Get The App

સીરિયામાં ઈરાનની કોન્સ્યુલેટ પર ઈઝરાયલની એર સ્ટ્રાઈક, ઈરાનના ટોચના લશ્કરી અધિકારીના મોતથી ભડકો

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
સીરિયામાં ઈરાનની કોન્સ્યુલેટ પર ઈઝરાયલની એર સ્ટ્રાઈક, ઈરાનના ટોચના લશ્કરી અધિકારીના મોતથી ભડકો 1 - image

Israeli air strike in Syria : ઈઝરાયલે સોમવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં કરેલા હવાઈ હુમલા બાદ મધ્ય પૂર્વમાં ફરી એક વખત ભડકો થયો છે. ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં ઈરાનની કોન્સ્યુલેટ તબાહ થઈ ગઈ છે અને તેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના ટોચના સૈન્ય કમાન્ડર મોહમ્મદ રઝા જાહેદીનું મોત થયું છે. આ દરમિયાન રિવોલ્યુશનરી ગાર્ડના સાત અધિકારીઓ માર્યા ગયા છે.

આ હુમલા બાદ ઈરાન લાલચોળ છે અને તેની સાથે સાથે ઈરાનનુ લેબેનોનમાં સક્રિય જૂથ હિઝબુલ્લાહ પણ ભડક્યું છે અને દુશ્મનને સજા આપવાની જાહેરાતચ કરી છે. અમેરિકન ન્યૂઝ ચેનલે અમેરિકન ગુપ્તચર એજન્સીઓના હવાલાથી કહ્યું છે કે, હુમલામાં માર્યા ગયેલા રઝા જાહેદીએ લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે હિઝબુલ્લાહને હથિયારો પણ સપ્લાય કરતા હતા. અમેરિકાના નાણા મંત્રાલયે 2010માં રઝા જાહેદી પર પ્રતિબંધ મૂક્યો હતો.

રઝા જાહેદી રિવોલ્યુશનરી ગાર્ડના ટોચના અધિકારીઓમાં સામેલ હતા અને તે કુદ્સ ફોર્સનુ નેતૃત્વ કરતા હતા. આ ફોર્સ કટ્ટરવાદી સંગઠનોને મદદ કરતી હોય છે. અમેરિકાએ તો કુદ્સ ફોર્સને પણ વિદેશી આતંકી સંગઠનોની યાદીમાં સામેલ કર્યું છે. આ જ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને અમેરિકાએ ઈરાકમાં ડ્રોન હુમલો કરીને હત્યા કરી હતી. 

રઝા જાહેદી સીરિયાની અસદ સરકાર અને લેબેનોનમાં હિઝબુલ્લાહ સંગઠન વચ્ચે કો ઓર્ડિનેટર તરીકે પણ કામ કરી રહ્યા હતા. સીરિયાની અસદ સરકાર અને ઈરાન વચ્ચે બહુ જૂના અને ઘનિષ્ઠ સબંધો છે. સીરિયામાં વિદ્રોહ શરુ થયા બાદ ઈરાને અસદ સરકારનુ સમર્થન કર્યું હતુ. અસદના સમર્થનમાં ઈરાને હિઝબુલ્લાહના સભ્યોને સીરિયામાં લડવા માટે પણ મોકલ્યા છે. રઝા જાહેદીએ 1980માં ઈરાક સામેના યુદ્ધમાં પણ ભાગ લીધો હતો.


Google NewsGoogle News