PM મોદી જે દેશની મુલાકાતે છે, તે દેશના અનેક ઘરમાં થાય છે ગુજરાતના મહારાજાની પૂજા
Image Wikipedia |
PM Modi in Poland: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં પોલેન્ડના પ્રવાસ પર છે. ભારત અને પોલેન્ડ વચ્ચે ગાઢ સંબંધ છે. આ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એક મહત્ત્વની બાબત એ છે, કે પોલેન્ડના લોકો ભારતના એક મહારાજાને પૂજે છે. રાજધાની વૉર્સોની વચોવચ આવેલુ 'ગુડ મહારાજા ચોક' પણ છે. પીએમ મોદી પણ ત્યાં જવાના છે. ત્યારે પોલેન્ડના લોકો ફરી એકવાર તે 70 વર્ષ જૂની ઘટનાને યાદ કરી રહ્યા છે. આ ઘટના બીજા વિશ્વ યુદ્ધ સમયની છે.
પોલેન્ડમાં મુશ્કેલીમાં હતું બાળકોનું જીવન
હિટલરે જ્યારે પોલેન્ડ પર હુમલો કર્યો, ત્યારે સૈનિકોએ મહિલાઓ અને બાળકોને વહાણમાં બેસાડીને મોકલી દીધા. ત્યારે તેમને એવી આશા હતી કે, કોઈક દેશમાં તેઓને શરણ મળશે અને તેઓ બચી જશે. ત્યારે આ વહાણ ભટકતું- ભટકતું ગુજરાતના જામનગર દરિયા કિનારે આવી પહોંચ્યું હતું. રસ્તામાં તેમને કોઈ દેશે આશ્રય ન આપ્યો. ત્યારે જામનગરના મહારાજા દિગ્વિજય સિંહ રણજીત સિંહજીએ આ પોલિશ લોકોને આશ્રય આપ્યો. એટલું જ નહી ઘણાં વર્ષો સુધી તેમણે સેંકડો બાળકોની સંભાળ પણ રાખી હતી. અને તેમાંથી જ એક શરણાર્થી બાળક પાછળથી પોલેન્ડનો વડાપ્રધાન બન્યો હતો.
દયાળું મહારાજાની શ્રદ્ધાંજલિમાં કૃતજ્ઞ છે, પોલેન્ડ રાષ્ટ્ર
ગુજરાતના જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાએ એક સાહસિકતાભર્યો નિર્ણય લીધો અને પોલેન્ડના લોકોને તેમના રાજ્યમાં આશરો આપ્યો. જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા. મહારાજાએ 1942 થી 1946 સુધી પોલેન્ડથી સેંકડો માઈલ દૂર પોતાના રાજ્યમાં હજારો પોલિશ બાળકોને સુરક્ષિત રાખ્યા હતા. આજે પણ પોલેન્ડમાં 8 શાળાઓ જામ સાહેબના નામ પર છે. મહારાજાનું નામ કેટલીયે જગ્યાએ વાંચી શકાય છે. દરેક જગ્યાએ લખેલું છે. 'દયાળું મહારાજાની શ્રદ્ધાંજલિમાં કૃતજ્ઞ છે, પોલેન્ડ રાષ્ટ્ર.'
મહારાજાના માનમાં તેઓ તેમના ફોટાવાળી ટી-શર્ટ પહેરે છે
ભારતમાં પોલેન્ડના પૂર્વ રાજદૂત પણ મહારાજાના નામની સ્કૂલમાં ભણ્યા હતા. પોલેન્ડના લોકો જામનગરના મહારાજાને એટલા માન-સમ્માનથી જોવે છે કે, તેઓ તેમના ફોટાવાળી ટી-શર્ટ પહેરે છે. વોર્સોમાં રહેતા પોલેન્ડના નાગરિક વર્થોએ કહ્યું કે, અમે ટી-શર્ટ એટલા માટે પહેરીએ છીએ કે, અમે મહારાજાને યાદ કરવા માંગીએ છીએ. વિશ્વયુદ્ધ દરમિયાન જે બન્યું તેની સ્મૃતિને જીવંત રાખવા માંગીએ છીએ. આ રીતે અમે આવનારી પેઢીને એ વાત બતાવવા માંગીએ છીએ કે, કેવી રીતે ભારતના મહારાજાએ કટોકટીના સમયે સાથ આપીને મદદ કરી હતી.
મહારાજા દિગ્વિજય સિંહના યોગદાનનો ઉલ્લેખ કરતા વર્થો કહે છે કે, "એ ભાવ દર્શાવે છે કે, એક પાડોશીને કેવી રીતે જરૂરિયાતના સમયે મદદ કરવી જોઈએ. અમે તેમની પાસેથી મદદ કરવા અને શીખવા માટે હંમેશા તૈયાર છીએ.
નરેન્દ્ર મોદી હાલમાં બે દેશોના પ્રવાસે ગયા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દેશોના પ્રવાસે ગયા છે. આજે તે પોલેન્ડમાં રહેશે. તેઓ પણ ગુજરાત રાજ્યમાંથી આવે છે, તેથી પોલેન્ડના લોકો માટે જૂની યાદોને તાજી કરવાની આ એક તક છે. પીએમ મોદી 'ગુડ મહારાજા ચોક'ની પણ મુલાકાત લેશે.
પીએમ પોલેન્ડથી યુક્રેનની રાજધાની કિવ સુધી ટ્રેન દ્વારા મુસાફરી કરશે, જેમાં લગભગ 10 કલાકનો સમય લાગશે. પરત આવવામાં પણ લગભગ એટલો જ સમય લાગશે. વડાપ્રધાનની યુક્રેનની મુલાકાત કિવ દ્વારા રશિયામાં તાજેતરના લશ્કરી હુમલાઓ વચ્ચે થઈ રહી છે.