આજે અમેરિકા માટે મહાન દિવસ: FBI ચીફના રાજીનામાં પર ખુશ થયા ટ્રમ્પ, મૂળ ગુજરાતી કાશ પટેલની પીઠ થાબડી
Image Source: Twitter
Donald Trump on FBI Chief's Resignation: અમેરિકામાં પ્રમુખ પદની ખુરશી સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)નું નેતૃત્વ કરવા માટે કાશ પટેલની યોગ્ય પસંદગી ગણાવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, FBIનું નેતૃત્વ કરવા માટે કાશ પટેલ સૌથી યોગ્ય વ્યક્તિ છે. તેઓ દેશમાં ઝડપથી કાયદો-વ્યવસ્થા અને ન્યાયને સ્થાપિત કરશે. આ સાથે જ ટ્રમ્પે ક્રિસ્ટોફર રેના રાજીનામાને અમેરિકા માટે મહાન દિવસ ગણાવ્યો હતો. તેમણે રે વિશે પોતાના દિલની ભડાસ નીકાળી અને કહ્યું કે, તેમના નેતૃત્વમાં FBIએ મારા પર ગેરકાયદેસર રીતે દરોડા પાડ્યા હતા. આ પહેલા રાજીનામું આપતા રે એ કહ્યું હતું કે, હું FBIને વધુ રાજકીય વિવાદોમાં ફસાવવાથી બચાવવા માગું છું. તેમણે આશા વ્યક્ત કરી કે એજન્સી નિષ્પક્ષ અને રાજકારણથી ઉપર રહીને કામ કરશે. FBI ડાયરેક્ટરના રાજીનામા પર યુએસ એટર્ની જનરલ મેરિક ગારલેન્ડનું પણ નિવેદન આવ્યું છે. તેમણે રેના નેતૃત્વની પ્રશંસા કરી હતી. ગારલેન્ડે FBIની સ્વતંત્રતા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, FBIનું સ્વતંત્રતાથી કામ કરવું ન્યાયિક પ્રક્રિયા અને અમેરિકન સ્વતંત્રતાના રક્ષણ માટે જરૂરી છે. તમને જણાવી દઈએ કે, ટ્રમ્પે રે ના સ્થાન પર કાશ પટેલની FBIના ચીફ તરીકે નિમણૂક કરી છે. પટેલ ટ્રમ્પના નજીકના સલાહકાર રહ્યા છે. ટ્રમ્પે પટેલને FBI માટે સૌથી લાયક ઉમેદવાર ગણાવ્યા અને કહ્યું કે તેઓ કાયદો, વ્યવસ્થા અને ન્યાય પરત લાવશે.
ટ્રમ્પે કાશ પટેલના કર્યા વખાણ
આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલની પીઠ થાબડી અને કહ્યું કે, તેઓ પણ આ ફેરફારોને એટલા જ જોવા માગે છે જેટલા જોવા માગું છું, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, અમેરિકન લોકો એક મજબૂત, પરંતુ નિષ્પક્ષ ન્યાય પ્રણાલીની માગ કરી રહ્યા છે. અમે પોતાની FBI પાછી ઈચ્છીએ છીએ, અને હવે એવું થશે. હું કાશ પટેલની રાહ જોઈ રહ્યો છું, જેથી FBIને ફરીથી મહાન બનાવવા માટે કામ શરૂ થઈ શકે.
કોણ છે કાશ પટેલ?
કાશ પટેલ મૂળ ગુજરાતી છે. જોકે તેમનો જન્મ અમેરિકામાં જ થયો હતો. કાયદાનો અભ્યાસ કર્યા બાદ તેમણે વકીલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. 44 વર્ષીય કશ પટેલનું પૂરું નામ કશ્યપ પ્રમોદ પટેલ છે. તેઓ હાઉસ ઈન્ટેલિજન્સ કમિટીના સ્ટાફ મેમ્બર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ તેમને ઘણી જવાબદારીઓ મળી હતી. તેઓ સરંક્ષણ વિભાગમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે કામ કરી ચૂક્યા છે. પટેલ ઘણા વિવાદોમાં પણ રહી ચૂક્યા છે. તેમના પર ટ્રમ્પ વહીવટીતંત્રના રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં NIA ના દરોડા, સાણંદના ચેખલામાંથી એકની અટકાયત
ક્રિસ્ટોફર રે નું રાજીનામાંનું એલાન
આ પહેલા FBIના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ બુધવારે જાહેરાત કરી હતી કે હું ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરે તે પહેલા જાન્યુઆરીમાં રાજીનામું આપી દઈશ. FBI દ્વારા જારી કરવામાં આવેલી ટિપ્પણીઓમાં, રે એ બ્યુરો સ્ટાફને કહ્યું કે, અઠવાડિયાઓ સુધી વિચાર કર્યા બાદ મેં નક્કી કર્યું છે કે બ્યુરો માટે શ્રેષ્ઠ એ જ છે કે હું જાન્યુઆરીમાં વર્તમાન વહીવટના અંત સુધી સેવા આપું અને પછી પદને છોડી દઉ. ટ્રમ્પ 20 જાન્યુઆરીના રોજ પ્રમુખ પદના ગ્રહણ કરશે. ક્રિસ્ટોફર રે ના રાજીનામા પર ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી છે.
આજે અમેરિકા માટે મહાન દિવસ
ક્રિસ્ટોફર રેનું રાજીનામું અમેરિકા માટે એક મહાન દિવસ છે, કારણ કે તેનાથી અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્જસ્ટિસના રૂપમાં ઓળખાતા વેમ્પેનાઈઝેશનનો અંત આવી જશે. હવે અમે તમામ અમેરિકનો માટે કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરીશું. રે ના નેતૃત્વમાં FBI એ કારણ વગર મારા ઘર પર ગેરકાયદેસર દરોડા પાડ્યા હતા, અને મારા પર ગેરકાયદેસર રીતે મહાભિયોગ ચલાવવા અભિયોગ લગાવવા માટે ખંતપૂર્વક કામ કર્યું હતું. આ સાથે જ અમેરિકાના ભવિષ્યને અવરોધવા માટેના તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમણે પોતાની શક્તિઓનો ઉપયોગ ઘણા નિર્દોષ લોકોને ધમકાવવા માટે કર્યો છે, જેમાંથી કેટલાક લોકો ક્યારેય બહાર નથી આવી શક્યા.