120 કિ.મી.ની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું, ફ્લોરિડામાં 4 લોકોનાં મોત, 32 લાખ ઘરોમાં વીજળી ડૂલ
Florida Hurricane Miltan News | ફલોરિડાના પશ્ચિમ કાંઠે 33 લાખની વસતી ધરાવતાં ટેમ્પા બે વિસ્તારથી દક્ષિણે 112 કિમીના અંતરે હરિકેન મિલ્ટન ગુરૂવારે સવારે કેટેગરી થ્રી વાવાઝોડાં તરીકે જોરદાર પવન અને વરસાદ સાથે ત્રાટકતાં ત્રણ જણાંના મોત થયા હતા અને 32 લાખ ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી. ગવર્નર રોન સેન્ટિસે હજી દિવસો સુધી પાણીનું સ્તર વધવાથી વિનાશ વધવાની ચેતવણી આપી હતી. કેટલાક વિસ્તારોમાં 18 ઇંચ વરસાદ પડયો હતો અને સારાસોટા કાઉન્ટીમાં આઠથી દસ ફૂટ સુધી પાણીના મોજાં ઉછળ્યા હતા.
આ વાવાઝોડું હાલ ટેમ્પાને બદલે સહેજ ફંટાઇને ફૂંકાતા પવનો સાથે હિલ્સ બોરો, પાઇનેલાસ અને સારાસોટા કાઉન્ટી પર ત્રાટકતાં લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરાઇ હતી. રોડ પર વૃક્ષો તુટી પડતાં, પુલો બંધ થઇ જતાં અને વીજળીના તારો પાણીમાં હોવાથી લોકોને કોઇ જોખમ લેવા સામે ચેતવણી અપાઇ હતી.
ટેમ્પાથી સહેજ દૂર પ્લાન્ટ સિટીમાં પૂરના પાણી ફરી વળ્યા હતા.ઇમરજન્સી ક્રૂ દ્વારા 35 જણાંને બચાવી લેવામાં આવ્યા હતા. સિટી મેનેજર મેકડેનિયલે શહેરમાં 14 ઇંચ વરસાદ પડયો હોવાનું જણાવ્યું હતું. ગવર્નર રોન સેન્ટિસે જણાવ્યું હતું કે ફલોરિડા તથા અન્ય રાજ્યોમાંથી 9000 નેશનલ ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેલિફોર્નિયા જેવા દૂરના રાજ્યોમાંથી પણ 50000 કામદારો તથા હાઇવે પેટ્રોલ કારને તહેનાત કરવામાં આવી છે.
ટેમ્પા અને સેંટ પિટર્સબર્ગમાં 60 ટકા કરતાં વધારે પેટ્રોલ પંપોમાં બુધવારે રાત્રે જ બળતણ ખલાસ થઇ ગયું હતું. ઓરલાન્ડોમાં પ્રવાસીઓના આકર્ષણ વોલ્ટ ડિઝની વર્લ્ડ,યુનિવર્સલ ઓરલાન્ડો તથા સી વર્લ્ડને બંધ રહ્યા હતા. ઘણી જગ્યાએ પવનના જોરને કારણે ક્રેનો ઉંધી વળી ગઇ હતી તથા સેંટ પિટર્સબર્ગમાં પીવાનું પાણી પણ બંધ થઇ ગયું હતું. હવે ગટર વ્યવસ્થા પણ બંધ કરવી પડે તેમ છે.
ફલોરિડાના ઘણાં વિસ્તારોમાં વાવાઝોડાં પૂર્વે જ ભારે વરસાદ પડી રહ્યો હતો અને ફલોરિડાનાઅખાત કાંઠે આખો દિવસ હવામાન ખરાબ રહેવાની આગાહી હરિકેન સેન્ટર દ્વારા કરાઇ હતી. ગુરૂવારે દક્ષિણ ફલોરિડા વિસ્તારમાં મિલ્ટન જમીન પર વીરમે એ પહેલાં જ ભારે વરસાદ અને ટોર્નેડોઅ કાળો કેર વર્તાવ્યો હતો. એવરગ્લેડ અને ઇન્ટરસ્ટેટ ૭૫ પરથી એક ટિવસ્ટર પસાર થયું હતું. બીજો એક ટોર્નેડો ફોર્ટ મેયર્સ વિસ્તારમાં ત્રાટકતાં ગેસ સ્ટેશનનુંં છાપરૂ ઉડી ગયું હતું. ફોર્ટ પિયર્સ નજીક આવેલી ધ સ્પેનિશ લેક્સ કન્ટ્રી કલબને મોટું નુકશાન થયું હતું તથા થોડા રહેવાસીઓ ટોર્નેડોમાં માર્યા ગયા હતા તેમ સેંટ લ્યુસી કાઉન્ટીના શેરિફે જણાવ્યું હતું.
હરિકેન હેલેને પખવાડિયા અગાઉ ફલોરિડામાં વેરેલાં વિનાશમાંથી લોકો હજી ઉભર્યા નથી ત્યાં મિલ્ટન ત્રાટકતા લોકોની હાલત કફોડી બની છે. હેલેન વાવાઝોડામાં 230 લોકોના મોત થયા હતા. ફલોરિડાની 11 કાઉન્ટીઓમાં સત્તાવાળાઓએ ફરજિયાત સ્થળાંતરના આદેશો આપ્યા છે. આ કાઉન્ટીઓમાં 60 લાખ લોકો વસે છે. હેેલેને વેરેલી તારાજીને કારણે સર્જાયેલા ભંગારને દૂર કરવા રાજ્ય અને સ્થાનિક તંત્રો હજી મહેનત કરી રહ્યા છે. હરિકેન મિલ્ટન જમીન પર વીરમ્યા બાદ કેટેગરી ટુ સ્ટોર્મ બની ગયું હતું. ગુરૂવારે વહેલી સવારે તેનું જોર ઘટી જતાં પવનની ઝડપ પણ ઘટીને 135 કિમી થઇ ગઇ હતી.