ખેડૂતોને લઇ જતી બોટ પલટી, 64 નાં મોતની આશંકાથી ખળભળાટ, નાઈજિરિયામાં મોટી દુર્ઘટના
Nigiria Boat Accident | નાઈજિરિયાના જમફારામાં શનિવારે એક નદીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ખેડૂતોથી ભરેલી બોટ પલટી ખાઈ જતાં લગભગ 64 લોકો મૃત્યુ પામી ગયાની આશંકા સેવાઈ રહી છે. ખેડૂતોથી ભરેલી આ બોટ ખેતરો તરફ જઇ રહી હતી અને અચાનક જ આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી મળી રહી છે.
કેવી રીતે ઘટી ઘટના?
સ્થાનિક અધિકારીઓએ કહ્યું હતું કે શનિવારે સવારે ગુમ્મી શહેર પાસે 70 ખેડૂતોને તેમના ખેતરમાં છોડવા જઈ રહેલી લાકડાની બોટ અચાનક પલટી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી માટે રહેવાસીઓને બોલાવ્યા હતા અને ત્રણ કલાક પછી 6 લોકોને જ બચાવી શકાયા હતા. બાકીના ડૂબી ગયા હતા. ગુમ્મી વિસ્તારમાં બોટ ડૂબવાની આ બીજી ઘટના હતી.
સ્થાનિક અધિકારીએ શું કહ્યું?
એક સ્થાનિક અધિકારી અમીન નૂહુ ફલાહેએ કહ્યું કે રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. ડૂબી ગયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કે 900થી વધુ ખેડૂતોએ તેમના ખેતર સુધી પહોંચવા માટે દરરોજ નદી પાર કરવી પડી છે પણ એના માટે બે જ બોટની વ્યવસ્થા છે જેમાં અનેકવાર જરૂર કરતાં વધારે ભીડ વધી જાય છે. જમફારા રાજ્ય જે પહેલાથી જ ખનીજ સંસાધનો પર નિયંત્રણ ઇચ્છતા બદમાશોની ગેંગથી ત્રસ્ત છે તે આ વખતે ભારે વરસાદને કારણે આવેલા પૂરથી પણ પ્રભાવિત થયું હતું.