Get The App

ટ્રેડ વોર 2.0 : અમેરિકાના કોલસા-એલએનજી પર ચીનનો 15 ટકા ટેરિફ

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
ટ્રેડ વોર 2.0 : અમેરિકાના કોલસા-એલએનજી પર ચીનનો 15 ટકા ટેરિફ 1 - image


- ટ્રમ્પ પ્રથમ કાર્યકાળમાં પણ ચીન સાથે ટ્રેડ વોરમાં ઉતર્યા હતા

- અમેરિકાના ક્રૂડ ઓઈલ, મોટી ડિસ્પ્લેસમેન્ટ કાર, કૃષિ મશીનરી પર 10 ટકા ટેરિફ લાદવાની ચીનની જાહેરાત 

બેઈજિંગ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ કાર્યકાળમાં ચીન સાથે ટ્રેડ વોરના મંડાણ કર્યા હતા, જે હવે ચાર વર્ષના વિરામ બાદ ફરી એક વખત શરૂ થઈ છે. અમેરિકા અને ચીનની ટ્રેડવોરના બીજા ભાગમાં ટ્રમ્પે ચીન પર ૧૦ ટકા ટેરિફ લાદ્યા છે ત્યારે ટ્રમ્પ સામે ઝુકવાના બદલે ચીને અમેરિકાના અનેક ઉત્પાદનો પર ૧૫ ટકા સુધીના વળતા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં ચીને અમેરિકાની ટેક્નોલોજી જાયન્ટ ગૂગલ સામે એન્ટી-ટ્રસ્ટ તપાસ શરૂ કરવાની પણ જાહેરાત કરી દીધી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની શરૂઆતમાં જ પડોશી દેશો મેક્સિકો અને કેનેડા તેમજ ચીન સામે ટેરિફ વોર શરૂ કરી હતી. ટ્રમ્પે શનિવારે પડોશી દેશો પર ૨૫ ટકા જ્યારે ચીન પર ૧૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. પરંતુ કેનેડા અને મેક્સિકો પર મંગળવારથી અમલમાં આવનારા ટેરિફને એક મહિના માટે મુલતવી રાખ્યા છે જ્યારે ચીન પરના ૧૦ ટકા ટેરિફ અંગે હજુ પણ અસ્પષ્ટતા છે. ટ્રમ્પ ટૂંક સમયમાં જ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે વાત કરશે ત્યાર પછી ટેરિફના અમલ અંગેની સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે. 

જોકે, આ પહેલાં જ ચીને વળતા જવાબરૂપે અમેરિકન સામાનો પર ૧૦થી ૧૫ ટકા સુધીના ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ચીન સરકારે અમેરિકાથી આયાત થતા કોલસા અને એલએનજીના ઉત્પાદનો ઉપર ૧૫ ટકા ટેરિફ જ્યારે ક્રૂડ ઓઈલ, કૃષિ મશીનરી, મોટી ડિસ્પ્લેસમેન્ટ કાર પર ૧૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સાથે ચીને કેટલાક અગ્રણી ખનીજોની નિકાસ પર પણ નિયંત્રણ લગાવ્યા છે. બેઈજિંગના ટેરિફ લગાવવાથી ચીનમાં અમેરિકાથી આવતી મોટી કાર, પીકઅપ ટ્રક, એલએનજી, ક્રૂડ ઓઈલ અને કૃષિના મશીનોની આયાત પર અસર પડશે. 

ચીને અમેરિકાની ટેક્નોલોજી જાયન્ટ ગૂગલ અને કેટલીક અમેરિકન કંપનીઓની પણ તપાસ શરૂ કરી છે. ચીને ગૂગલ વિરુદ્ધ એન્ટી-ટ્રસ્ટ તપાસ શરૂ કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે ટંગસ્ટન, ટેલ્યુરિયમ, બિસ્મથ, મોલિબ્ડેનમ અને ઈન્ડિયમની નિકાસ પર નિયંત્રણો નાંખ્યા છે. ચીને અમેરિકન કપડાંની કંપની પીવીએચ અને બાયોટેક્નોલોજી કંપની ઈલુમિનાને અવિશ્વસનીય કંપનીઓની યાદીમાં નાંખી છે. ચીન સરકારનું કહેવું છે કે આ કંપનીઓએ ચીનના ઉદ્યોગો સાથે સામાન્ય લેવડ-દેવડમાં અવરોધો ઊભા કર્યા છે અને તેમના વિરુદ્ધ ભેદભાવપૂર્ણ ઉપાયો અપનાવ્યા છે.

