એડનની ખાડીમાં હૂતી જૂથ દ્વારા વેપારી જહાજ પર મિસાઈલ હુમલો, ત્રણ ક્રુ મેમ્બરના મોત
image : Freepik
સાના,તા.07 માર્ચ 2024,ગુરૂવાર
એડનની ખાડીમાં યમનમાં સક્રિય ઈરાન સમર્થિત હૂતી જૂથ દ્વારા વધુ એક વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે અને તેમાં જહાજના ત્રણ ક્રુ મેમ્બરના મોત થયા છે. બીજા ચાર લોકો ઘાયલ થયા છે.
ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટમાં બ્રિટન અને અમેરિકાના અધિકારીઓના હવાલાથી આ અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, ગાઝા પર ઈઝરાયેલ દ્વારા થયેલા આક્રમણ બાદ હુતી જૂથ દ્વારા વેપારી જહાજો પર રાતા સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં હુમલા કરવામાં આવી રહ્યા છે પણ કોઈ જહાજ પર જાનહાનિ થવાની આ પહેલી ઘટના છે.
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના કહેવા પ્રમાણે બાર્બાડોઝના ધ્વજ હેઠળ પ્રવાસ કરી રહેલા અને લાઈબેરિયાની કંપનીની માલિકીના જહાજ પર બુધવારે સવારે 11 વાગ્યે એક બેલેસ્ટિક મિસાઈલ ઝીંકાઈ હતી અને તેના કારણે પ્રંચડ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં ત્રણ ક્રુ મેમ્બરના મોત થયા હતા. ચાર લોકો ઘાયલ થયા છે અને તેમાંથી ત્રણની હાલત ગંભીર છે. આ હુમલાના કારણે ક્રુ મેમ્બર્સને જહાજ છોડી દેવાની ફરજ પડી હતી.
બ્રિટનના દૂતાવાસે પણ હુમલાની નિંદા કરતા કહ્યુ હતુ કે, ત્રણ નિર્દોષ નાવિકોના મોત થયા છે અને તેના માટે હૂતી જૂથ જવાબદાર છે. વેપારી જહાજો પર થતા હુમલાને રોકવા પડશે.
હૂતી જૂથ દ્વારા ગત નવેમ્બર મહિનાથી વેપારી જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમેરિકા અને બ્રિટને હૂતી જૂથને નબળુ પાડવા માટે તેમના આશ્રય સ્થાનો પર હવાઈ હુમલા પણ કર્યા છે. પરંતુ તેની કોઈ ખાસ અસર હજી સુધી જોવા મળી નથી.