Get The App

ઈઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં હજારો પરિવારો હોમાઈ ગયા, એક વર્ષમાં 14 વાર વિસ્થાપિત થયેલા લોકોની દર્દનાક દાસ્તાન

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં હજારો પરિવારો હોમાઈ ગયા, એક વર્ષમાં 14 વાર વિસ્થાપિત થયેલા લોકોની દર્દનાક દાસ્તાન 1 - image


Israel- Palestine War: ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે. યુદ્ધમાં હજારો નાગરિકો માર્યા ગયા છે અને જે બચ્યા છે એના માથે સતત મોત ભમ્યા કરે છે. ઈઝરાયલના હુમલામાં માર્યા ગયેલા લોકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. એક અહેવાલ મુજબ ઉત્તર ગાઝા નજીક 4 લાખ પેલેસ્ટિની નાગરિકો ફસાયેલા છે. ઈઝરાયલની સેના હુમલો કરવાની ધમકી આપીને એ વિસ્તાર ખાલી કરવાનું કહે છે, છતાં ફસાઈ ગયેલા નાગરિકોને એ વિસ્તાર છોડવા દેવામાં આવતો નથી. જીવતા બચશે કે કેમ એની કોઈ ખાતરી વગરના એ 4 લાખ લોકોમાં એક મહિલા છે સબરીન, જેણે વેઠવા પડેલી હાલાકી હૃદયદ્રાવક છે.

આ પણ વાંચો : ભારત સરકાર ખુદ કરાવશે પન્નૂ કેસમાં અમેરિકન આરોપીની તપાસ, US જશે ભારતીય તપાસ કમિટી

એક વર્ષમાં 14 વખત સ્થળાંતર

સબરીન પેલેસ્ટાઇનની છે અને એના પરિવાર સાથે ઉત્તર ગાઝાની સરહદ પર ફસાઈ ગયેલી છે. એનો પરિવાર છેલ્લા 1 વર્ષમાં 14 ઘણી વખત વિસ્થાપનનો ભોગ બન્યો છે. માથે ભમતા મોતથી બચવા માટે સબરીન સપરિવાર સતત અહીંથી તહીં ભટકી રહી છે. 

યુદ્ધે બરબાદ કર્યા પરિવાર

પીડિત મહિલા સબરીનનું કહેવું છે કે, ‘યુદ્ધ પહેલાં અમે સરસ રીતે જીવતા હતા. અમારી જિંદગી સન્માનભરી હતી. અલ્લાહની દયાથી અમે ખુશ હતા. મારા પતિ માછીમાર હતા. અમારી પાસે ઘણુંબધું હતું. મારી પૌત્રી હસીખુશી શાળામાં ભણવા જતી. પણ એક દિવસ યુદ્ધ શરૂ થઈ ગયું અને પછી બધું બદલાઈ ગયું.’ 

જીવતા રહેવા માટે ભટકતા રહે છે

સબરીન અને એનો પરિવાર ગાઝા શહેરમાં રહેતો હતો. ઈઝરાયલે કરેલા પહેલા જ હુમલામાં એમણે ઘર છોડવાની ફરજ પડી હતી. પહેલાં તેમણે ઉત્તર ગાઝામાં આશરો લીધો હતો, પરંતુ પછી દક્ષિણ તરફ જવું પડ્યું. એ પછી તેઓ મધ્ય ગાઝા તરફ ગયા. વારંવારના હુમલાની લીધે જીવ બચાવવા માટે તેમણે સતત એક દિશામાંથી બીજી દિશામાં ભટક્યા કરવું પડે છે. 

આ પણ વાંચો : જે હથિયારથી અમેરિકાએ ઓસામા બિન લાદેનને શોધી કાઢ્યો હતો: ભારતે તેના માટે રૂ.32 હજાર કરોડની ડીલ કરી

પૈસા ખર્ચ્યે પણ શાંતિ નથી

સબરીન કહે છે કે, ‘વિસ્થાપન ખૂબ ખર્ચાળ હોય છે. નાના-નાના કામ માટે નાણાં આપવા પડે છે. મજબૂરીમાં અમે જેમ કહેવાય એમ કરવું પડે છે. અમારી પાસે જે કંઈ બચત હતી એ બધી ખતમ થઈ ગઈ છે. અમારે મારી દીકરી અને પૌત્રીના સોનાના ઘરેણાં પણ વેચી દેવા પડ્યાં. હવે અમે લોકો પાસેથી લોન લઈ-લઈએ અહીંથી તહીં ભટકી રહ્યા છીએ. અમારી પાસે મૂડી નથી. નાણાં આપવા છતાં વિસ્થાપન દરમિયાન અમને જાતજાતના ત્રાસ આપવામાં આવે છે.

છોકરીઓની વિશેષ ચિંતા થાય છે 

સબરીનના પરિવારમાં નાની-મોટી છોકરીઓ છે, જેને લઈને તેઓ ચિંતિત રહે છે. સબરીન કહે છે કે, ‘આતંકવાદીઓ જ નહીં સેનાના જવાનોથી પણ અમને ડર લાગે છે. એક સ્થળેથી બીજે સ્થળે જતી વખતે અમને રોકીને જાતજાતના સવાલ કરવામાં આવે છે, અમારી જડતી લેવામાં આવે છે. ગમે ત્યારે ગમે તે દિશામાંથી ગોળીબાર શરૂ થઈ જાય છે. એમની પાસે જોતાં જ ડર લાગે એવાં હથિયાર અને બોમ્બ હોય છે.’

કેટલાય સ્વજનો માર્યા ગયા

અન્ય લોકોની જેમ ગાઝામાં ઈઝરાયલના નરસંહારને કારણે સબરીને પણ તેના ઘણા સ્વજનો ગુમાવ્યા છે. વારંવારના સ્થળાતંરને કારણે તેમને તેમના મૃત સગાં માટે વ્યવસ્થિત રીતે શોક મનાવવાનો સમય પણ મળી શક્યો નથી, એ કેવી કરુણ સ્થિતિ કહેવાય...!

સ્થળાંતરની જગ્યાઓ પણ નથી બચી

સબરીન કહે છે કે, ‘અમે એટલી બધી જગ્યાએ રખડી આવ્યા છીએ કે હવે જવા માટે કોઈ જગ્યા જ નથી બચી. અમને ખબર નથી કે અત્યારે અમે જ્યાં છીએ ત્યાં પણ હુમલો થયો તો હવે પછી અમે ક્યાં જઈશું?’

એક અંદાજ મુજબ ઈઝરાયલના હુમલાને કારણે પેલેસ્ટાઇનમાં અત્યાર સુધી 23 લાખો નાગરિકો વિસ્થાપિત થયા છે. ધરતી પર કશે પણ યુદ્ધ થાય ત્યારે એનો સૌથી ખરાબ ભોગ સ્ત્રીઓ અને બાળકો જ બનતાં હોય છે. આપણે આશા કરીએ કે મધ્ય-પૂર્વમાં સળગેલો યુદ્ધનો દાવાનળ જલ્દી જ થાળે પડે અને સબરીન જેવા લાખો લોકોના જીવનમાં શાંતિ સ્થપાય.


Google NewsGoogle News