ભારત બાદ અમેરિકામાં TikTok સત્તાવાર રીતે બંધ, પ્લે સ્ટોર્સથી હટાવાઈ, હવે ટ્રમ્પ પાસે રાહતની આશા
TikTok Banned In US: અમેરિકામાં ટિકટોક (TikTok)એ કામ કરવાનું બંધ કરી દીધું છે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં લોકો હવે આ લોકપ્રિય શોર્ટ-વીડિયો પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. મહિનાઓની કાનૂની લડાઈ પછી શુક્રવારે (17મી જાન્યુઆરી) અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ટિકટોક પર પ્રતિબંધ મૂકવાના કાયદાને મંજૂરી આપી હતી.
ટિકટોક એપ 'પ્લે સ્ટોર' અને 'એપ સ્ટોર'થી હટાવાઈ
ટિકટોકને એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરથી હટાવવામાં આવી છે અને ટિકટોકની અમેરિકન વેબસાઇટ પર વીડિયો નથી ચાલી રહ્યા. આ કાયદા પર ગત વર્ષે રાષ્ટ્રપતિ જો બાઇડને હસ્તાક્ષર કર્યા હતા.
હવે ટ્રમ્પ પાસે આશા
અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટિકટોકને અમેરિકામાં થોડા સમય માટે શરૂ રાખવાના પક્ષમાં છે. ટ્રમ્પે 22 ડિસેમ્બરે એરિજોના સ્ટેટની રાજધાની ફીનિક્સમાં આ વાત પર ભાર અપાયો હતો અને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ટિકટોક પર તેમના વીડિયોને અરબો વ્યૂ મળે છે.
અમેરિકામાં ટિકટોક યુઝર્સને આ મેસેજ મળે છે
અહેવાલો અનુસાર, અમેરિકામાં ટિકટોક યુઝર્સ જ્યારે એપ ખોલે છે ત્યારે એક મેસેજ આવે છે. જેમાં લખ્યું છે કે, 'અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કરવામાં આવ્યો છે. કમનસીબે, આનો અર્થ એ છે કે તમે હાલમાં ટિકટોકનો ઉપયોગ કરી શકતા નથી. અમે ભાગ્યશાળી છીએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ પદ સંભાળ્યા પછી ટિકટોક ફરીથી શરૂ કરશે. કૃપા કરીને અમારી સાથે જોડાયેલા રહો.'
ટિકટોક પર પ્રતિબંધ કેમ મૂક્યો?
અહેવાલો અનુસાર, અમેરિકાના અધિકારીઓએ ટિકટોક પર ચિંતા વ્યક્ત કરી છે, તેમણે દાવો કર્યો છે કે, ટિકટોક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. ચીની સરકાર આ એપનો ઉપયોગ અમેરિકનોની જાસૂસી કરવા અથવા કઈ સામગ્રી બતાવવામાં આવે છે અથવા છુપાવવામાં આવે છે તેને નિયંત્રિત કરીને ગુપ્ત રીતે જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરવા માટે કરી શકે છે.
આ ચિંતા ચીનના રાષ્ટ્રીય સુરક્ષા કાયદાઓથી ઉદ્ભવી છે, જે કંપનીઓને ગુપ્તચર પ્રવૃત્તિઓમાં મદદ કરવાની જરૂર છે. FBIના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જણાવ્યું હતું કે ચીની સરકાર ટિકટોકના સોફ્ટવેર દ્વારા અમેરિકનોના ઉપકરણોને ઍક્સેસ કરી શકે છે અને તેમની સાથે ચેડા કરી શકે છે.
અમેરિકામાં ટિકટોકનું ભવિષ્ય શું છે?
અમેરિકામાં ટિકટોકનું ભવિષ્ય અનિશ્ચિત છે. સમય જતાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એપ્લિકેશન યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દેશે, કારણ કે નવા કાયદા હેઠળ એપલ અને ગુગલ જેવા એપ સ્ટોર્સમાંથી અપડેટ્સ અને સપોર્ટ બ્લોક કરવામાં આવશે. આખરે ટિકટોક દેશમાં સંપૂર્ણપણે બિનઉપયોગી બની શકે છે.