જ મિડલ ઈસ્ટમાં હડકંપ, એક નિવેદને આગમાં ઘી હોમવાનું કામ કર્યું
Trump Involvement in Israel-Iran War: મિડલ ઈસ્ટ યુદ્ધ હોય કે રશિયા-યુક્રેન... દુનિયા હાલ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી ચુક્યા છે કે, તે યુદ્ધ ખતમ કરવાના પક્ષમાં છે. ભલે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હોય કે, યુદ્ધ ખતમ થઈ જાય, પરંતુ શાંતિ પહેલાં તે તબાહીનું દ્રશ્ય જોવા ઈચ્છે છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધને લઈને તેમના ઈરાદા સ્પષ્ટ છે કે, તે બાઇડેન કરતાં પણ વધારે ખતરનાક સાબિત થશે. જોકે, તેઓ આ બધું રાષ્ટ્ર પ્રમુખ પદના શપથ લેતાં પહેલાં જ ઈચ્છે છે. જી હાં, ડોનાલ્ડ ટ્રમ્પના એડવાઇઝર માઇક ઇવાન્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ આવનાર 8 અઠવાડિયા એટલે કે, રાષ્ટ્ર પ્રમુખના શપથ ગ્રહણ સમારોહ પહેલાં જ આ મામલાને થાળે પાડવા માગે છે.
આ રીતે યુદ્ધ હંમેશા માટે ખતમ થઈ જશે?
એક ઈન્ટરવ્યુ દરમિયાન માઇક ઇવાન્સે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે, ઈઝરાયલ-ઈરાનની તેલ સુવિધા અને શિપિંગ કમેંટનરો પર હુમલો કરી દે. તેનાથી ઇસ્લામિક શાસન એટલે કે, ઈરાન નાદાર થઈ જશે અને યુદ્ધ હંમેશા માટે ખતમ થઈ જશે. ટ્રમ્પના સલાહકાર અનુસાર, ઈરાન પર હુમલો કરવાની આ એક સુવર્ણ તક છે. ઈઝરાયલને આ કામ નવા રાષ્ટ્ર પ્રમુખના શપથ લે તે પહેલાં કરવું પડશે.
આ પણ વાંચોઃ ટ્રમ્પની હત્યાના કાવતરાંનો પર્દાફાશ, સોપારી લેનારા 2ની ધરપકડ, કયા દેશ પર લાગ્યો આરોપ
ટ્રમ્પના સલાહકારનો ચોંકાવનારો દાવો
માઇક ઇવાન્સે ભાર મૂકતા કહ્યું કે, ઈઝરાયલ પાસે નિર્ણાયક કાર્યવાહી કરવા માટે 20 જાન્યુઆરી સુધીનો સમય છે. તેણે ગાઝા અને લેબેનોનમાં શરૂ સંઘર્ષનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'ટ્રમ્પ ઈચ્છે છે કે, ઈઝરાયલ આવનાર આઠ અઠવાડિયામાં જ ઈરાનનું કામ તમામ કરી દે. ઈઝરાયલ સાઉથ અને નૉર્થમાં મામલો સંકેલી શકે છે અને ફરી ધ્યાન ઈરાન પર કેન્દ્રીત કરી શકાય છે.'
ટ્રમ્પના સલાહકારનું માનવું છે કે, ટ્રમ્પનો ટાર્ગેટ છે કે, ઈઝરાયલ 12 જાન્યુઆરી પહેલાં ઈરાનના તેલ સ્થાપનો અને વેપાર કન્ટેનરોને નિશાનો બનાવે. તેનો હેતુ ઈરાનની અર્થવ્યવસ્થાને પાંગળી બનાવવાનો છે.
ટ્રમ્પે આપ્યો સંદેશ?
હવે પ્રશ્ન એ થાય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સીધો આ સંદેશ મળ્યો છે? તો આ સવાલના જવાબમાં ઇવાન્સે કહ્યું, 'મને લાગે છે કે, તે આ તરફ ઈશારો કરી રહ્યાં છે. તેમને ચાર વર્ષ સુધી જાણ્યા બાદ મને પૂરો વિશ્વાસ છે કે ટ્રમ્પ આવું જ ઈચ્છે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલને સુન્ની દેશો સાથે કરાર કરાવવા જેવું મોટું ઈનામ આપશે. હું ક્રાઉન પ્રિન્સને મળ્યો હતો અને હું જાણું છું કે, તે કરાર પર સહી કરવા ઈચ્છે છે. આ અબ્રાહમ કરારનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ હશે.'