Get The App

સીરિયામાં 4 શહેરો પર બળવાખોરોનો કબજો, પ્રમુખ બશર દેશ છોડીને ભાગ્યા, ગૃહયુદ્ધ ભડક્યું

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
સીરિયામાં 4 શહેરો પર બળવાખોરોનો કબજો, પ્રમુખ બશર દેશ છોડીને ભાગ્યા, ગૃહયુદ્ધ ભડક્યું 1 - image


Syria War Updates | મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલનું હમાસ અને હિઝબુલ્લાહ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે એવા સમયે સીરિયામાં એક સપ્તાહથી ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું છે. પ્રમુખ બશર અલ-અસદ સામે બળવો કરનારા બળવાખોરોએ શનિવારે વધુ એક શહેર દારા પર કબજો જમાવી લીધો છે. વધુમાં હજારો બળવાખોરો રાજધાની દમાસ્કસમાં ઘૂસતા પ્રમુખ બશર-અલ અસદની સરકાર જોખમમાં મુકાઈ ગઈ છે. આ સાથે અસદ સીરિયા છોડી ભાગી ગયા હોવાની અફવાઓ પણ ફેલાઈ છે. બીજીબાજુ ઈઝરાયેલ સામે લડી રહેલા હિઝબુલ્લાહે હોમ્સ શહેરને બળવાખોરોના હાથમાં જતું બચાવવા અને પ્રમુખ અસદની મદદ માટે તેના આતંકીઓને સીરિયા મોકલ્યા છે. 

દાયકાઓ સુધી ગૃહયુદ્ધમાં સપડાઈ ખુવાર થઈ ગયેલા સીરિયામાં ગયા સપ્તાહે અચાનક ફરી એક વખત ગૃહ યુદ્ધ શરૂ થઈ ગયું છે. સીરિયામાં હયાત તહરિર અલ-શામ (એચટીએસ)ના બળવાખોરોએ વર્ષ ૨૦૧૧માં પ્રમુખ બશર અલ-અસદ વિરુદ્ધ ગૃહ યુદ્ધ શરૂ થયું હતું તે દારા શહેર પર કબજો જમાવી દીધો છે. આ સાથે પ્રમુખ બશર અલ-અસદ સીરિયામાંથી ભાગી ગયા હોવાની અટકળો ફેલાવા લાગી છે. જોકે, સરકારી સૂત્રોએ આ અહેવાલોને માત્ર અફવા ગણાવ્યા છે.

છેલ્લા એક સપ્તાહમાં તેમણે ચાર મોટા શહેરો કબજે કરી લીધા છે. બળવાખોર જૂથના સૂત્રોએ કહ્યું કે, સીરિયાના સૈન્યને પીછેહઠ કરવા માટે દારા શહેરથી રાજધાની દમાસ્કસ સુધી અંદાજે ૧૦૦ કિ.મી. લાંબો સેફ પેસેજ ઉપલબ્ધ કરાવવા સહમતી બની છે. બળવાખોરોએ થોડાક દિવસ પહેલાં જ અલેપ્પો અને હામા પર કબજો કરી લીધો છે. બશર અલ-અસદની સરકાર તેના નિયંત્રણ હેઠળના શહેરો ધીમે ધીમે ગુમાવી રહી છે. બળવાખોર જૂથ હયાત તહરીર અલ-શામ (એચટીએસ)ના લીડર મોહમ્મદ અલ-જોલાનીનું કહેવું છે કે તેમનું એકમાત્ર લક્ષ્ય પ્રમુખ બશર અલ-અસદને સત્તા પરથી હટાવવાનું છે.

દારા અને સ્વૈડા શહેરો પર બળવાખોરોના કબજા સાથે સીરિયાની સરકારનું નિયંત્રણ માત્ર પાંચ પ્રાંતોની રાજધાનીઓ દમાસ્કસ, હોમ્સ અને ક્યુનૈત્રા તેમજ લાટકિઆ અને તારતુસ સુધી મર્યાદિત થઈ ગયું છે. અગાઉના સોવિયેત રશિયા બહાર એકમાત્ર તારતુસમાં રશિયાનું નેવલ બેઝ છે જ્યારે લાટકિઆમાં રશિયાનું એરબેઝ છે.

રશિયા હાલ યુક્રેન સાથે યુદ્ધમાં અટવાયેલું છે. બીજીબાજુ હિઝબુલ્લાના આતંકીઓ એક વર્ષથી ઈઝરાયેલના સૈન્યનો સામનો કરી રહ્યા છે. આથી પ્રમુખ અલ-અસદનું સમર્થન કરતા બંને પક્ષોની ખુવારી વધી છે. બીજીબાજુ સીરિયાના બળવાખોરોને અમેરિકા, બ્રિટન, સાઉદી અરબ જેવા દેશોનું સમર્થન છે. યુએનના અહેવાલ મુજબ સીરિયામાં અત્યાર સુધીમાં અંદાજે ૨.૮૦ લાખ લોકો વિસ્થાપિત થઈ ગયા છે. હોમ્સ શહેર પર બળવાખોરોના સંભવિત કબજાને પગલે અનેક પરિવારોએ પલાયન કર્યું છે.

દરમિયાન સીરિયાના મહત્વપૂર્ણ શહેર હોમ્સને બળવાખોરોથી બચાવવા માટે હિઝબુલ્લાહે તેના આતંકીઓને સીરિયા રવાના કર્યા છે. બીજીબાજુ બળવાખોર જૂથ એચટીએસે ટેલીગ્રામ મેસેજિંગ એપ પર કહ્યું કે, તેમના સૈન્યે હોમ્સ શહેરના બહારના વિસ્તારોમાં અંતિમ ગામને મુક્ત કરાવી લીધું છે. તેઓ હવે હોમ્સ તરફ આગળ વધી રહ્યા છે.

''અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળજો''

સીરિયા છોડી દો ઃ ભારતીયોને વિદેશ મંત્રાલયની ચેતવણી

વિદેશ મંત્રાલયે ઈમર્જન્સી હેલ્પલાઈન નંબર તથા ઈ-મેઈલ એડ્રેસ પણ ભારતીયોને આપ્યા

 નવી દિલ્હી: સીરીયામાં દિવસે દિવસે બગડતી જતી પરિસ્થિતિને અનુલક્ષીને ભારત સરકારે ગઈકાલે મોડી રાત્રે સીરીયામાં રહેતા ભારતીઓને બને તેટલા વહેલા સીરીયા છોડી દેવા ચેતવણી સાથેની સલાહ આપી છે. 

જ્યારે સીરીયા જવા માગતા ભારતીઓને ત્યાં ન જવા જણાવી દીધું છે. આ સાથે સીરીયામાં ભારતીઓને ચોવીસે કલાક ચાલુ રખાતો હેલ્પલાઈન ઈમર્જનસી નંબર પણ આપી દીધો છે તથા ઈ-મેઈલ આઈડી પણ જણાવી દીધું છે.

જેઓ તત્કાલ સીરીયા ન છોડી શકે તેમ હોય તેવા ભારતીઓને વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તેઓએ અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળવું, અન્યથા નહીં. જો બહાર જવું જ પડે તેમ હોય તો પણ ખૂબ જ સાવચેતી રાખવી. તેટલું જ નહીં પરંતુ દૂતાવાસના સંપર્કમાં રહેવું.




Google NewsGoogle News