VIDEO: ફિલિપાઇન્સમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, 26 મોત, પૂર-ભૂસ્ખલનને પગલે દોઢ લાખ લોકો પર મુસીબત
Philippines Tropical Storm Trami : ફિલિપાઇન્સમાં ટ્રામી વાવાઝોડું ત્રાટકતા ભારે વિનાશ થયો છે. તોફાનના કારણે ઓછામાં ઓછા 26 લોકોના મોત અને દોઢ લાખ લોકોએ પોતાનું ઘર છોડવાની નોબત આવી છે. વાવાઝોડાના કારણે મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની છે. પૂરના કારણે રસ્તાઓ પર કારો વહી છે, તો બીજી તરફ સરકારે તમામ શાળાઓ અને કૉલેજો બંધ કરવાની જાહેરાત કરી છે.
પાણીમાં ડૂબી જવાના કારણે અનેકના મોત
પૂર્વોત્તર પ્રાંતમાં વાવાઝોડું ટ્રામી લેન્ડફોલ થયા બાદ ફિલિપાઇન્સમાં ભારે જાનહાની સર્જાઈ છે. લાખો લોકોને બચાવવા માટે આજે બીજા દિવસે પણ પૂરજોશમાં અભિયાન ચાલી રહ્યું છે. ઘરની છત પર ભરાયેલા અનેક લોકોને બચાવવા માટે બોટનો સહારો લેવામાં આવ્યો છે. પૂર અને ભૂસ્ખલનની સૌથી વધુ અસર બિકોલ વિસ્તારમાં થઈ છે. અહીં અનેક સ્થળો જળમગ્ન થયા છે. મળતા અહેવાલો મુજબ અનેક સ્થળે પાણી ભરાવાથી અને તેમાં ડૂબી જવાના કારણે મોટાભાગના લોકોના મોત થયા છે.
અસરગ્રસ્તો સુધી ભોજન-પાણી પહોંચાડવું પણ મુશ્કેલ
જે વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાયા છે, ત્યાં 1500 પોલીસ કર્મચારીઓ પૂરજોશમાં રાહત અને બચાવની કામગીરી કરી રહ્યા છે. પ્રાદેશિક પોલીસ વડા બ્રિગેડિયર આન્દ્રે ડિઝોને કહ્યું કે, ‘ફસાયેલા લોકોની સંખ્યા વધુ છે, તેથી એક વખતમાં તમામને બચાવી લેવા અસંભવ છે. અમને વધારાની બોટની જરૂર છે. પ્રભાવિત લોકોને તાત્કાલિક બહાર કાઢવા મુશ્કેલ છે. અમે અસરગ્રસ્ત લોકો સુધી ભોજન અને પાણી કેવી રીતે પહોંચાડવું, તે અંગે વિચાર કરી રહ્યા છીએ.’
અધિકારીઓએ કહ્યું કે, હજુ પણ હવામાનની સ્થિતિ અત્યંત ખરાબ છે અને તેના કારણે રાહત અને બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે.
ફિલિપાઇન્સમાં એક વર્ષમાં 20 વાવાઝોડા
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત સપ્ટેમ્બરમાં યાગી વાવાઝોડાએ ફિલિપાઇન્સમાં તબાહી મચાવી હતી. ફિલિપાઇન્સમાં દર ઉનાળામાં લગભગ 20 વાવાઝોડા આવે છે. 2013માં હૈયાન વાવાઝોડાના કારણે 7300થી વધુ લોકોના મોત થયા હતા અને અનેક ગામો નષ્ટ થઈ ગયા હતા.