ન્યૂયોર્કના સ્મરણીય 'ટાઈમ્સ સ્કવેર'માં હજારો અમેરિકન્સ અને વિદેશીઓએ 'યોગ-સાધના' કરી
- 21મીનો વિષુવ દિન 2014થી આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે મનાય છે
- પ્રાણાયામથી શરૂ કરી બહુવિધ યોગ આસનો કરતા હજારો લોકોએ દર્શકોને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા
ન્યૂયોર્ક : ન્યૂયોર્કની નિશાનીસમાન સ્મારક 'ટાઈમ્સ સ્કવેર'માં હજારો અમેરિકન્સ અને વિદેશીઓએ આજે યોગ સાધના કરી હતી. તા. ૨૧મી જૂનનો દિવસ વિષુળ દિન છે. આ દિવસે સૂર્ય પૃથ્વીનાં વિષુવવૃત્ત ઉપર બરોબર હોય છે. આવતીકાલથી સૂર્ય દક્ષિણે જતો હોય છે. આ વિષુવદિનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો યુનો પાસે વડાપ્રધાન મોદીએ જ પ્રસ્તાવ પસાર કરાવ્યો હતો.
આજે મધ્યાહ્ન અને તે પછી ન્યૂયોર્કમાં ૩૩.૮ ડીગ્રી સેલ્સિયસ જેટલું ઉષ્ણતામાન પહોંચી જવાના વર્તારો છે, તેથી વહેલી સવારના ૬ વાગ્યાથી લોકોએ અહીં યોગ સાધના શરૂ કરી હતી. ત્યારે પ્રાણાયા અને યોગ-સાધના ગુરૂ રીયા ધેકનેએ આશરે ૮ થી ૧૦ હજાર લોકોને યોગ સાધના કરાવી હતી. તે સમયે અહીંના ઉપદૂતાવાસના ઉપ-રાજદૂત (કોન્સલ જનરલ) સહિત અન્ય કર્મચારીઓ પણ તેમાં ઉપસ્થિત હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનનાં રીચા ધેકને અને કોન્સ્યુલ ઓફ ઈંડીયાએ સહકારથી કર્યું હતું.
આ અંગે ન્યૂયોર્ક સ્થિત ભારતના ઉપ-રાજદૂત (કોન્સલ જનરલ) બિનય શ્રીકાંત પ્રધાને કહ્યું હતું કે જ્યારથી આ યોગ દિવસ આયોજનનો વિચાર શરૂ થયો ત્યારથી અમે આ ટાઈમ્સ સ્કવેરમાં ૮ થી ૧૦ હજાર લોકો ભાગ લેશે તેવી ગણતરી રાખતા જ હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારાઓ અન્યોને પણ પ્રોત્સાહિત કરશે તે નિશ્ચિત લાગે છે.
ટાઈમ્સ સ્કવેર ઉપરાંત ન્યૂયોર્કની પ્રસિદ્ધ લાઈબ્રેરી નજીક આવેલાં બ્રિયાંત પાર્કમાં તેમજ સેન્ટ્રલ પાર્કમાં પણ યોગ સેશન્સ યોજાઈ હતી. સેન્ટ્રલ પાર્કમાં યોજાયેલા આ સામુહિક કાર્યક્રમ માત્ર મહિલાઓ માટે જ હતો, જે સ્વામી બ્રહ્મનિષ્ઠાનંદના નેતૃત્વ નીચે યોજાયો હતો.