ઈજિપ્તમાં 44 પેસેન્જરને લઈ જતી સબમરિન ડૂબી, છ લોકોના મોત, 29નો આબાદ બચાવ
Tourist Submarine sank in the Red Sea: ઈજિપ્તના હર્ગહાડા શહેરમાં રાતા સમુદ્રના કિનારે આજે એક ટુરિસ્ટ સબમરીન ડૂબી ગઈ છે. આ ભયાવહ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત અને નવ ઘાયલ થવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના બાદ આશરે 29 લોકોને બચાવવામાં આવ્યા છે. જેમાં ચાર ગંભીર રૂપે ઘાયલ છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજિપ્તના હર્ગહાડા શહેરના તટ પર અચાનક પાણીમાં ગરકાવ થયેલી આ ટુરિસ્ટ સબમરીનનું નામ સિંદબાદ હતું. જેમાં 44 લોકો સવાર હતા.
21 એમ્બ્યુલન્સ તૈનાત
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં ઘાયલોને તુરંત હોસ્પિટલ પહોંચાડવા માટે 21 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. સિંદબાદ સબમરીનમાં કુલ 44 પેસેન્જર જુદા-જુદા દેશના હતાં. જે ઈજિપ્તના રાતા સમુદ્રની ઊંડાઈમાં કોરલ રિફ્સ અને ટ્રોપિકલ માછલીઓ નિહાળવા માટે આવ્યા હતા. આ ટુરિસ્ટ સબમરિન સમુદ્રમાં 72 ફૂટની ઊંડાઈ સુધી જઈ શકે છે. પરંતુ કોઈ અજાણ્યા કારણોવશ તે પાણીમાં ગરકાવ થઈ હતી. પ્રારંભિક ધોરણે મિકેનિકલ ખામીના કારણે સબમરીન ડૂબી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. વધુ તપાસ ચાલુ છે.
ચાર મહિના પહેલાં યાટ ડૂબી હતી
ચાર મહિના પહેલાં રાતા સમુદ્રમાં ટુરિસ્ટ યાટ ડૂબી હતી. તે સમયે પણ સ્થાનિક સત્તાધીશોએ દરિયામાં કરંટ વધ્યો હોવાની ચેતવણી આપી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો ડૂબ્યા હતા. જ્યારે 33ને બચાવી લેવામાં આવ્યા હતા.