ટિક ટોકે વાલીઓની મંજૂરી વગર બાળકોના એકાઉન્ટ ખોલી તેમનો ડેટા ચોર્યો, અમેરિકામાં કેસ દાખલ થયો
TikTok Stole Children's Data In America: અમેરિકન ન્યાય વિભાગે બાળકોની ઓનલાઈન પ્રાઇવસીના કાયદાના કથિત ભંગ બદલ સોશિયલ મીડિયા અગ્રણી ટિકટોક અને તેની મૂળ કંપની બાઈટડાન્સ સામે કેસ દાખલ કર્યો છે. કેલિફોર્નિયા ફેડરલ કોર્ટમાં ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી) સમક્ષ દાખલ કરાયેલા કેસમાં ટિક ટોક પર વાલીઓની મંજૂરી વિના 13 વર્ષથી ઓછી વયના બાળકો પાસેથી અંગત માહિતી એકત્ર કરવાનો, વાલીઓની વિનંતી પછી બાળકોના એકાઉન્ટ રદ કરવામાં નિષ્ફળ જવાનો અને સગીર યુઝર્સનો ડેટા રાખવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ? અમેરિકામાં રહેતા ભારતીયોની પહેલી પસંદ કોણ? જુઓ સર્વેના પરિણામ
બાળકોના ડેટા અન્ય કંપનીઓ સાથે શેર કર્યાનો આરોપ
ટિક ટોકે આ આરોપો જૂની પ્રથા હોવાનું કહીને નકાર્યા હતા અને ડીફોલ્ટ સ્ક્રીન ટાઈમ મર્યાદા તેમજ ફેમિલી પેરિંગ જેવા ફિચર્સ દ્વારા સગીરોને સલામતી પૂરી પાડવાના પ્રયાસ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે, ન્યાય વિભાગે જણાવ્યું કે ટિક ટોકની નીતિઓ અપૂરતી છે જેના કારણે આ પ્લેટફોર્મ પરથી બાળકોના એકાઉન્ટમાંથી માહિતીઓ લીક થાય છે. કેસમાં એવો પણ આરોપ કરાયો છે કે ટિકટોકે બાળકોને વયની ચકાસણી અથવા વાલીઓની મંજૂરી વિના એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપીને તેમની પાસેથી ડેટા મેળવી લીધો હતો. તેને ઓછા સક્રિય વપરાશકારોને ફરી લક્ષ્યાંક બનાવવા ફેસબૂક અને એપ્સફ્લાયર જેવી કંપનીઓ સાથે શેર કર્યો હતો. ન્યાય વિભાગ વધુ ઉલ્લંઘનો નિવારવા દંડ અને પ્રારંભિક મનાઈ હુકમની માગણી કરી રહ્યું છે. આ કેસ બાળકોના ડેટા સંભાળતી સોશિયલ મીડિયા કંપનીઓ પર વ્યાપક ચકાસણીનો હિસ્સો છે.