આ છે દુનિયાના ટોપ 10 વેલ કનેક્ટેડ એરપોર્ટ, જુઓ આ યાદીમાં ભારતનું સ્થાન ક્યાં છે...
World’s 10 most well-connected airports: અગાઉના પ્રમાણમાં વિશ્વ હવે પ્રતિદિન નાનુ થતું જાય છે. એનું કારણ છે ઝડપી પરિવહન. આજે હવાઈમાર્ગે મુસાફરી કરીને દુનિયાના કોઈપણ ખૂણે આસાનીથી પહોંચી શકાય છે. અગાઉની સરખામણીમાં દુનિયાના મહાનગરો વચ્ચે કનેક્શન પણ વધારે અને ઝડપી બન્યા છે. તાજેતરમાં 'એરપોર્ટ્સ કાઉન્સિલ ઇન્ટરનેશનલ' (ACI) દ્વારા 'વૈશ્વિક કનેક્ટિવિટી'ના સંદર્ભમાં દુનિયાના મોટા અને જાણીતા well-connected એરપોર્ટ વિશે આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે. ચાલો, એક નજર નાંખીએ એ રસપ્રદ આંકડાઓ પર અને જાણીએ કે કયું એરપોર્ટ કયા ક્રમે બિરાજે છે.
વિશ્વમાં સૌથી સારી કનેક્ટિવિટી ધરાવતું એરપોર્ટ
આખા વિશ્વમાં 309 ડેસ્ટિનેશન્સ(ગંતવ્ય સ્થાનો) સાથે આ લિસ્ટમાં તુર્કી દેશના ઈસ્તંબુલ એરપોર્ટ નંબર વન પર આવે છે. અમેરિકા કે યુરોપના કોઈ દેશના એરપોર્ટને બદલે પહેલા ક્રમે ઈસ્તંબુલ એરપોર્ટનું નામ જોઈને ઘણાને નવાઈ લાગી હશે, પણ આ હકીકત છે.
ઈસ્તંબુલ એરપોર્ટની સિદ્ધિ
ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો ઈસ્તંબુલ એરપોર્ટ અડધું યુરોપમાં તો અડધું એશિયામાં છે. ઉપરાંત એ આફ્રિકાની પણ નજીક છે. એટલે એનું એવું મોકાનું સ્થાન પણ એના પ્રથમ ક્રમાંકે આવવામાં ભાગ ભજવે છે. માત્ર છ વર્ષ પહેલાં 2018માં સ્થપાયેલું હોવાથી આ એરપોર્ટ પ્રમાણમાં નવું કહી શકાય એમ છે.
આ પણ વાંચો: કેનેડાની નવી ઈમિગ્રેશન પોલિસીથી ભારતીયો ચિંતિત, વિદ્યાર્થીઓમાં છેતરાયાની લાગણી પ્રબળ બની
વાર્ષિક 9 કરોડ મુસાફરોનું આવાગમન ધરાવતું આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિશ્વનું સાતમું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. સવલતો અને સજાવટની દૃષ્ટિએ જોઈએ તો વિશ્વના ટોપ ટેન જોવાલાયક એરપોર્ટમાં એને દસમું સ્થાન મળે છે.
