આને કહેવાય 'નસીબનો બળિયો'... બ્રાઝિલ વિમાન દુર્ઘટનામાં આ વ્યક્તિનો જીવ જુઓ કેવી રીતે બચ્યો
Brazil Plane Crash Tragedy: કહેવાય છે ને કે, જે થાય તે સારા માટે જ થાય છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જ સામે આવ્યું છે. એક વ્યક્તિનો જીવ એટલા માટે બચી ગયો કારણ કે, તેને એરપોર્ટ પર પહોંચતા મોડું થઈ ગયું અને તેને ફ્લાઈટમાં ચઢવા ન દીધો. ઘણી વાર એવું થાય છે કે, આપણે જે વિચારીએ છે અને જે કરવા માંગીએ છીએ તે જ્યારે નથી થતું તો આપણને ગુસ્સો આવે છે, આપણને ખરાબ લાગે છે પરંતુ એવું કહેવાય છે કે, જે થાય છે એ સારા માટે જ થાય છે.
બ્રાઝિલ વિમાન દુર્ઘટના
બ્રાઝિલમાં શુક્રવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. વિમાનમાં સવાર તમામ 62 લોકો મૃત્યુ પામ્યા છે. દુર્ઘટનાસ્થળે હાજર સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રાઝિલના સાઓ પાઉલો નજીક 62 લોકોને લઈ જતું ક્ષેત્રીય ટર્બોપ્રોપ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. બ્રાઝિલના વિનહેડોમાં હૈયું કંપાવનરી દુર્ઘટનાના સોશિયલ મીડિયામાં પ્લેન ક્રેશના વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અનિયંત્રિત વિમાન જમીન પર પડી જાય છે. ઘટનાની જાણ થતાં જ બચાવકર્મીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.
આવી રીતે બચ્યો વ્યક્તિનો જીવ
આ દુર્ઘટના બાદ એડ્રિયાનો અસિસ નામના વ્યક્તિનો વીડિયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. તેઓ રિયો ડિ જેનેરોના રહેવાસી છે. તેમણે જણાવ્યું કે, મારે પણ આ જ ફ્લાઈટમાં જવાનું હતું પરંતુ મને એરપોર્ટ પર પહોંચવામાં વિલંબ થઈ ગયો અને હું સમય પર બોર્ડિંગ ન કરી શક્યો. મારે મોડું થઈ જવાના કારણે એરલાઈનના અધિકારીએ મને ફ્લાઈટમાં ચઢવા ન દીધો અને મેં અધિકારીઓ સાથે દલીલ પણ કરી ઘણી વખત કહ્યું કે, મને ફ્લાઈટમાં જવા દો પરંતુ અધિકારીએ મને ફ્લાઈટમાં ન બેસવા દીધો.
આ વ્યક્તિએ જણાવ્યું કે, ત્યારબાદ મેં અધિકારીને ગળે પણ લગાવ્યો કારણ કે, તેઓ માત્ર તેમનું કામ કરી રહ્યા હતા. જ્યારે વિમાન ક્રેસ થઈ ગયું ત્યારે વ્યક્તિએ કહ્યું કે, હું એ અધિકારીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે મારો જીવ બચાવ્યો. જો તેમણે મને ફ્લાઈટમાં જવાથી ન રોક્યો હોત હું આજે જીવિત ન હોત.