Get The App

અમેરિકામાં ભારે વરસાદ સાથે વાવાઝોડાએ તબાહી મચાવી, બે લાખ ઘરોમાં વીજળી ડૂલ, 6ના મોત

Updated: Apr 4th, 2025


Google News
Google News
અમેરિકામાં ભારે વરસાદ સાથે વાવાઝોડાએ તબાહી મચાવી, બે લાખ ઘરોમાં વીજળી ડૂલ, 6ના મોત 1 - image


- સાઉથ અને મીડવેસ્ટમાં બે લાખથી વધુ ઘરોમાં વાવાઝોડાંથી વીજળીગુલ

- આગામી ચાર દિવસમાં બાર ઇંચ વરસાદ પડવાની નેશનલ વેધર સર્વિસની આગાહી, નવ કરોડ અમેરિકન્સ પર તોફાનની અસર

USA Storm News | અમેરિકાના સાઉથ અને મીડવેસ્ટ વિસ્તારમાં જોરદાર પવન અને વરસાદ સાથે ડઝનબંધ ટોર્નેડો ત્રાટકતાં છનાં મોત થયા છે અને ઘણાં લોકોને ઇજા થઇ હતી. વાવાઝોડાને કારણે બે  લાખ ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી અને સંખ્યાબંધ ઘરોના છાપરાં હવામાં ઉડી ગયા હતા. 



અનેક કાર્સ પણ વાવાઝોડાંમાં ગડથોલિયા ખાતી દેખાઇ હતી. આરાકાન્સાસ, ઇલિનોય, ઇન્ડિયાના, મિસુરી અને મિસિસિપી પર ડઝનબંધ ટોર્નેડો અને વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી જારી કરવામાં આવી હતી. આગામી ચાર દિવસમાં સાઉથ અને મીડ વેસ્ટ ઇલાકામાં ભારે બાર ઇંચ જેટલો વરસાદ થવાની અને પૂરના પાણી ફરી વળવાની આગાહી નેશનલ વેધર સર્વિસ દ્વારા કરવામાં આવી છે. ત્રીસ વર્ષના ઇતિહાસમાં ફૂંકયેલું આ અભૂતપૂર્વ વાવાઝોડું છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. 

નેશનલ વેધર સર્વિસ સાથે કામ કરતીં હવામાનશાસ્ત્રી ચેલી અમીને જણાવ્યું હતું કે આરાકાન્સાસમાં બ્લિથવિલેમાં ટોર્નેડો ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ટોર્નેડોને કારણે ધૂળની ડમરીઓ 20000 ફૂટની ઉંચાઇ સુધી ફુંકાઇ હતી. સાંજે આરાકાન્સાસમાં હેરિસબર્ગ ખાતે પણ ટોર્નેડો ત્રાટક્યો હતો. ટોર્નેડોને કારણે બાવીસ કાઉન્ટીઓમાં પૂર આવવાને કારણે મોટું નુકશાન થયું હતું અને ચાર જણને ઇજા થઇ હતી. કેન્ટુકીમાં જેફરસનટાઉન ખાતે બુધવારે રાત્રે ટોર્નેડો ત્રાટક્યો હતો.



 કેન્ટુકીમાં ટોર્નડોમાં ઉડેલો માલસામાન ચર્ચ પર ત્રાટકતાં ચાર જણાંને ઇજા થઇ હતી. ઇન્ડિયાનામાં પણ એક ગોદામનો હિસ્સો તુટી પડયો હતો. મિસુરીમાં પાઇલટ ગ્રોવ ખાતે વાવાઝોડાંને કારણે વીજળીના થાંભલાઓ વળી ગયા હતા અને કારો ગડથોલિયા ખાતી જોવા મળી હતી. નેવાડામાં પણ શહેરની આસપાસના વિસ્તારોમાં સવારે વાવાઝોડાંની અસર જોવા મળી હતી. 

ઓક્લોહામામાં પણ ઓવાસો શહેરમાં ટોર્નેડો ત્રાટકતાં સંખ્યાબંધ ઘરોના છાપરાંઓ ઉડી ગયા હતા તથા વીજળીના થાંભલાઓ તથા વૃક્ષો તુટી પડયા હતા. 

આરાકાન્સાસ, મિસિસિપી, મિસુરી, ઇલિનોય, કેન્ટુકી અને ટેનેસીમાં એક લાખ લોકોને વીજળી વિના ચલાવવું પડયું હતું. બુધવારે રાત્રે ઇન્ડિયાનામાં વાવાઝોડું ત્રાટકતાં 182000 ગ્રાહકોનો વીજ પુરવઠો ખંડિત થઇ ગયો હતો. મિસિસિપી, મિસુરી, ઇલિનોય, કેન્ટુકી અને ટેનેસીમાં આશરે અઢી લાખ લોકો હાલ હાઇ રિસ્ક ઝોનમાં ફસાયા છે. આ વિસ્તારોમાં સૌથી શક્તિશાળી ગણાતો ઇએફ -3 ટોર્નડો ત્રાટકવાનું જોખમ છે. 



ઇન્ડિયાનામાં ભારે વરસાદ પડતાં ઘણાં વિસ્તારોમાં પૂરના પાણી કારની બારીની ઉંચાઇ સુધી પહોંચી ગયા હતા. ટેક્સાસ, મિસિસિપી વેલી અને ઓહાયો વેલીમાં પણ શનિવાર સુધી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. મીડલ ટેનેસીમાં પણ આગામી ચાર દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. આગામી સાત દિવસમાં નોર્થ ઇસ્ટર્ન આરાકાન્સાસ,મિસુરી  અને  વેસ્ટર્ન કેન્ટુકીમાં પંદર ઇંચ વરસાદ ત્રાટકશે. તેમાં પણ કેન્ટુકી અને ઇન્ડિયાનાના થોડા વિસ્તારોમાં ભારે પૂર આવવાની આગાહી વેધર સર્વિસે કરી છે. 

દરમ્યાન મિશિગનમાં બરફનું તોફાન આવતાં 122000 અમેરિકનોના ઘરોની વીજળીગુલ થઇ ગઇ હતી. કેબલ અને ટાવર્સ પરથી બરફના ટુકડા પડતાં હોઇ મિશિગનના લોઅર અને અપર પેનિન્સુલાને સાંકળતાં મેકીનેક પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો. સતત ત્રણ દિવસથી બરફના તોફાનને કારણે પુલના વાહનવ્યવહાર પર અસર થઇ છે. 

Tags :