બાકીના ક્રમાંકે રહ્યા આ એરપોર્ટ
વિશ્વના well-connected એરપોર્ટના લિસ્ટમાં બીજા અને ત્રીજા ક્રમે યુરોપના બહુ જાણીતા એરપોર્ટ એવા અનુક્રમે ફ્રેન્કફર્ટ એરપોર્ટ (જર્મની – 296 ગંતવ્ય સ્થાન) અને ચાર્લ્સ દ ગોલ એરપોર્ટ (પેરિસ – 282 ગંતવ્ય સ્થાન) આવ્યા છે. ચોથા સ્થાન માટે ટાઇ છે અમેરિકાના શિકાગો શહેરના 'ઓ'હર ઇન્ટરનેશનલ એરપોર્ટ' અને નેધરલેન્ડના એમ્સ્ટર્ડમ શહેરના 'શિફોલ એરપોર્ટ' વચ્ચે. બંને એરપોર્ટ 270 ગંતવ્ય સ્થાન કનેક્ટિવિટી ધરાવે છે. છઠ્ઠા ક્રમે યુનાઈટેડ આરબ અમીરાતનું 'દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ' (269 ગંતવ્ય સ્થાન), સાતમા ક્રમે અમેરિકાના ડલાસ શહેરનું 'ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ' (261 ગંતવ્ય સ્થાન), આઠમા ક્રમે ચીનના શાંઘાઈ શહેરનું 'પુડોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ' (243 ગંતવ્ય સ્થાન), નવમા ક્રમે અમેરિકાના એટલાન્ટા શહેરનું 'હાર્ટ્સફિલ્ડ-જેક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ' (237 ગંતવ્ય સ્થાન) અને દસમા ક્રમે ઈટાલીના રોમ શહેરનું 'લિયોનાર્ડો દા વિન્સી એરપોર્ટ' (234 ગંતવ્ય સ્થાન) રહ્યા છે.
ઇસ્તંબુલ ઉપરાંત યુરોપના ચાર એરપોર્ટ આ ટોપ ટેન લિસ્ટમાં સમાવેશ પામ્યા છે, એનું કારણ એ છે કે યુરોપના એરપોર્ટ ઉત્તર અમેરિકા, એશિયા અને આફ્રિકા જેવા ખંડોને જોડતી વ્યૂહાત્મક કડીનું કામ કરે છે.
આ પણ વાંચો: શું ખરેખર શેતાન હોય છે? સ્કૂલના એસાઇન્મેન્ટમાં પૂછાયેલા વિચિત્ર સવાલો પર વાલીઓ ભડક્યાં
ભારતનું સ્થાન ક્યાં?
ભારતની રાજધાની દિલ્હીના 'ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ'ને આ લિસ્ટમાં 149 ગંતવ્ય સ્થાન સાથે 36 મો ક્રમ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે IGI ને સતત છઠ્ઠી વખત ભારત અને દક્ષિણ એશિયાનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌથી વ્યસ્ત ટોપ ટેનમાં IGIનો સમાવેશ
ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને ક્ષેત્રે IGI એરપોર્ટ 'પ્રીમિયર એવિએશન હબ' તરીકે ઉભરી આવ્યું છે. વર્ષ 2024 માં IGI એરપોર્ટે 13 ટકાની ટ્રાફિક-વૃદ્ધિ હાંસિલ કરી છે. વાર્ષિક 7.37 કરોડ મુસાફરોની આવનજાવન સાથે IGI એરપોર્ટે વિશ્વના 10મા સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકેનું સ્થાન મેળવ્યું છે.
આ એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું એરપોર્ટ
'નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ' કે જેને 'જેવર એરપોર્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. આ એરપોર્ટ વર્ષ 2024ના અંત સુધીમાં કામગીરી માટે તૈયાર થઈ જશે, એવી માહિતી દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી 'જ્યોતિરાદિત્ય સિંધિયા'એ આપી હતી.
સૌથી મોટા ઉડ્ડયન બજારમાં ભારતનું સ્થાન
ઉડ્ડયન મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, ભારત હવે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ક્ષેત્રે મુસાફરોના ટ્રાફિકના સંદર્ભમાં વિશ્વનું પાંચમું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયું છે, અને વર્ષ 2030 સુધીમાં તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર બની જશે.
સતત વિકસતો ઉડ્ડયન ઉદ્યોગ
કોવિડ કાળ પછી હવાઈ મુસાફરીનું પ્રમાણ વધ્યું છે અને સતત વધતું જ જઈ રહ્યું છે. ACI એ પૂર્વાનુમાન લગાવ્યું છે કે 2024 ના અંત સુધીમાં વૈશ્વિક પેસેન્જર ટ્રાફિક 9.7 અબજ સુધી પહોંચી જશે. વિશ્વભરના મોટા એરપોર્ટ વધતાં એર-ટ્રાફિકને સમાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને વિસ્તરણમાં લાગી ગયા છે.