અમેરિકા અને ચીન દ્વારા એકબીજા પર ટેરિફ લગાવવાથી બંને દેશોમાં વેપારના સ્તર પર તણાવ વધી ગયો છે. તેનાથી આગામી દિવસોમાં અમેરિકા અને ચીન વચ્ચે ફરી એક વખત ટ્રેડ વોર શરૂ થવાની આશંકા છે. રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન પ્રમુખ બન્યા પછી આ તણાવ વધ્યો છે. ટ્રમ્પે તેમના પહેલાં કાર્યકાળમાં ૨૦૧૮માં પણ ચીન સાથે ટ્રેડ વોર શરૂ કરી હતી. તે સમયે પણ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર ટેરિફ લાગુ કરતાં ચીને વળતા જવાબમાં અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદ્યા હતા.

ચીન દુનિયાનો સૌથી મોટો એલએનજી આયાતકાર દેશ છે. જોકે, તે ઓસ્ટ્રેલિયા, કતાર અને મલેશિયાથી એલએનજીની આયાત કરે છે. બીજીબાજુ અમેરિકા દુનિયાનો સૌથી મોટો એલએનજી નિકાસકાર દેશ છે, પરંતુ તેની ચીનમાં નોંધપાત્ર નિકાસ નથી. 

બે અમેરિકન કંપનીઓ પર ચીનમાં મૂડીરોકાણ કરવા પર પ્રતિબંધ

ટ્રમ્પના ટેરિફ સામે વળતાં પગલાંમાં ચીને ગૂગલ સામે એન્ટીટ્રસ્ટ તપાસ શરૂ કરી  

- ચીનમાં ગૂગલની સર્વિસીસ ઉપલબ્ધ નથી પણ સેલ્સ-એડવર્ટાઇઝ બિઝનેસ માટે ઓફિસો રાખી છે 

હોંગકોંગ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરીફ લાદતાં ચીને મંગળવારે સંખ્યાબંધ વળતાં પગલાની જાહેરાત કરી હતી જેમાં ગૂગલ સામે એન્ટીટ્રસ્ટ તપાસ શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે. ચીને યુએસમાંથી આયાત થતી કોલસા,  લિક્વીફાઇડ નેચરલ ગેસ પ્રોડક્ટ્સ અને ક્રુડ ઓઇલ પર ટેરીફ લાદવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત બે અમેરિકન કંપનીઓને અવિશ્વસનીય સંસ્થાઓની યાદીમાં મુકી તેમના પર ચીનમાં મૂડીરોકાણ કરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. 

ગૂગલ સર્ચ એન્જિન, ક્રોમ બ્રાઉઝર અને જી મેઇલ સર્વિસીસ ચીનમાં ઉપલબ્ધ નથી પણ ગૂગલે ચીનમાં તેની હાજરીને જાળવી રાખી છે. ગૂગલ ચીનમાં તેના સેલ્સ અને એડવર્ટાઇઝ બિઝનેસ માટે એન્જિનિયરિંગ કેન્દ્રીત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરેલું છે. ચીનના બિજિંગ, શાંઘાઇ અને શેન્ઝેન શહેરમાં ગૂગલની ઓફિસો આવેલી છે. ગૂગલ ક્લાઉડ અને કસ્ટમર  સોલ્યુશન્સ સહિતની સેવાઓ માટે કર્મચારીઓ પણ રાખેલાં છે. 

ચીનના સ્ટેટ એડિમિનિસ્ટ્રેશન ફોર માર્કેટ રેગ્યુલેશન દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું કે તેઓ એન્ટીટ્રસ્ટ કાયદાના ભંગ કરવાની શંકાને પગલે ગૂગલ સામે તપાસ કરી રહ્યા છે. તપાસ બાબતે વધારે વિગતો અપાઇ નહોતી પણ ટ્રમ્પે દસ ટકા ટેરીફ લાદવાની જાહેરાત કરી તે પછી મિનિટોમાં જ આ જાહેરાત કરાઇ હતી. 

૨૦૧૯માં યુએસના સુરક્ષા બાબતે જોખમી વ્યક્તિ, કંપની અને સંગઠનોની યાદીમાં મુકવામાં આવ્યા બાદ હુવાઇ કંપનીએ તેની હાર્મની ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી હતી. આ યાદીમાં મુકાવાને પગલે ગૂગલ સહિતની કંપનીઓ સાથે તેના બિઝનેસને અટકાવવામાં આવ્યો હતો. જાણકારોના મતે એન્ડ્રોઇડ બિઝનેસ પર ગૂગલના પ્રભૂત્વ બાબતે ચીન તપાસ કરે તેવી શક્યતા વધારે છે. બજાર પર પોતાના પ્રભૂત્વનો દુરૂપયોગ કરવા બદલ યુરોપિયન યુનિયન, દક્ષિણ કોરિયા, રશિયા, ભારત અને તુર્કીમાં પણ ગૂગલ સામે એન્ટી ટ્રસ્ટ કાયદાનો ભંગ કરવાનો આક્ષેપ થયેલાં છે. 


Google NewsGoogle News