Get The App

'નિજ્જર હત્યામાં ભારત સામે નક્કર પુરાવા નથી' ટ્રુડોની આ સ્વીકૃતિથી ભારત ટ્રુડો ઉપર તૂટી પડયું

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
'નિજ્જર હત્યામાં ભારત સામે નક્કર પુરાવા નથી' ટ્રુડોની આ સ્વીકૃતિથી ભારત ટ્રુડો ઉપર તૂટી પડયું 1 - image


- કેનેડાની સંસદની વિદેશી બાબતો અંગેની સમિતિ સમક્ષ આપેલા નિવેદનમાં સઘન પૂછપરછ દરમિયાન ટ્રુડોને આ સ્વીકારવું પડયું હતું

ઓટાવા : કેનેડાની વિદેશ બાબતો અંગેની સમિતિ સમક્ષ બુધવારે આપેલા નિવેદનમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું હતું કે તેમની સરકારને આ અંગે ગુપ્ત માહિતી જ મળી હતી પરંતુ તેમની પાસે કોઈ નક્કર પુરાવા નથી.

ટ્રુડોની આ કબુલાત પછી ભારતના વિદેશ મંત્રાલયે તે જ દિવસે મોડી રાત્રીએ પોતાના પ્રતિભાવો આપતાં કહ્યું હતું કે, હજી તો અમે માત્ર આટલું જ સાંભળ્યું છે. આ પછી ગુરુવારે આપેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે પહેલેથી જ સતત કહી રહ્યા છીએ કે, કેનેડાએ તે (હરદીપ સિંઘ હત્યા) કેસમાં કોઈ નક્કર પુરાવા આપ્યા નથી. હવે કેનેડાના વડાપ્રધાને જ સ્વીકાર્યું છે કે તેમની પાસે (હરદીપ સિંઘ હત્યાના) કોઈ નક્કર પુરાવા નથી. તેથી અમે પહેલેથી જ જે કંઈ કહી રહ્યા હતા તે કથનો હવે સત્ય સાબિત થયા છે.

હરદીપ સિંઘ નિજ્જરની હત્યા અંગે કેનેડાએ ભારત સરકાર અને કેનેડા સ્થિત ભારતીય દૂતાવાસના કર્મચારીઓની સંડોવણીના આક્ષેપો મુકયા હતા તે સર્વ વિદિત છે.

આ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે ગુરુવારે પત્રકાર પરિષદમાં જસ્ટિન ટ્રુડોના તે નિવેદન અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, 'અમે આજે જે સાંભળ્યું તે અમે જે પહેલેથી જ કહી રહ્યા હતા કે, કેનેડાએ તે અંગે કોઈ નક્કર પુરાવા આપ્યા નથી. તે આક્ષેપોને તે સાચા ઠરાવે છે. તેમણે તો ભારત સરકાર અને ભારતના રાજદ્વારીઓ ઉપર સીધા જ આક્ષેપો કર્યા છે. માટે ઘોડેસ્વારી યોદ્ધાની જેવી વર્તણુક કરવાથી ટ્રુડોએ ભારતની પ્રતિષ્ઠાને જે નુકસાન કર્યું છે તેની તમામ જવાબદારી તેમની એકલાની ઉપર જ છે.

આમ છતાં પોતાની વાત વાળી નાખતાં ટ્રુડોએ કહ્યું હતું કે, ભારતીય દૂતાવાસના કર્મચારીઓ જેઓ નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ હોય તેવા તમામની માહિતી તેઓ એકત્રિત કરી પછી દિલ્હી-ભારત સરકારને મોકલી આપે છે જે સીધી ઉચ્ચતમ સ્તરે પહોંચે છે.

સહજ રીતે જ ભારત સરકારે ટ્રુડોના આ આક્ષેપોને પણ ફગાવી દીધા છે.


Google NewsGoogle News