પાકિસ્તાનમાં ફરી મોટી બબાલના એંધાણ, ઈમરાન ખાનના હજારો સમર્થકોની ઈસ્લામાબાદ તરફ કૂચ
Imran Khan Supporters Marched: પાકિસ્તાનમાં ફરી મોટી બબાલના એંધાણ નજર આવી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન ગત વર્ષે મે મહિનાથી જેલમાં છે. તેમના સમર્થકોએ વારંવાર દેશમાં વિરોધ પ્રદર્શન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ જ ક્રમમાં ફરી એક વખત ઈમરાન ખાનના હજારો સમર્થકોએ પાકિસ્તાનની સડકો પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.
પૂર્વ સત્તારુઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સમર્થકો આજે ફરીથી પૂર્વ વડા પ્રધાનની મુક્તિની માગ સાથે રસ્તા પર ઉતરશે. જેમાં ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને પંજાબ પ્રાંતમાંથી હજારોની સંખ્યામાં PTI સમર્થકો ઈસ્લામાબાદ પહોંચી શકે છે. PTI સમર્થકોએ બપોરે 3:00 વાગ્યે રેલી યોજવાનું નક્કી કર્યું છે. બીજી તરફ પાકિસ્તાની વહીવટીતંત્રને ડર છે કે, આ રેલી ગત વર્ષે મે જેવી સ્થિતિ ન સર્જી શકે.
વહીવટી તંત્રએ જલસો કરવાના NOC રદ કરી
ઈમરાન ખાન દ્વારા સ્થાપિત પાર્ટીને અગાઉ આપવામાં આવેલ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) રદ્દ કરવા છતાં PTIએ આજે (ગુરુવારે) સંઘીય રાજધાનીમાં જલસો આયોજિત કરવાની જાહેરાત કરી છે. એક નિવેદનમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે, સંઘીય રાજધાનીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તમામ શૈક્ષણિક સંસ્થાને બંધ રાખવાનો નિર્ણય
આ રેલીના આયોજનને ધ્યાનમાં રાખી સુરક્ષાને ધ્યાનમાં રાખી ઈસ્લામાબાદ જિલ્લા વહીવટીતંત્રએ ગુરુવારે તમામ જાહેર અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
બુધવારે એક નિવેદનમાં PTI ઈસ્લામાબાદના અધ્યક્ષ આમિર મુગલે કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્રએ નોટિફિકેશન રદ કર્યું છે, પરંતુ અમે જલસો રદ્દ નથી કર્યો. શાંતિપૂર્ણ રીતે રાજકીય સંઘર્ષ કરવો એ અમારો બંધારણીય અને કાનૂની અધિકાર છે.