દુનિયાનું સૌથી ગરમ શહેર જ્યાં 74 ડિગ્રી સુધી નોંધાયું છે તાપમાન, યાદીમાં કેલિફોર્નિયા પણ સામેલ
Hottest Places: ભારત તેમજ વિશ્વના ઘણા દેશો આ હાલ આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. ભારતના ઘણા રાજ્યોમાં હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે ત્યારે જાણીએ એવી પાંચ જગ્યા વિષે જે ગરમી એટલી તીવ્ર હોય છે કે લોકોના મોત પણ થઈ શકે છે. આ જગ્યાઓ એટલી ગરમ છે કે વ્યક્તિ 10 મિનિટમાં બીમાર પડી શકે છે અથવા થોડા કલાકોમાં મૃત્યુ પામે છે.
સહારા રણ, આફ્રિકા
સૌથી ગરમ સ્થળોમાં આફ્રિકાના સહારા રણનો સમાવેશ થાય છે. ત્યાં સરેરાશ તાપમાન 35 થી 42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે. તેમજ ત્યાં સમગ્ર વર્ષ દરમિયાન 100 મીમીથી ઓછો વરસાદ પડે છે જે નહિવત છે. સહારા રણમાં મહત્તમ તાપમાન 58 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી જાય છે. સહારા એ વિશ્વનું સૌથી મોટું ગરમ રણ છે.
ડેથ વેલી, કેલિફોર્નિયા
કેલિફોર્નિયાની ડેથ વેલી વિશ્વની સૌથી ગરમ જગ્યાઓમાંથી એક છે. મહત્તમ તાપમાનનો રેકોર્ડ અહીં 10 જુલાઈ 1913ના રોજ બન્યો હતો. તે સમયે, ડેથ વેલીમાં ફર્નેસ ક્રીક નામના સ્થળે મહત્તમ તાપમાન 56.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હાલમાં અહીંનું તાપમાન 37 થી 40 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. તેમજ ત્યાં નજીકમાં રણ છે, જ્યાંથી ગરમ પવનો આવે છે. આ ઉપરાંત સૂર્યનો તાપ, ગરમ પવનો તેમજ ખીણના કારણે ડેથ વેલીમાં ઘાતક ગરમી છે.
ફ્લેમિંગ માઉન્ટેન, ચીન
ચીનનો ફ્લેમિંગ માઉન્ટેન ટકલામાકન રણના ઉત્તરીય વિસ્તારમાં આવેલું છે. રેડ સેન્ડસ્ટોન હિલ્સ, જેને ફ્લેમિંગ માઉન્ટેન્સ અથવા હુઓયાન પર્વતો તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શિનજિયાંગ પ્રાંતના તિયાન શાનમાં સ્થિત છે. આ પર્વતની લંબાઈ 100 કિલોમીટર અને પહોળાઈ 5 થી 10 કિલોમીટર છે. ઉનાળા દરમિયાન અહીંનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. એવું કહેવાય છે કે વર્ષ 2008માં આ વિસ્તારમાં 66.8 ડિગ્રી સેલ્સિયસનું રેકોર્ડ તાપમાન પહોંચ્યું હતું.
અલ અઝીઝિયા, લિબિયા
અલ અઝીઝિયાએ લિબિયાના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત એક નાનું શહેર છે. આ વિસ્તારમાં ખૂબ જ ગરમી પડે છે. સામાન્ય રીતે અહીં સૌથી વધુ તાપમાન 35 થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે, પરંતુ 13 સપ્ટેમ્બર, 1922ના રોજ અહીં 58 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પરંતુ બાદમાં વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO)એ વર્ષ 2012માં તેને ખોટું જાહેર કર્યું હતું, કારણ કે તે સમયે આ વિસ્તારમાં તાપમાન માપવાની કોઈ સુવિધા નહોતી. જો કે, આ વિસ્તારમાં તે ખૂબ જ ગરમ છે.
સોનોરન ડેઝર્ટ, યુ.એસ
આ રણ અમેરિકાથી ઉત્તરી મેક્સિકો સુધી ફેલાયેલું છે, ત્યાં ગરમી જીવલેણ છે. આ સાથે અહીં કેક્ટસના છોડ છે જે ખૂબ જ જોખમી છે. આ રણ એરિઝોના રાજ્યમાં આવેલું છે. અહીં સરેરાશ તાપમાન 46.1 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે.