મારા પુત્રોનું લોહી મારા લોકો કરતા વધારે કિંમતી નથી... એરસ્ટ્રાઈક બાદ હમાસના નેતા ઈસ્માઈલ હનિયેહના આકરા તેવર
image : Twitter
Israel Hamas War :ઈઝરાયલે ગાઝામાં કરેલી એર સ્ટ્રાઈકમાં માસના નેતા અને અબજોપતિ ઈસ્માઈલ હનિયેહના ત્રણ પુત્રોના મોત થયા છે અને તેમના એક પૌત્ર તેમજ ત્રણ પૌત્રીઓ પણ તેમાં મોતને ભેટ્યા છે.
હમાસના કહેવા પ્રમાણે તે ગાઝા શહેરના એક કેમ્પ તરફ કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર ઈઝરાયલના બોમ્બ ઝીંકાયા હતા. જેમાં હનિયેહના ત્રણ પુત્રો હજેમ, અમીર તેમજ મહોમ્મદના મોત થયા હતા. હમાસના નેતા હનિયેહે આ વાતને સમર્થન આપ્યુ છે અને કહ્યુ છે કે, ઈશ્વરનો હું આભારી છું કે મારા પુત્રોને શહીદ થવાનુ સન્માન આપ્યુ.
એક ઈન્ટરવ્યૂમાં હનિયેહે સોગંદ લીધા હતા કે, હમાસ સરેન્ડર નહીં કરે અને આ પ્રકારની કાર્યવાહીથી હમાસની જે માંગણીઓ છે તે બદલાશે નહીં. મારા પુત્રોનુ લોહી જેરુસલેમ તેમજ અલ અકસાની આઝાદી માટે વહ્યુ છે અને અમે અમારા રસ્તા પર આગળ વધતા રહીશું. અમને તેના પર આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મારા પુત્રોનુ મોત મારા લોકોના ભવિષ્ય અને સ્વતંત્રતાની આશા સમાન છે. અમારી માંગણીઓ સ્પષ્ટ છે. તેમાં અમે કોઈ ફેરફાર કરવાના નથી. ઈઝરાયલ જો એમ વિચારતુ હોય કે મારા પુત્રોને ટાર્ગેટ કરીને તે હમાસને પોતાનુ વલણ બદલવા માટે મજબૂર કરશે તો તે ભૂલ કરી રહ્યુ છે. મારા પુત્રોનુ લોહી મારા પોતાના લોકોથી વધારે વ્હાલુ નથી.
આ દરમિયાન ઈઝરાયલનુ કહેવુ છે કે, હનિયેહના ત્રણે પુત્રો હમાસ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. તેમના પર હવાઈ હુમલાની યોજનાને ઈઝરાયલના એક લશ્કરી અધિકારીએ પહેલા મંજૂરી આપી હતી અને એ પછી એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આટલો સંવેદનશીલ નિર્ણય લેતા પહેલા પીએમ નેતાન્યાહૂ અને સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટને પણ તેની જાણકારી નહોતી અપાઈ.
જાણકારોનુ માનવુ છે કે, આ હુમલા બાદ હવે હમાસ અને ઈઝરાયલ વચ્ચેનો જંગ ક્યાં જઈને રોકાશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. યુધ્ધ વિરામની શક્યતાઓને પણ તેના કારણે ફટકો પડયો છે.