બાંગ્લાદેશીઓનો બહિષ્કાર! હોસ્પિટલ બાદ હવે આ રાજ્યની હોટેલ-રેસ્ટોરાંમાં પણ 'નો એન્ટ્રી'
Hotels Wont Serve Bangladeshis: બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર આવ્યા બાદ હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં, પાડોશી દેશમાં પણ ભારતીય ધ્વજના અપમાનનો મામલો સામે આવ્યો હતો, જેના વિરોધમાં ત્રિપુરાની હોસ્પિટલે બાંગ્લાદેશી નાગરિકોને સારવાર આપવાનો ઇનકાર કર્યો હતો. હવે રાજ્ય હોટેલ અને રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિએશન (ATROA) પણ આ બહિષ્કાર આંદોલનમાં જોડાઈ ગયું છે અને બાંગ્લાદેશી મહેમાનોને રૂમ ન આપવા અને ભોજન ન આપવાની જાહેરાત કરી છે.
ત્રિપુરાના હોટલ-રેસ્ટોરાં એસોસિએશનનો નિર્ણય
એસોસિયેશનના જનરલ સેક્રેટરી સૈકત બંદ્યોપાધ્યાયનું કહેવું છે કે સોમવારે મળેલી ઈમરજન્સી મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, 'ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને બધા ધર્મનું સન્માન કરે છે. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના એક વર્ગ દ્વારા આપણા રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે અને લઘુમતીઓને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી છે. પરંતુ હવે તેઓએ હદ વટાવી દીધી છે.'
બંદ્યોપાધ્યાયએ વધુમાં કહ્યું હતુ કે, 'બાંગ્લાદેશની હાલની સ્થિતિ ચિંતાજનક છે. અમે ત્રિપુરામાં આવતા દરેક મહેમાનની સેવા કરીએ છીએ. પરંતુ અમે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો સાથે કરવામાં આવતા વ્યવહારની નિંદા પણ કરીએ છીએ.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુ સંતને ન મળ્યો વકીલ, હવે એક મહિના સુધી જેલમાં રહેશે ચિન્મય દાસ
ત્રિપુરાની હોસ્પિટલમાં સારવારનો ઇનકાર
હોટલ અને રેસ્ટોરન્ટમાં બાંગ્લાદેશી નાગરિકોને રૂમ ન આપવા અને ભોજન ન આપવાના નિર્ણય પહેલા રાજ્યની મલ્ટી-સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલે પણ પડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર સામે કડક પગલું ભર્યું હતું. જે અંતર્ગત હોસ્પિટલે બાંગ્લાદેશના કોઈપણ દર્દીની સારવાર નહીં કરવાની જાહેરાત કરી હતી. આ હોસ્પિટલ બાંગ્લાદેશી દર્દીઓ માટે ખૂબ જ લોકપ્રિય છે કારણ કે તે અનુકૂળ અને સસ્તું છે.
કોલકાતામાં પણ બાંગ્લાદેશીઓની સારવારનો ઇનકાર
માત્ર ત્રિપુરા જ નહીં, તાજેતરમાં જ કોલકાતાના ઉત્તરીય ભાગ માનિકતલામાં સ્થિત હોસ્પિટલે પણ બાંગ્લાદેશી દર્દીઓને સારવાર આપવાનો ઇનકાર કર્યો હતો. કોલકાતાની હોસ્પિટલના અધિકારી એ કહ્યું હતું કે, 'અમે બાંગ્લાદેશી દર્દીઓની સારવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે, ભારતે બાંગ્લાદેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ તેમ છતાં આપણે ત્યાંથી ભારત વિરોધી ભાવનાઓનો સામનો કરવો પડે છે.'