મધરાત્રે બની એવી ઘટના કે નેતન્યાહૂનું વધી ગયું ટેન્શન, ઘરમાં જ ઘેરાયા ઈઝરાયલના વડાપ્રધાન
રાજધાની તેલ અવીવમાં મધરાત્રે હજારો લોકો માર્ગો પર ઉતરી આવ્યા
image : Twitter |
Israel vs Hamas war Updates | હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હવે ઘરમાં જ ઘેરાયા હતા. રાજધાની તેલ અવીવમાં મધરાત્રે હજારો લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને તેમણે દેશના પીએમ સામે દેખાવો કરવાની શરૂઆત કરી દીધી હતી.
દેખાવકારોએ કરી આ માગ
દેખાવકારોએ નેતન્યાહૂનું ટેન્શન વધારી દેતાં ઈઝરાયલમાં તાત્કાલિક ચૂંટણી યોજવાની માગ કરી હતી અને કહ્યું કે સરકાર ફક્ત તેના ફાયદા માટે જ કામ કરી રહી છે. આ દરમિયાન અમુક દેખાવકારોએ હિંસા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેમાં તેમણે અનેક જગ્યાએ આગચંપી કરવાનો પ્રયાસ કર્યો હતો. અમુક દેખાવકારો દેશભક્તિના ગીતો ગાતા દેખાયા હતા. જ્યારે ઘણાના હાથમાં નેતન્યાહૂને વખોડતાં બેનરો જોવા મળ્યાં હતાં.
બંધકોને મુક્ત કરાવવામાં નેતન્યાહૂ નિષ્ફળ!
ઈઝરાયલમાં દેખાવોની શરૂઆત માત્ર એક નહીં પણ ઘણાં શહેરોમાં થઇ હતી. ઠેર ઠેર દેખાવો દરમિયાન લોકોએ સરકાર પાસે હમાસ દ્વારા બંધક બનાવાયેલા ઈઝરાયલી અને વિદેશી નાગરિકોને તાત્કાલિક મુક્ત કરાવાની માગ કરી હતી અને બંધકોને પાછા ઘરે લાવો જેવી નારેબાજી કરી હતી. ઉલ્લેખનીય છે કે નેતન્યાહૂ સરકાર પર યુદ્ધવિરામ કરવા માટે સતત દબાણ વધારવામાં આવી રહ્યું છે અને આ જ ક્રમમાં આ દેખાવો કરાયા હતા.