નિજ્જરની હત્યામાં ત્રણ ભારતીયો પકડાયા, ભારત સરકાર વિરુદ્ધ પુરાવા નહીં
- કેનેડામાં ખાલિસ્તાની આતંકીની હત્યાના કેસમાં વધુ ધરપકડની સંભાવના
- ત્રણેય આરોપી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો છતાં અન્ય હત્યાઓમાં પણ સંડોવણીની તપાસ ચાલુ
- ત્રણેય ભારતીય આરોપીઓ સાથે ભારત સરકારની સંડોવણી હોવાનો કેનેડાના સંરક્ષણ મંત્રીનો ઈન્કાર
ઓટ્ટાવા : કેનેડાના સત્તાવાળાઓએ કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં કથિત રીતે સંડોવણી બદલ ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. આ કેસમાં વધુ લોકોની ધરપકડ થવાની સંભાવના છે તેમ કેનેડા પોલીસે જણાવ્યું હતું. જોકે, તેમણે ઉમેર્યું કે તેમની તપાસ હજુ સમાપ્ત નથી થઈ અને આ હત્યાકાંડમાં હજુ અન્ય લોકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારાની ધરપકડ થવાની શક્યતા છે. જોકે, કેનેડા ઓથોરિટીને હજુ સુધી આ કેસમાં ભારત સરકારની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી.
કેનેડા ઓથોરિટીએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના કાવતરાં અને ફર્સ્ટ ડિગ્રી હત્યાના આરોપ હેઠળ એજમોન્ટનમાં રહેતા ત્રણ ભારતીયો ૨૨ વર્ષીય કરણ બ્રાર, ૨૨ વર્ષીય કમલપ્રીત સિંહ અને ૨૮ વર્ષીય કરણપ્રીતનો સમાવેશ થાય છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ શુક્રવારે જણાવ્યું હતું કે, કેનેડિયન નાગરિક નિજ્જરની હત્યામાં સંડોવાયેલા લોકો ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરે છે કે કેમ તેની તપાસ ચાલુ છે.
જોકે, સીબીસી ન્યૂઝે સૂત્રોને ટાંકીને તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે તપાસકારોએ અનેક મહિના પહેલાં શકમંદોની ઓળખ કરી લીધી હતી અને ત્રણ અન્ય હત્યાના કેસમાં તેમની સંડોવણીની તપાસ ચાલી રહી છે. કેનેડાના મીડિયા રિપોર્ટમાં નિજ્જરના હત્યારા ભારતની જેલમાં કેદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે નિજ્જરની હત્યાના કેસમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકારની સંડોવણી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ત્રણ ભારતીયોની ધરપકડ પછી કેનેડા પોલીસના નિવેદનમાં ભારત વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા હોવાનો ઉલ્લેખ કરાયો નથી.
તપાસ અધિકારીઓનું માનવું છે કે ધરપકડ કરવામાં આવેલા લોકો એ કથિત જૂથના સભ્ય છે, જેમને ગયા વર્ષે ભારત સરકારે નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું. ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની ૧૮ જૂન ૨૦૨૩ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક ગુરુદ્વારા બહાર હત્યા કરી દેવાઈ હતી. તપાસ ટીમના સુપરીન્ટેડેન્ટ મનદીપ મૂકરે કહ્યું કે, તપાસ ત્રણ ભારતીયોની ધરપકડ સુધી જ મર્યાદિત થતી નથી. આ હત્યાકાંડમાં અન્ય કેટલાક લોકોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. અમે એક-એકની ઓળખ કરીને તેમની ધરપકડ કરીશું. બ્રિટિશ કોલંબિયા અને આલ્બર્ટા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ તથા એડમોન્ટન પોલીસ સેવાની મદદથી આઈએચઆઈટી તપાસકારોએ શુક્રવારે સવારે નિજ્જરની હત્યામાં સંડોવણી બદલ ત્રણેય ભારતીયોની ધરપકડ કરાઈ હતી.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના મદદનીશ કમિશનર ડેવિડ ટેબૌલે કહ્યું કે તેઓ પોલીસ દ્વારા એકત્ર કરાયેલા પુરાવા અંગે કોઈ ટીપ્પણી નહીં કરી શકે કે નિજ્જરની હત્યાના આશય અંગે પણ કશું કહી શકશે નહીં. આ કેસમાં અલગ અલગ પાસાની તપાસ કરાઈ રહી છે અને કેસની તપાસ આજે ધરપકડ કરાયેલા લોકો સુધી જ મર્યાદિત નથી. આ પ્રયાસોમાં ભારત સરકારના સંબંધોની પણ તપાસ કરાશે.
પોલીસ મુજબ ત્રણેય શકમંદોએ ભારતીયોએ સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ શક્ય છે કે તેમણે નિજ્જરની હત્યા કરી ત્યારે તેમણે ભારતીય ગુપ્તચર વિભાગના નિર્દેશો પર કામ કર્યું હોય. જોકે, કેનેડાના સંરક્ષણ મંત્રીએ આ કેસમાં ભારત સરકારની સંડોવણીના પુરાવા મળ્યાની પુષ્ટી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
નિજ્જરની હત્યાને સ્થાનિક આંતરિક રાજકારણ સાથે સંબંધ : જયશંકર
કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતને કોઈ લેવા દેવા નથી. ઉલટાનું તેની હત્યા કેનેડાના આંતરિક રાજકારણ સાથે સંકળાયેલ છે તેમ વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે શનિવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખાલિસ્તાન સમર્થક જૂથો કેનેડાના લોકતંત્રનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ એક લોબી ઊભી કરીને ત્યાં વોટબેન્ક બની ગયા છે. કેનેડામાં શાસક પક્ષ સંસદમાં બહુમતી ધરાવતો નથી અને કેટલાક પક્ષો ખાલિસ્તાન તરફી નેતાઓ પર નિર્ભર છે. આ જ કારણે ભારતે ખાલિસ્તાની તરફી ૨૫ લોકોના પ્રત્યાર્પણની માગણી કરી છે, પરંતુ તેઓ તે અંગે કોઈ ધ્યાન આપતા નથી. કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના હજુ સુધી કોઈ પુરાવા આપ્યા નથી. કેનેડામાં ભારત પર દોષારોપણ કરવું એ શાસક પક્ષની રાજકીય મજબૂરી છે.