50 જિંદગીઓ લઈને ડૂબી હોડી, 40 લોકોને બચાવાયા: કોંગોમાં મોટી દુર્ઘટના
Congo Boat Accident: આફ્રિકન દેશ કોંગોમાં ગુરુવારે (3 ઓક્ટોબર) મોટી દુર્ઘટના ઘટી છે. અહીં પ્રખ્યાત કિવુ તળાવમાં લગભગ 200 જેટલા લોકો સાથે સવાર એક બોટ ડૂબી ગઇ હતી. આ દુઃખદ ઘટનામાં 50 લોકોના મોત થયા છે અને 40 લોકોને બચાવી લેવાયા છે. મીડિયા અહેવાલ મુજબ, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બોટમાં અંદાજે 200 જેટલા લોકો સવાર હતા. જો કે, સવાર લોકોની ચોક્કસ સંખ્યા સામે આવી નથી.
50ના મોત, 23 મૃતદેહ મળ્યા
આ ભયંકર દુર્ઘટનામાં આશરે 50 જેટલા લોકોના મોત થયા હોવાનું અહેવાલ છે, જેમાંથી હાલ 23 મૃતદેહ મળી આવ્યા છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં દક્ષિણ આફ્રિકા વિકાસ સમુદાય (SADC) મિશનના વડા કર્નલ મોલાટેલો મોટાઉએ ગુરુવારે (3 ઓક્ટોબર) જણાવ્યું કે કિવુ તળાવ પર બોટ ડૂબી જવાની ઘટનામાં 23 મૃતદેહ મળી આવ્યા છે, 40 લોકોને બચાવી લેવાયા છે આ ઉપરાંત ઘૂમ થયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ આફ્રિકામાં નવા ઘાતક વાયરસનો આતંક, કોરોના કરતાં પણ 10 ગણો ખતરનાક હોવાનો દાવો
તંત્રએ માહિતી આપી
મીડિયા અહેવાલ મુજબ, સ્થાનિક તંત્રએ આ દુર્ઘટના અંગે માહિતી આપી છે કે, બોટ પર 45 પુરુષ અને 35 મહિલા યાત્રીઓ તરીકે નોંધાયેલા હતા. જો કે, આ આંકડા નિશ્ચિત નથી અમારી જાણકારી મુજબ બોટ પર મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા જેના કારણે દુર્ઘટના ઘટી છે. હાલ બોટ પર સવાર યાત્રીઓની ઓળખ કે વય અંગે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી છે, પરંતુ હાલ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં બચી ગયેલા પીડિતોએ જણાવ્યું કે, બોટ પર આશરે 200 જેટલા લોકો સવાર હતા.